કોરોના પોઝિટિવ કેદીઓની સતત દેખરેખ અને માવજતનું મળ્યું સુખદ પરિણામ
ગોંડલ સબ જેલમાં છેલ્લા એક માસ દરમ્યાન કેદીઓ કોરોના વાયરસનું સંક્રમણ થતાં એક પછી એક ૨૪(ચોવીસ) કાચા કેદીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં જેલ સ્ટાફ તથા કેદીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જુલાઇમાં વચગાળાના જામીન રજા પરથી જેલમાં પરત દાખલ થયેલ કાચા કેદીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં ગોંડલ સબ જેલમાં કોરોનાનો પગપેસારો થયો. જુલાઇ અંતમાં ગોંડલ ખાતે વીઝીટમાં આવેલ જીલ્લા કલેકટરએ સબ જેલની કોરોના પરિસ્થિતીને ગંભીરતાથી લઇ હેલ્થ વિભાગની ટીમને જેલની અંદર તમામ કેદીઓ તથા જેલ સ્ટાફનું હેલ્થ સ્ક્રીનીંગ કરવા સુચના આપી અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેદીઓ તથા જેલ સ્ટાફના રેપીડ ટેસ્ટ કરવા સુચના આપેલ હતી. જે અન્વયે તાલુકા હેલ્થ અધિકારી ડો.ગોયેલ તથા વિજયનગર અર્બન હેલ્થ સેન્ટરના ડો.દિવ્યા, ડો.રીંકુ સખીયા, ડો.રવિ વઘાસીયા તથા હેલ્થની ટીમ દ્વારા માસના અંતે ગોંડલ સબ જેલમાં કેમ્પ કરી જેલની અંદર રાખવામાં આવેલ તમામ કેદીઓ તથા જેલ સ્ટાફનું હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવેલ અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૪૬(છેતાલીસ) કેદીઓ તથા ૫(પાંચ) જેલ સ્ટાફ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવતાં ૩૧મી જુલાઇના રોજ એક સાથે ૧૦(દશ) કાચા કેદીઓના રીપોર્ટ પોઝીટીવ આવતાં કોરોનાનો આંકડો ૨૩(ત્રેવીસ) સુધી પહોંચી ગયેલ હતો. છેલ્લે ૩જી ઓગસ્ટના રોજ વચગાળાના જામીન રજા પરથી જેલમાં પરત દાખલ થયેલ એક કાચા કેદીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં ગોંડલ સબ જેલમાં કોરોનાનો કુલ આંકડો ૨૪(ચોવીસ) સુધી પહોંચી ગયેલ હતો.
તાલુકા હેલ્થ અધિકારી ડો.ગોયેલ અને હેલ્થ વિભાગની ટીમ, સિવિલ સર્જન બી.એમ. વાણવી, સિવિલ હોસ્પિટલના ડોકટર અને પેરામેડીકલ સ્ટાફ તથા સરકારી આયુર્વેદીક દવાખાનાના તબીબ ડો.સખીયાનાઓના સંકલનમાં રહી જેલ અધિક્ષક ડી.કે.પરમાર તથા જેલ સ્ટાફએ કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે લીધેલ પગલાં અને અસરકારક કામગીરીના કારણે ૩૧મી જુલાઇ બાદથી જેલમાં રાખવામાં આવેલ એક પણ કેદી કોરોના વાયરસથી સંક્રમિત થયા નથી તેમજ પી.ડી.યુ.મેડીકલ કોલેજ, કોવીદ હોસ્પિટલ રાજકોટ અને રેનબસરા કોવિદ સેન્ટર, રાજકોટ ખાતે કોરોનાની સારવાર લઇ રહેલા ૨૩(ત્રેવીસ) કેદીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ડીસ્ચાર્જ થઇ જેલમાં પરત આવેલ છે. જેઓની તબિયત સારી છે અને ડોકટરની સલાહ મુજબ ૭(સાત) દિવસ માટે કોરોન્ટાઇન કરવામાં આવેલ છે.
ગોંડલ સબ જેલના જેલ અધિક્ષક ડી.કે.પરમારએ જણાવ્યું હતું કે, જેલ સ્ટાફ અને કેદીઓને કોરોના વાયરસનો પ્રતિકાર કરવા સજજ કરેલ હતા અને બીજા વધુ કેદીઓ તથા જેલ સ્ટાફ કોરોનાથી સંક્રમીત ન થાય તે માટે આયુષ મંત્રાલયની ગાઇડ લાઇન મુજબ કેદીઓ તથા જેલ સ્ટાફમાં રોગપ્રતિકારક શકિત વધારવા માટે જેલ રસોડામાં સૂંઠ,ઘી,ગોળની ગોળીઓ તથા આયુર્વેદીક ઉકાળો બનાવી દરરોજ બે ટાઇમ વિતરણ ચાલુ કરેલ હતું. કેદીઓ માટે કોરોન્ટાઇન બેરેક તથા આઇસોલેશન બેરેકની તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી . જેના કારણે અન્ય કેદીઓ તથા જેલ સ્ટાફમાં કોરોનાનું સંક્રમણ થતું અટકાવી શકાયુ અને કોરોના હોટસ્પોટ બનેલી ગોંડલ સબ જેલને કોરોના મુકત બનાવવામાં સફળતા મળી છે.