તમામ સ્થળે ભોંયતળીયે ચીકી બનાવવામાં આવતી હતી: ૪૭૬ કિલો અખાદ્ય અને પડતર ચિકીનો નાશ: અખિલેશ, રાજેશ, મોહિની અને એમ.વી.ફૂડસમાંથી ચીકીના નમૂના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચિકીના વેપારીઓને ત્યાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત હાશ, ગણેશ, ભાવના, અખીલેશ, સંગમ, મોહિની અને મધુર મીઠાસ ચિકીમાં જમીનના ભોંયતળીયે ચિકી બનાવવામાં આવતું હોવાનું પકડાતા તમામને નોટિસ ફટકારી ૪૭૬ કિલો પડતર અને અખાદ્ય ચિકીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જયારે ચાર સ્થળેથી અલગ અલગ પ્રકારની ચિકીના નમૂના લેવામાં આવ્યા હતા.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે ભક્તિનગર સ્ટેશન પાસે હાશ ચિકી, ચુનારાવાડમાં ગણેશ ચિકી, લાખાજીરાજ ઉદ્યોગનગર ૬માં ભાવના ગૃહ ઉદ્યોગ, એસ્ટ્રોન ચોકમાં અખીલેશ ચિકી, સદર બજાર મેઈન રોડ પર સંગમ ચિકી, સાંગણવા ચોકમાં મોહિની ચિકી, ગોંડલ રોડ પર કોઠારીયા સોલન્ટ સામે એમ.વી.ફૂડસ મધુર મિઠાસ ચિકીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તમામ સ્થળે ભોંયતળીયે ચિકી બનાવવામાં આવતું હોવાનું જણાતા અને અનહાઈઝેનીંક કંડીશન જોવામાં આવતા નોટિસ ફટકારવામાં આવી હતી અને અંદાજે ૪૪૭ કિલો અખાદ્ય અને પડતર ચિકીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. મધુર મિઠાસ બ્રાન્ડ ચિકીમાં નવેમ્બર ૨૦૧૭ની ઉત્પાદન તારીખવાળા સ્ટીકર ઉખાડી નવા સ્ટીકલ લગાવી બજારમાં પડતર ચિકીને વેંચવામાં આવતી હોવાનું બહાર આવતા ૧૨.૫૦ કિલો ચિકીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત એસ્ટ્રોન ચોકમાં અખીલેશ ચિકીમાંથી ગોળ, સીંગની ચિકી, સદર બજારમાં રાજેશ ચિકીમાંથી ખાંડ સિંગની ચિકી, સાંગણવા ચોકમાં મોહિની સીઝન સ્ટોરમાંથી કાળા તલની ચિકી અને કોઠારીયા સોલવન્ટ સામે એમ.વી.ફૂડસમાંથી મધુર મિઠાસ બ્રાન્ડ ચિકીનો નમૂનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.