- અવનવી રાઈડ, ખરીદી માટેના સ્ટોલ્સ તથા પરિવાર સાથે હળવાશની પળો માણવાનું એકમાત્ર સ્થળ
ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે ત્યારે લોકો ઘણી જગ્યાએ ફરવા જતા હોય છે તથા આ દરમિયાન ઘણા મેળાનો પણ આયોજન થતું હોય છે જેમાં રેસકોર્સ ખાતે વેકેશન કાર્નિવલ મેલા 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ નાના માણસોને ધ્યાનમાં રાખી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તથા તા. 29 એપ્રિલ ના રોજ આ મેળાનું ઉદઘાટન વિવિધ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું અને મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
વેકેશનમાં મેળાની મોજ માણવા માટે રાજકોટના રેસકોર્સ ખાતે થીમ્સ એન્ડ ડ્રીમ્સ ઇવેન્ટ દ્વારા વેકેશન કાર્નિવલ મેલા 2023નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 29 એપ્રિલથી તારીખ 21 મે સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.સાંજે 4 થી રાત્રિના 11 વાગ્યા સુધીનો આ મેળાનો સમય રહેશે તથા આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ ડવ,રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધનસુખભાઈ ભંડેરી તથા અન્ય મહાનુભાવોએ હાજરી આપી ઉદ્ઘાટન કરી મેળો ખુલ્લો મુક્યો હતો.
મેળાની વિશેષતા છે કે આયોજકો દ્વારા મધ્યમ તથા નાના માણસો નું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે તથા ફક્ત 60 રૂપિયામાં 5 રાઇડની મજા માણી શકાશે સાથોસાથ એન્ટ્રી તો ફ્રી જ છે.વિવિધ ખરીદી માટેના સ્ટોલ્સ પણ બનાવવામાં આવ્યા છે અને ખાણીપીણીની પણ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
વેકેશનમાં પરિવાર સાથે આ મેળો જરૂરથી માણવો જોઈએ: કમલેશભાઈ મિરાણી
રાજકોટ ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી અબતક ને જણાવે છે કે આજરોજ વેકેશન કાર્નિવલ મેળાનો ઉદ્ઘાટન કાર્યક્રમ છે તેમાં મારા સહિત મેયર અને બીજા મહાનુભાવો એ હાજરી આપી છે.વર્ષમાં બે ત્રણ મેળાનું આયોજન તો કૃષ્ણસિંહ અને તેમની ટીમ કરતી જ હોય છે તેમજ આ વેકેશન મેળાનું પણ ખૂબ સરસ આયોજન કર્યું છે અને માણસોના ખિસ્સા પર વધુ જોર ન પડે તે પ્રકારે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શાળાઓમાં વેકેશનની રજા પડી ગઈ છે ત્યારે સહ પરિવાર સાથે લોકો અહીં આવી અને મોજ મસ્તી કરવાના છે.
60 રૂપિયામાં 5 રાઈડ અને એન્ટ્રી પણ ફ્રી આપીએ છીએ: કૃષ્ણસિંહ જાડેજા
અબતક સાથેની વાતચીતમાં વેકેશન કાર્નિવલ મેળાના આયોજક કૃષ્ણસિંહ જાડેજા જણાવે છે કે,અમે આ મેળામાં 60 રૂપિયામાં 5 રાઈડ આપીએ છીએ સાથે એન્ટ્રી પણ ફ્રી આપીએ છીએ.બીજા મેળાની સરખામણી કરીએ તો બીજા મેળામાં ફક્ત રાઈડના જ 40 થી 50 રૂપિયા ભાવ હોય છે ખાસ નાનામાં નાનો માણસ પોતાના પરિવાર સાથે ફરવા આવી શકે તેનું અમે પૂરતું ધ્યાન રાખેલ છે એક વર્ષમાં અમે ચાર થી પાંચ મેળા કરીએ છીએ પરંતુ આ પ્રકારે આયોજન ફક્ત એક જ વાર હોય છે.આ મેળામાં પરિવાર સાથે મોજ મસ્તી તો થશે જ સાથોસાથ ખરીદી માટેના વિવિધ સ્ટોલ્સ ખાણીપીણી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તથા અવનવા રોજ રાત્રે કાર્યક્રમો પણ કરવામાં આવશે.