આઠ દિવસની હેલી… ને એક દિવસની ખરાળ
છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાના આકાશ મિજાજના કારણે લોકોએ તારાજી અને હાલાકીનો સામનો કર્યો, આજે સુરજદાદાના દર્શનથી રાહત અનુભવી
છેલ્લા કેટલાક દિવસથી અતિશય વરસી રહેલા વરસાદના કારણે શહેરીજનોએ ભારે હાલાકી અને તારાજીનો સામનો કર્યો છે ત્યારે આજે વરાપ નીકળતા શહેરીજનોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. કહેવાય છે ને કે આઠ દિવસની હેલી અને એક દિવસની ખરાળ સુરજદાદાના દર્શનથી આજે શહેરીજનોના જીવમાં જીવ આવ્યો છે.
ભારતના લગભગ દરેક રાજયો સહિત ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજાએ પોતાનો આકરો મીજાજ દેખાડયો છે ત્યારે રાજકોટમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના પગલે શહેરીજનોએ ભારે તારાજી અને હાલાકીનો સામનો કરવો પડયો છે. જો કે કોરોના સંક્રમણના લીધે શાળા-કોલેજો બંધ હોવાથી બાળકોએ તો વરસાદનો આનંદ જ ઉઠાવ્યો છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પ્રજાજનોના દૈનિક કાર્યોથી માંડીને ઘરવખરી સહિત અનેક બાબતોમાં ભારે હાલાકી વેઠવી પડી હતી. ખાસ કરીને સામાન્ય લોકો કે જેઓ ઝુપડપટ્ટી અને પતરા ધરાવતા પરિવારજનોની દિનચર્યા પણ અસ્ત-વ્યસ્ત બની ગઇ હતી. અને સતત વરસી રહેલા વરસાદના કારણે પાકા મકાનોની છતમાંથી પણ પાણી ટપકવા લાગ્યું હતું. કપડાના સુકાવાએ ગૃહિણીઓમાં ચિંતા અને ચર્ચાનો વિષય બની ગયો.
જો કે ઓણ મેઘરાજાએ પાણીનો પ્રશ્ર્ન તો તદ્દનહલ કરી દીધો છે. પણ તેના આકરા મિજાજે લોકોના જીવ ચપટીમાં મૂકી દીધા હતા. આજે સુરજદાદાના દર્શનથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.