લોકડાઉનનાં કારણે એપ્રિલ માસનું બોર્ડ બોલાવવા માટે રાજય સરકારે ૩૦મી જુન સુધીની આપી છે મુદત
વૈશ્ર્વિક મહામારી કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે દેશમાં ૨૫ માર્ચથી ૩૧ મે સુધી ચાર તબકકામાં અલગ-અલગ લોકડાઉન જાહેર કરવામાં આવ્યા હતા જેનાં કારણે રાજય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને એપ્રિલ માસમાં બોલાવવાની થતી જનરલ બોર્ડની બેઠક યોજવા માટે બે વખત મુદત આપવામાં આવી હતી. તાજેતરમાં જુન માસનું જનરલ બોર્ડ બોલાવી લેવામાં આવ્યું હવે એપ્રિલનું બોર્ડ બોલાવવું પડશે કે કેમ તે અંગે રાજય સરકાર પાસે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે માર્ગદર્શન માંગ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીપીએમસી એકટ મુજબ મહાપાલિકામાં દર બે મહિને જનરલ બોર્ડની બેઠક બોલાવવી ફરજીયાત છે. ૧૯ ફેબ્રુઆરીનાં રોજ બજેટ બોર્ડ યોજવામાં આવ્યું હતું ત્યારબાદ ૨૦મી એપ્રિલ સુધીમાં બોર્ડ બોલાવવાનું થતું હતું. દેશમાં ૨૫ એપ્રિલથી રાષ્ટ્રીય લોકડાઉન જાહેર કરી દેતા બોર્ડ બોલાવવા માટે કોર્પોરેશન દ્વારા રાજય સરકાર પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું ત્યારે સરકારે જનરલ બોર્ડ બોલાવવા માટે પ્રથમ વખત ૩૧ મે સુધીની મુદત આપવામાં આવી હતી. જોકે ચોથા તબકકાનું લોકડાઉન ૩૧મી મે સુધી લંબાવવામાં આવતા ફરી કોર્પોરેશને સરકાર પાસે ગઈ હતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. જેના સંદર્ભે ૩૦મી જુન સુધીની મુદત આપવામાં આવી છે. તાજેતરમાં ગત ૧૬મીનાં રોજ જુન માસનું બોર્ડ બોલાવી લેવામાં આવ્યું છે. સામાન્ય રીતે મહાપાલિકામાં કયારેય જનરલ બોર્ડ મોકુફ રહેતું નથી. આવામાં સેક્રેટરી એચ.પી.પારેલીયાએમ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને પત્ર લખ્યો છે અને તેની માહિતી માંગી છે કે, જુન માસનું જનરલ બોર્ડ બોલાવી લેવામાં આવ્યું હોય હવે એપ્રિલ માસનું બોર્ડ બોલાવવું પડશે કે કેમ જેના સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજય સરકારમાં પત્ર લખીને બોર્ડ અંગે માહિતી માંગવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોમર્શિયલ મિલકતમાં ૨૦ ટકા વળતર આપવાનું શરૂ
૧,૪૪,૬૨૩ કરદાતાઓએ કોર્પોરેશનની તિજોરીમાં ટેકસ પેટે રૂ. ૬૩.૮૦ કરોડ ઠાલવ્યા
ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત રૂ.૧૪ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં લોકડાઉનનાં કારણે હાલ આર્થિક સંકળામણ ભોગવી રહેલા ધંધા-રોજગારને રાહત આપવા માટે મિલકત વેરામાં ૨૦ ટકા માફી યોજના જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત ગત ૧૬મીએ મહાપાલિકામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં કોમર્શિયલ હેતુની મિલકતને વેરામાં ૨૦ ટકા વળતર આપવાની દરખાસ્તને મંજુર કરાયા બાદ આજથી કોમર્શિયલ મિલકતોને ૨૦ ટકા ડીબેટ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. રૂ. ૧,૪૪,૬૨૩ કરદાતાઓએ વેરા પેટે તિજોરીમાં રૂ.૬૩.૮૦ કરોડ ઠાલવી દીધા છે.
ટેકસ બ્રાંચનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર રાજય સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, રહેણાંક હેતુની મિલકતને એડવાન્સ ટેકસ ભરે તો વેરામાં ૧૦ ટકા અને કોમર્શિયલ હેતુની મિલકતને ૨૦ ટકા રાહત આપવી. મહાપાલિકા દ્વારા દર વર્ષે નાણાકિય વર્ષના આરંભે એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાઓને ૧૦ ટકા રીબેટ આપવામાં આવે છે. સરકારની જાહેરાત મુજબ કોમર્શિયલ હેતુની મિલકતને ૨૦ ટકા વળતર આપવાની દરખાસ્ત ગત મંગળવારનાં રોજ જનરલ બોર્ડની બેઠકમાં મંજુર કરવામાં આવ્યું હતું. આજથી કોમર્શિયલ હેતુની મિલકતને વેરામાં ૨૦ ટકા વળતર આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે જે કરદાતાઓએ અગાઉ વેરો ભરપાઈ કરી લીધો છે તેઓને ૧૦ ટકા વધારાનો લાભ ક્રેડિટનોટ તરીકે આપવામાં આવશે એટલે કે તેઓએ આવતા વર્ષે એટલો વેરો ઓછો ભરવાનો રહેશે. આ ઉપરાંત વેરા વળતર યોજના પણ ૩૧મી જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. આજ સુધીમાં રૂ.૧.૪૪ લાખ કરદાતાઓએ ટેકસ પેટે મહાપાલિકાની તિજોરીમાં રૂ.૬૩.૮૦ કરોડ ઠાલવી દીધા છે.