હાફિઝ સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ ચલાવો: પાકિસ્તાન
થોડા દિવસો પૂર્વે જ મુકત થયેલા હાફિઝ સઈદ સામેનો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચલાવવાની પાકિસ્તાને માંગણી કરી છે. પાકિસ્તાન હાફિઝ સઈદ મુદ્દે હાથ ખંખેરી નાખવા ઈચ્છતું હોય તેવું લાગી રહ્યું છે.
જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદ વિરુઘ્ધ ભારતે કોઈ પુરાવા આપ્યા નથી તેમ પાકિસ્તાનના વડાપ્રધાન શાહીદ ખાન અબ્બાસીએ જણાવ્યું હતું. આતંકી હાફિઝ સઈદની ફરીથી ધરપકડ કરી તેની વિરુઘ્ધ કેસ દાખલ કરવામાં નહીં આવે તો ભારત સાથેના સંબંધો વધુ બગડવાની અમેરિકાની ચેતવણીના થોડા દિવસો પછી પાકિસ્તાનના વડાપ્રધાને આ ટીપ્પણી કરી છે.
ભારતે અનેક વખત મુંબઈ હુમલામાં હાફિઝની સંડોવણીના પુરાવા પાકિસ્તાનને આપ્યા છે. આમ છતાં હાફિઝને બચાવવા પાકિસ્તાન જુઠ્ઠુ બોલી રહ્યું છે. ૨૦૦૮ના મુંબઈ હુમલાના સંડોવણી બદલ ભારત ઉપરાંત અમેરિકા દ્વારા પણ હાફિઝને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે. હુમલામાં ૧૬૬ લોકોના મોત થયા હતા. પાકિસ્તાન સરકારે છેલ્લા ૧૦ મહિનાથી હાફિઝને નજરકેદમાં રાખ્યો હતો પણ લાહોર હાઈકોર્ટે પુરાવના અભાવે તેને નિર્દોષ જાહેર કરતા પાકિસ્તાને સરકારે થોડાક જ દિવસ પહેલા તેને મુકત કરી દીધો હતો. અમેરિકાના વધતા જતા દબાણના કારણે અબ્બાસીએ વધુમાં હાફિઝ સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ તેવું જણાવી હાથ ખંખેરી દીધા છે.