બૉલીવુડ ફિલ્મોને લઈને વિવાદ શમવાનુ નામ લેતા નથી ત્યારે હવે ફિલ્મ નિર્દેશક ઓમ રાઉતની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ પર વિવાદના વંટોળ છવાયા છે. રામ નવમીના અવસર પર નિર્માતાઓએ એક નવું પોસ્ટર રિલીઝ કર્યું. આ પોસ્ટરમાં પ્રભાસને રામ, કૃતિ સેનન જાનકી, સની સિંહ લક્ષ્મણ અને દેવદત્ત બજરંગની ભૂમિકામાં છે. આ પોસ્ટર જોઈને ફરી એકવાર ‘આદિપુરુષ’ વિશે ચર્ચા શરૂ થઈ ગઈ. આ વખતે ફરીથી યુઝર્સે આ પોસ્ટર સામે વાંધો ઉઠાવ્યો છે અને કેટલાકે આરોપ લગાવ્યો છે કે મેકર્સે તેમાં કોઈ ફેરફાર કર્યો નથી.
‘આદિપુરુષ’ના ટીઝર લોન્ચ સમયે તેને લઈને ઘણો વિવાદ થયો હતો અને ઘણા કેસ પણ નોંધાયા હતા. સૈફ અલી ખાનને લંકેશ રાવણના રૂપમાં જોવા પર લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમની લાંબી દાઢીની સરખામણી મુઘલો સાથે કરવામાં આવી હતી. આ વિવાદ એટલો વધી ગયો હતો કે નિર્માતાઓએ તેની રિલીઝ ડેટ મોકૂફ રાખવી પડી હતી. આટલું જ નહીં, ડિરેક્ટરે આ ફિલ્મમાં કેટલાક ફેરફાર પણ કરવાનું શરૂ કરી દીધું હતું, જે પછી લોકો તેના વધેલા બજેટ વિશે સાંભળીને ચોંકી ગયા હતા.
પહેલા સેફ અલી ખાનની દાઢી પર વિવાદ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે હવે આદિપુરુષ’નું નવું પોસ્ટર રિલીઝ કર્યું ત્યારે ફરી એકવાર વિવાદ થયો હતો. ટ્વિટર પર #Adipurush હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. જ્યાં હજારો ટ્વીટ છે. આ વખતે કેટલાક યુઝર્સે પોસ્ટર પર ખુશી વ્યક્ત કરી હતી, જ્યારે ઘણા યુઝર્સે નારાજગી વ્યક્ત કરી હતી. યુઝર્સે કૃતિ સેનનના લુક પર પણ આંગળી ચીંધી હતી. એવો આરોપ હતો કે નિર્માતાઓએ માતા સીતાના પાત્ર સાથે છેડછાડ કરી હતી. પોસ્ટરમાં સિંદૂર લગાવવામાં આવ્યો નથી. યુઝરે લખ્યું – વિશ્વાસ નથી કરી શકતો કે મનોજ મુન્તાશીર પણ આ પ્રોજેક્ટમાં સામેલ છે.