જામનગર અને ખંભાળિયા સહિત સૌરાષ્ટ્રમાં મ્યુચ્યુઅલ ફંડના નામે ઓફિસ ખોલી મધ્યમ વર્ગના લોકોની લાખોની રકમ ઉઘરાવી સંચાલકો પલાયન થઈ જતાં ભોગ બનનારાઓએ જિલ્લા પોલીસવડાને અરજી આપી આ કૌભાંડ આચરનારાઓ વિરુધ્ધ કડક કાર્યવાહી માટે રજૂઆત કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સર્વસિધ્ધી મ્યુચ્યુઅલ ફંડના નામે ઓફિસ ખોલી હતી અને આ ઓફિસમાં મધ્યમ વર્ગના લોકોએ પેટે પાટા બાંધીને એકત્ર કરેલ નાણાંની બચત આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યુ હતું તેમજ જામનગર-ખંભાળિયા અને રાજકોટમાં આ પેઢી દ્વારા અનેક લોકો પાસેથી બચતના નામે નાણાં ઉઘરાવવામાં આવ્યા હતાં.
છેલ્લાં બે વર્ષથી આ સર્વસિધ્ધી મ્યુચ્યઅલ ફંડમાં જે લોકોએ નાણાં રોકયા હતાં તેને મેચ્યોરીટીની રકમ ચૂકવવામાં આવી ન હતી જેથી રોકાણકારો દ્વારા આ ઓફિસનો સંપર્ક કરવામાં આવતા ઓફિસે તાળા લાગી ગયા હતા અને આ ઓફિસ સર્વસિધ્ધી મ્યુચ્યુઅલ ફંડ નહીં અનંત શ્રી મ્યુચ્યુઅલ ફંડની ઓફિસ હોવાનું જણાતા રોકાણકારો છેતરાયા હોવાનું જણાયું હતું. જેથી રોકાણકારોએ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદન પત્ર પાઠવી નાશી ગયેલા સંચાલકો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. સૌરાષ્ટ્રભરમાંથી આ ઠગ ટોળકીએ લાખોની રકમની છેતરપિંડી આચરી હોાવનું જાણવા મળે છે.