હાલ ઈંધણમાં ભાવ વધારા માટે અમેરિકામાં કુદરતી હોનારત અને પેટ્રોલીયમ કંપનીઓનું ઉંચુ માર્જીન હોવાનો બચાવ

દિવાળીના તહેવારો પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની આશા વ્યકત કરતા પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થોડા સમયમાં જ ભયજનક વધારો જોવા મળ્યો છે. આ ભાવ વધારાના કારણે ઠેર-ઠેરથી સરકારની ટીકા થઈ રહી છે. પેટ્રોલના ભાવ વધારા પાછળ એકસાઈઝ ડયૂટી તેમજ ઓઈલ કંપનીઓએ રાખેલું ઉંચુ માર્જીન હોવાનો બચાવ થયો છે. અલબત્ત ભાવ વધારાના હાહાકારમાં લોકોને રાહત થાય તેવો નિર્દેશ પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો છે. દિવાળી સુધીમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટી જશે તેવી અપેક્ષા પ્રધાન સેવી રહ્યાં છે.

પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસના ભાવમાં ધરખમ વધારાની જાણ થતાં જ દેશમાં હાહાકાર મચી ગયો હતો. પેટ્રોલમાં ‚પિયા ૭ સુધીનો વધારો નોંધાઈ ગયો છે. અસહ્ય મોંઘવારીના સાણસામાં સપડાયેલા ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારો ઉપર પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો પડતા પર પાટુ સમાન છે. ભાવ વધારા પાછળ અમેરિકામાં આવેલી કુદરતી હોનારત પણ જવાબદાર ગણવામાં આવે છે. અમેરિકામાં વાવાઝોડાના કારણે ઓઈલનું ઉત્પાદન ૧૩ ટકા સુધી ઘટી જતા રિફાઈનરી માટે ઓઈલના ભાવ વધ્યા હતા. જેની સીધી અસર કંપનીઓ ઉપર પડી હતી અને કંપનીઓએ ભાવ વધારો ઝીંકી દીધો હતો. આ ઉપરાંત કંપનીઓએ આવી પરિસ્થિતિમાં માર્જીન પણ વધુ રાખતા ઈંધણના ભાવ આસમાને પહોંચી ગયા હતા.

મંત્રી ધમેન્દ્ર પ્રધાને પેટ્રોલ-ડિઝલમાં થયેલા ભાવ વધારા મુદ્દે રાહતના આશાસ્પદ સંકેતો આપ્યા છે. દિવાળીના તહેવારો પહેલા ઈંધણના ભાવમાં ઘટાડો થશે તેવી અપેક્ષા પ્રધાને વ્યકત કરી છે. ધર્મેન્દ્ર પ્રધાનના મત મુજબ પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ લાવવાથી પણ ઈંધણના ભાવમાં રાહત થઈ શકે તેવી શકયતા છે. જીએસટીનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચશે તેવું તેમનું કહેવું છે.

પેટ્રોલ-ડિઝલના ભાવ દરરોજ નક્કી કરવાની ફોર્મ્યુલા અપનાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ તેલ સસ્તુ હોવા છતાં ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ સતત વધી રહ્યાં છે. જેના પગલે સરકાર સામે લોકોની નારાજગી વધી છે. હવે સરકાર જાગી છે અને ઈંધણના ભાવમાં ઘટાડો કરવા કવાયત કરી રહી છે જેથી મંત્રી ધમેન્દ્ર પ્રધાન ઈંધણમાં ભાવ ઘટાડાની આશા સેવી રહ્યાં છે. દિવાળી પહેલા ઈંધણના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે તો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને હાંસકારો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.