કોલસાની માંગ પુરી કરવા તમામ રાજ્યોમાં 24 કલાક ચાલતી રેલવે: તમામ ગતિવિધિઓ ઉપર સરકારનું સતત મોનિટરિંગ
વીજ કટોકટીની વહેતી થયેલી વાતો માત્ર હવામાં જ રહેવાની છે. કારણકે સરકારના નક્કર પગલાંને લીધે કોલસાનો સ્ટોક વધવા લાગ્યો છે. હવે એક મહિનામાં સ્થિતિ સામાન્ય પણ થઈ જવાની છે. વધુમાં કોલસાની માંગને પુરી કરવા માટે સરકારે 24 કલાક રેલવે ચલાવવાનું સરાહનીય પગલું પણ લીધું છે.
ઉર્જા સંકટને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર રાજ્યોની તમામ માંગને પુરી કરી રહી છે. છેલ્લા ચાર દિવસમાં કોલસાનો સ્ટોક વધવા લાગ્યો છે. સૂત્રોનું કહેવું છે કે એક જ મહિનામાં સ્થિતિ સામાન્ય થઈ જશે. દૈનિક વીજળી અને કોલસાના સપ્લાઈમાં કોઈ ઘટાડો આવ્યો નથી. જ્યારે સંકટને ઓછુ કરવા માટે કેન્દ્રીય વીજળી મંત્રાલયે રાજ્યોને એક્સચેન્જ પર ઉચ્ચ કિંમતે વીજળી ન વેચવાથી લઈન પુરતો સપ્લાય ઉપલબ્ધ કરવા માટે રાજ્યમાં વીજળી ઉત્પાદકોને આદેશ આપવા અંગેના નિર્દેશ આપ્યા છે.
દેશમાં ચાલી રહેલા હાલના કોલસાના સંકટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. રાજ્યો, વીજળી કંપનીઓ અને રેલવે દ્વારા કોલસાની માંગને પુરી કરવા માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. સરકાર એક સપ્તાહની અંદર દૈનિક કોલસાના ઉત્પાદનને વધારવાની પણ છે. પ્રધાનમંત્રી કાર્યાલયએ મંગળવારે કોલસા સપ્લાય અને વીજળી ઉત્પાદનને લઈને સમીક્ષા બેઠક કરી છે. સૂત્રોનું કહેવું છે કે બેઠક દરમિયાન કોલસાના ટ્રાન્સપોર્ટેશનને વધારવાની રીતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
કોલસા મંત્રાલયને કોલસાનો સ્ટોક વધારવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે રેલવેને વીજળી સંયંત્રો સુધી ઈંધણ પહોંચાડવા માટે રેક ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. દેશમાં વીજળી સંકટની વચ્ચે રેલવેએ મોટુ પગલુ ઉઠાવ્યું છે. હવે પાવર પ્લાન્ટને કોલસા પહોંચાડવા માટે 24 કલાક ટ્રેન ચાલી રહી છે. રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરે કોલસાની આ અછતને ઈમરજન્સી જાહેર કરી છે. તમામ ઝોનલ રેલવેના મુખ્ય પરિચાલન મેનેજરને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે 24 કલાક સંચાલન નિયંત્રણ કક્ષોને તૈયાર કરે.
આયાતી કોલસા ઉપર નિર્ભર રહ્યા એટલે કોલસાની અછત ઉભી થઇ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતમાં મોટાભાગે આયાતી કોલસાનો ઉપયોગ થાય છે. ભારત પાસે પણ કોલસાનો વિશાળ જથ્થો જમીનમાં ધરબાયેલો છે. પણ પ્રદુષણ ફેલાવવાની બીકે ભારતે આયાતી કોલસા ઉપર નિર્ભર રહેવાનું નક્કી કર્યું હતું. સામે આયાતી કોલસામાં અછત અને ભાવ વધારાનો પ્રશ્ન સર્જાતા આયાતી કોલસો આવવાનું બંધ થઈ ગયું હતું.
જેને કારણે કોલસાની અછત ઉભી થઇ હતી. પણ હવે ભારતે સ્વનિર્ભર બની પોતાની જમીનમાંથી કોલસો કાઢીને તેનો વપરાશ કરવાની તાતી જરૂર છે. કારણકે હવે પોલ્યુશન અને ઇકોનોમિ બન્નેને બેલેન્સ કરીને ચાલવું આવશ્યક બન્યું છે.
તમામ રાજ્યોને સરપ્લસ વીજળી ન વેચવા કેન્દ્રનો આદેશ
કોલસાની અછતના કારણે દેશના ઘણા થર્મલ પાવર પ્લાન્ટ બંધ થઈ ગયા છે. રાજ્યો વીજળીની માંગ પૂરી કરવા માટે કેન્દ્રને અપીલ કરી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને સૂચના આપી છે કે, સરપ્લસ વીજળી અંગે દરેક રાજ્યે કેન્દ્ર સરકારને જાણકારી આપવી પડશે.
જેથી કેન્દ્ર સરકાર સરપ્લસ પાવરને જરૂરિયાતમંદ રાજ્યોને આપી શકે. સાથે સાથે કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે, દરેક રાજ્યને જે વીજળી ફાળવવામાં આવે છે તેને વપરાશકારો વચ્ચે શિડ્યુલ કરવી પડશે અને જો વધારાની વીજળી બચે છે તો તે વેચી નહીં શકે. કોઈ રાજ્ય વીજળી વેચતુ હોવાની જાણકારી સામે આવશે તો રાજ્યના વીજળી કોટાના ઘટાડી દેવામાં આવશે. અથવા તો જેને જરૂરિયાત છે તેવા રાજ્યને ફાળવી દેવામાં આવશે.