આઝાદી મળ્યા ને એકાદ દાયકો પસાર થઈ ગયો હતો. નવા મીઠાના અગર ઉઘડતા જતા હતા. બ્રિટિશરો જે ઘરાકી મૂકી ને ગયા તેમને કચ્છના નાના રણનું વડાંગરુ મીઠું માફક આવી ગયું હતું. ઉત્તર ના રાજ્યો અને મધ્યપ્રદેશ ના નાના નાના સેન્ટરો ઉપર સિંગલ વેગન ભરી ને ધમધોકાર મીઠું જતું હતું. નાના મોટા 100 ઘરાકી ના સ્ટેશન હતા. રણ માં પણ સહકારી મંડળીઓ, દશ એકર અને સોલ્ટ વર્કસ આકાર લઈ રહ્યા હતા. એ વખતે રણમાંથી ગામમાં આવવા માટે એક માત્ર સાધન સાયકલ હતું.
ખારાઘોડા ગામે વર્ષો પહેલા નાના પાયે કરિયાણાની ચાલતી દુકાનો ‘હાટી’ તરીકે ઓળખાતી
દરેક અગરિયાઓ પાસે હજુ સાયકલ પણ નહોતી પહોંચી. એટલે ગામમાં આવવુ -જવું અગરિયાઓ માટે ખૂબ કપરું થઈ જતું. જે અગરિયા પાસે સાયકલ હતી એમના માટે ય રણમાં થી સાયકલ લઇ ને ગામમાં આવવું સહેલું નહોતું. સામો વાયરો સાયકલ હાંકનાર ને થકવી દેતો. રણ માં મોટા ભાગે પવન ફૂંકાતો હોય. ગામમાં થી ખરીદી કરી ને અગરિયા દંપતી સાયકલ ઉપર ડબલ સવારી રણ તરફ આવતા હોય.
અગરિયા ની ઘરવાળી પણ કેરિયર ઉપર બેસી ને પેડલ દેવા માં મદદ કરતી હોય. સાયકલ ઉપર બન્ને તરફ દોઢ મણ નું કરીયાણું ને સર-સામન બાંધેલો હોય. રણ માં ભડથોલા વાળો રસ્તો હોય. જમીન ની ઉપર ની સપાટી ચિરાઈ ને ફાટેલી હોય એ ફાટ માં સાયકલ નું પૈડું ભૂલે ચુકે જતું રહે તો સાયકલ ઉથલી જાય. એટલે સાવધાની રાખી ને સાયકલ ચલાવતા રહેવાનું. આટલું લાંબુ વર્ણન કરવાનું એક માત્ર સાદું કારણ એટલું જ કે રણ માં ઝૂંપડે કંઈક ખૂટે વખૂટે તો ખરીદી માટે ની બજાર ખારાઘોડા, ઝીંઝુવાડા અને પાટડી કે નિમકનગર જ્યાં જેને નજીક પડે ત્યાં જવું પડે.કરિયાનું કે ડીઝલ એન્જીન જેવી મોટી વસ્તુ નો ખપ પડે ત્યારે ગામમાં ગયા વગર છૂટકો નહીં. પરંતુ, સામાન્ય દીવાસળી ની પેટી કે અગરબત્તી જેવી પરચુરણ જરૂર ગમે ત્યારે ઉભી થાય તો સાયકલે ચડી ને ગામ માં ન જવાય. કદાચ આવી પરચુરણ જરૂરિયાતો માટે રણ માં દુકાન ની શરૂઆત થઈ જે રણ માં ’ હાટી ’ તરીકે ઓળખાતી. શરૂઆત માં તો રણ માં નાના કક્ષાના વેપારીઓ એ હાટી ની શરૂઆત કરી.
અગરિયાઓ ના જ્યાં ઝુંપડા ઝાઝા હોય ત્યાં આવી હાટીઓ ચાલતી. હાટીના માલિકે સાયકલ ઉપર ઢસરડીને બધું લાવવું પડે એટલે થોડું મોંઘુ હોય એ સ્વાભાવિક છે.