યુવરાજના અપરિપકવ નિવેદનથી વિરોધ વંટોળ: ભારતીય સંસ્કૃતિ જોજન દૂર રાહુલને ‘સમજણ’ની તાતી જરૂર
રાહુલ ગાંધી નવસર્જન યાત્રા દરમિયાન અમદાવાદની મુલાકાતે છે. જયાં તેમણે વિદ્યાર્થીઓને સંબોધન દરમિયાન સંઘને આડેહાથે લેવાના પ્રયાસમાં બહુ મોટો ભાંગરો વાટી દીધો છે. ભાજપ અને સંઘ પર શાબ્દીક પ્રહારોમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઔચિત્યનો ભંગ થાય તેવા શબ્દોનો ઉપયોગ કરી ચૂકયા છે. તેમણે સંઘમાં કયારેય ચડ્ડીધારી એટલે કે શોર્ટસ પહેરેલી મહિલાઓ જોઈ છે ? સંઘની જૂની હાફ ખાખી પેન્ટ માત્ર પુરુષો માટે જ હતી જે પુરુષો અને સ્ત્રી વચ્ચેની અસમાનતા દર્શાવે છે તેવું કહેવાના પ્રયાસમાં તેઓ ભારતીય મહિલાની સંસ્કારીકતા ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશમાં ભણ્યા છે. ઉપરાંત તેમણે જીવનનો લાંબો સમય વિદેશમાં વિતાવ્યો છે. પરિણામે તેઓ ભારતીય સંસ્કૃતિથી ઘણે દૂર હોવાનું લાગી રહ્યું છે. રાહુલ ગાંધી માટે એટલું સારું છે કે, લોકો તેમને હજુ સીરીયસ્લી લેતા નથી. લોકો હજુ રાહુલને રાજકુવર માને છે. પરિણામે તેમના શબ્દોને લોકો ગંભીરતાથી લેતા નથી. અગાઉ પણ રાહુલ ગાંધી ઘણી વખત શબ્દોની સમજણમાં થાપ ખાઈ ગયા છે. પરિણામે તેમના શબ્દોને મારી મચકોડી દેવાય છે.
રાહુલ ગાંધી ભારતીય સંસ્કૃતિ તેમજ લોકોના વ્યવહારોને અમલમાં મુકી શકયા ન હોવાના કારણે તેઓ જનજીવનથી પુરતા પરિચિત નથી જેની સામે મોદી સહિતના નેતાઓ લોકોના સીધા સંપર્કમાં હોવાથી કયાં શબ્દોનો કયાં અને કેવી રીતે કયાં લયમાં પ્રયોગ કરવો તે સારી રીતે જાણે છે. પરિણામે તેમની જીભ કયારેય લપસતી નથી. રાહુલ ગાંધીને આ મામલે ઘણુ શીખવું પડે તેમ છે. રાહુલની ટીમના સભ્યોએ પણ તેમને આ બાબતે ધ્યાન દોરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગઈકાલે સંઘ અને ભાજપ ઉપર પ્રહારો કરવામાં શાખામાં મહિલાઓના સ્થાન પ્રત્યે કરેલા નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. તેમની આ ટીપ્પણીને અભદ્ર માનવામાં આવી રહી છે અને તેમને માફી માંગવી જોઈએ તેવી માંગણી પણ સંઘ દ્વારા થઈ છે. તેઓ ગઈકાલે પુરુષો અને મહિલાઓ વચ્ચે સમાનતાની સરખામણી કરાવવા માંગતા હતા પરંતુ તેમની જીભ અને સમજણે તેમનો સાથ આપ્યો નહીં. પરિણામે તેમણે બોલેલા શબ્દોનું અર્થઘટન ભિન્ન થયું અને હવે તેઓ સામે વિરોધ વંટોળ ઉઠયો છે.