રાજકોટમાં એક જ દિવસમાં તાપમાનનો પારો ૩ ડિગ્રીથી વધુ ઉંચકાયો નલીયા, સુરેન્દ્રનગર, જુનાગઢ સહિતના સૌરાષ્ટ્ર-કચ્છના શહેરોમાં ઠંડીનું જોર ઘટ્યું: હજી એક ઠંડીના રાઉન્ડની સંભાવના
છેલ્લા બે માસથી સૌરાષ્ટ્ર સહિત રાજયવાસીઓને થર થર ધ્રુજાવી રહેલી ઠંડીનું જોર આજે ઘટતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આગામી ૧૪મી ફેબ્રુઆરી આસપાસ નવું વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાય તેવી પ્રબળ સંભાવના હોય ઠંડીનો વધુ એક રાઉન્ડ આવે તેવું લાગી રહ્યું છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો હતો. ક્રમશ: ઠંડીનું જોર ઘટશે અને ઉનાળાની સીઝનનો આરંભ થશે તેવું હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું છે.
આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૪.૭ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલે તાપમાન ૧૧.૫ ડિગ્રી રહેવા પામ્યું હતું. એક જ દિવસમાં તાપમાનનો પારો ૩ ડિગ્રીથી વધુ ઉંચકાતા શહેરીજનોને કાતિલ ઠંડીમાંથી રાહત મળી હતી. સવારે ૮:૩૦ કલાકે તાપમાનનો પારો ૧૮ ડિગ્રીએ પહોંચી ગયો હતો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૨ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૮ કિમી પ્રતિ કલાક રહેવા પામી છે. જુનાગઢનું લઘુતમ તાપમાન આજે ૧૧.૧ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને પવનની ઝડપ પ્રતિ કલાક ૨.૮ કિમી રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૧૩.૪ ડિગ્રી નોંધાયું છે.કચ્છના નલીયામાં આજે તાપમાનનો પારો ઉંચકાયો હતો. નલીયાનું લઘુતમ તાપમાન આજે ૧૩.૨ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને પવનની ઝડપ શાંત રહેવા પામી હતી. સુરેન્દ્રનગરમાં આજે લઘુતમ તાપમાનનો પારો ૧૭ ડિગ્રીએ પહોંચી જવા પામ્યો હતો. રાજયભરમાં ઠંડીનું જોર ઘટતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. છેલ્લા બે માસથી સતત કાતિલ ઠંડીના કારણે જનજીવન ત્રાહિમામ પોકારી ગયું હતું.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી માસાંત સુધી વહેલી સવારે અને મોડીરાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે.
બપોરના સમયે તાપમાનનો પારો ઉંચો રહેશે જેના કારણે ગરમી અનુભવાશે. ટુંકમાં હજી એકાદ મહિના સુધી રાજયમાં મિશ્ર ઋતુનો અનુભવ થશે. આગામી ૧૪મી ફેબ્રુઆરીના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટબન્સ ઉદભવે તેવી શકયતા પણ જણાઈ રહી છે. જો આવું થશે તો રાજયમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે અને આ અંતિમ રાઉન્ડ હશે. ઉતર ભારતના રાજયોમાં હજી માર્ચ માસમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે. રાજયના અનેક શહેરોમાં મહતમ તાપમાનનો પારો ૩૦ ડિગ્રીને પાર થઈ જવા પામ્યો છે એટલે લોકો રિતસર ઉનાળાની ગરમીનો અહેસાસ બપોરના સુમારે કરી રહ્યા છે.