દરેક માતા બહેનોની સલામતી અને તેમના વિકાસ માટે ઉત્તરપ્રદેશ સરકાર કટિબદ્ધ – સીએમ યોગી આદિત્યનાથ
ઉત્તરપ્રદેશ સહિત દેશના વિભિન્ન ભાગોમાં દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર અને તાજેતરમાં બનેલી હાથરસની ઘટનાને લઈ દેશભરમાં પડઘાઓ પડ્યા છે. ઠેર-ઠેર લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે તો દીકરીઓની સલામતીને લઈને પણ મોટા પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે આ અંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે અને આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવા કહ્યું છે.
સીએમ યોગીએ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં માતાઓ અને બહેનોના સન્માન અને આત્મગૌરવને ઠેસ પહોંચાડવાનો માત્ર વિચાર કરનારા લોકોને પણ સજા ફટકારશે. તેમને એવી સજા આપવામાં આવશે કે જે એક દાખલો બને અને ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની ચેષ્ટા ના કરે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ નિવેદન મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અને હાથરસ ઘટનામાં પોલીસ અને વહીવટી તંત્રના વલણ સામે સવાલો ઉઠાવતાની વચ્ચે આપ્યો છે.
સીએમ યોગીએ તાજેતરમાં ટ્વિટ કર્યું છે કે માતાઓ અને બહેનોની ગૌરવ અને આત્મગૌરવને નષ્ટ કરવાનો માત્ર વિચાર જ તેઓનો નાશ કરશે ઉત્તરપ્રદેશ સરકાર દરેક મહિલાની સુરક્ષા અને વિકાસ માટે કટિબદ્ધ છે.આ અગાઉ યુપી સરકારે પીડિતાના પરિવારજનોને રુપિયા ૨૫લાખ ની સહાયની પણ જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરના રોજ, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ચાંદપા ગામની એક દલિત યુવતી પર ગેંગરેપની ઘટના બની હતી. પીડિત યુવતીએ નિવેદનમાં ચાર યુવાનોના નામ આપ્યા હતા. જે અનુસાર પોલીસે આ કેસમાં ગેંગરેપની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં ચારેય આરોપીની ધરપકડ કરી લીધી છે. જો કે, સમગ્ર ઘટનામાં પોલીસ અને વહીવટીતંત્ર અનેક આક્ષેપોનો સામનો કરી રહ્યા છે.