મેટોડા, શાપર અને હડમતાળા જીઆઇડીસીમાં સુરક્ષા અને સુવિધાનો અભાવ

હપ્તા ઉઘરાવવા, ખંડણી માટે ધાક ધમકી અને પોતાના માણસોને કામે રાખવાની લુખ્ખાઓની દાદાગીરીથી ઉદ્યોગપતિઓ ત્રસ્ત

સરકારને કરોડોની એકસાઇઝ અને જીએસટી ચુકવતા ઔદ્યોગિક એકમોના માલિકો ભયભીત

સરકારને કરોડો રૂપિયાની એકસાઇઝ અને જીએસટી ચુકવતા હડમતાલા, શાપર અને મેટોડા જીઆઇડીસીના ઉદ્યોગપતિઓ સુરક્ષા અને સુવિધાના અભાવે અસલામતી અનુભવી રહ્યા છે. લુખ્ખાઓ દ્વારા ધાક ધમકી દઇ હપ્તા ઉઘરાવવા, ખંડણી પડાવવી અને પોતાના માણસોને કામ પર રાખવા સહિતની દાદાગીરીના કારણે ઇન્વેસ્ટરો ભયભીત બન્યા છે.

તાજેતરમાં જ હડમતાલા ખાતે આવેલી દવા બનાવતી ફેકટરીના માલિકને ‘બાહુબલી’નો કડવો અનુભવ થયો છે. રાજકોટના અલ્કેશ ગોસલીયા અને મુંબઇના દિપક મહેતાએ હડમતાલા ખાતે સરકારી નિતી નિયમ મુજબ બલ્ક ડ્રગ્સ નામની ફેકટરી શરૂ કરી હૃદય, મગન, એસિડીટી અને એલર્જી તેમજ શ્વાસોશ્વાની દવા બનાવવાનું શરૂ કર્યુ હતું. ડ્રગ્સ ફેકટરી તમામ પ્રકારની જરુરી મંજુરી અને નિયમ મુજબ હોવા છતાં ભણાવાના વિક્રમસિંહ નોંઘુભા જાડેજાએ ફેકટરી માલિકોને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યુ છે.

ખંડણી પડાવવી, હપ્તા વસુલ કરવા અને પોતાના માણસોને દાદાગીરીથી કામ પર રાખવાની મનમાની ફેકટરીમાં ચલાવવાનું શરૂ કરતા ફેકટરી સંચાલકો દ્વારા કોટડા સાંગાણી પોલીસમાં વિક્રમસિંહ નોંઘુભા જાડેજા સામે બળજબરીથી પૈસા પડાવવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

હત્યા સહિતના ૧૮થી વધુ ગંભીર ગુનામાં સંડોવાયેલા વિક્રમસિંહ જાડેજાએ જાજામીન પર છુટી ફેકટરી બંધ કરાવવા ધાક ધમકી દેવાનું શરૂ કરી તંત્રમાં ખોટી અરજીઓ કરી હતી. ફેકટરી પર સરકારના વિવિધ વિભાગો દ્વારા ચેકીંગ કરવામાં આવતા વિક્રમસિંહ જાડેજા દ્વારા કરાયેલા આક્ષેપો ખોટા ઠર્યા હતા.

સરકારી તંત્રમાં ખોટી રીતે અરજી કરી ફેકટરી માલિકોને હેરાન કરી બ્લેક મેઇલીંગ કરી પૈસા પડાવવાનો ઇરાદો હોવાનો ફેટકરી માલિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા વિક્રમસિંહ જાડેજા ખુદ ગેર કાયદે વીજ જોડાણ મેળવી ભરડીયો ચલાવતા હોવાનો આક્ષેપ કરી ધાક ધમકી દઇ ખંડણી પડાવવાના ઇરાદે હેરાન કરતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

હડમતાલાની ડ્રગ્સ ફેકટરીની જેમ શાપર અને મેટોડા સહિતના ઉદ્યોગપતિઓને લુખ્ખાઓ દ્વારા ધાક ધમકી દઇ તંત્રમાં ખોટી અરજીઓ કરી ખંડણી પડાવવામાં આવી રહી છે. સરકારને કરોડો એકસાઇઝ અને જીએસટી ચુકવતા ઉદ્યોગપતિઓને સરકાર દ્વારા સુરક્ષા અને સુવિધા પુરી પાડવામાં ઉણા ઉતર્યા છે. સરકાર દ્વારા સલામિતીનો અહેસાસ કરાવવા તંત્ર દ્વારા લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી નહી કરાવવામાં આવે તો ઇન્વેસ્ટરો જીઆઇડીસીમાં મુડી રોકાણ કરતા ભય અનુભવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.