ત્રણ આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર ફાયરીંગ પોલીસ દ્વારા પણ બે રાઉન્ડ ફાયર કરીને વળતો પ્રહાર કરાયો: એક આરોપી નાશી છૂટવામાં સફળ

આદિપુરની વિનય ટોકિઝ સામે આવેલા એક્સિસ બેન્કના અઝખમાં રોકડ રકમ ભરવા આવેલી કેશવાનના ૩ કર્મચારીઓ પર ફાયરીંગ કરી ૩૪ લાખની લૂંટ ચલાવવાના ચકચારી બનાવનો સવા ૩ મહિના બાદ પોલીસે આખરે ભેદ ઉકેલી નાખ્યો છે. ૨૯ ઓક્ટોબર ૨૦૧૮નાં રોજ ભરબપોરે સાડા ૩ વાગ્યાના અરસામાં આ લૂંટ થઈ હતી. લૂંટ કરનારી ગેંગ હરિયાણાની હતી. ગેંગમાં સામેલ ચાર શખ્સો પૈકી બે જણાંની પોલીસે દિલધડક ઓપરેશન કરી ધરપકડ કરી લીધી છે. એક નાસી છૂટ્યો છે.

લૂંટ કેસમાં સામેલ હરિયાણાની ગેંગના આરોપીઓ અંજાર ગળપાદરના શાંતિધામ વિસ્તારમાં આવેલી હરિઓમનગર સોસાયટીના મકાન નંબર ૪૧૫માં રોકાયાં હોવાની પૂર્વ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપના ઈન્સ્પેક્ટર જે.પી.જાડેજાને બાતમી મળી હતી. જેથી મકાન પર છાપો મારી આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે સંયુક્ત એક્શન પ્લાન બનાવ્યો હતો. આરોપીઓ હથિયારધારી હોવાની બાતમીના પગલે પોલીસે બે અલગ અલગ ટૂકડીમાં વહેંચાઈ જઈ બુલેટપ્રૂફ જેકેટ સાથે સવારે સવા નવ વાગ્યે મકાન પર છાપો માર્યો હતો.

સવારે બરાબર સવા નવ વાગ્યાના ટકોરે હથિયારો સાથે સજ્જ પોલીસનો કાફલો હરિઓમનગરના મકાન નંબર ૪૧૫ ખાતે પહોંચ્યો હતો અને મકાનને ચારેબાજુથી ઘેરી લીધુ હતું. ત્યાં જ અચાનક મકાનનો દરવાજો ખુલ્યો હતો અને પોલીસ પર સીધુ ફાયરીંગ થયું હતું. જો કે, સતર્ક પોલીસ સાઈડમાં હોઈ કોઈને ગોળી વાગી નહોતી. પોલીસે તુરંત જ પોઝીશન લઈ લીધી હતી. તેવામાં મકાનની અંદર છૂપાયેલાં ત્રણ જણાં બહાર આવી મકાનની પાછળના ભાગમાં આવેલી બાવળોની ઝાડીમાંથી ખુલ્લાં મેદાનમાં થઈ સીમાડામાં નાસવા માંડ્યા હતા.સતર્ક પોલીસના કાફલાએ પણ આરોપીઓને ઝડપી પાડવા તેમની પાછળ દોટ મુકી હતી. પોલીસનો પીછો છોડાવવા આરોપીઓએ ફરી પોલીસ પર બીજો રાઉન્ડ ફાયર કર્યો હતો. જેથી પીઆઈ જે.પી.જાડેજાએ પણ તેમના પર બે રાઉન્ડ ફાયરીંગ કરી વળતો પ્રતિકાર કર્યો હતો. પોલીસે ગણતરીની મિનિટોમાં બે જણાંને દબોચી લીધા હતા પરંતુ એક જણો થાપ આપીને નાસી છૂટ્યો હતો.ત્રણમાંથી બે જણાં પોલીસ ગિરફ્તમાં આવી ગયા હતા. પરંતુ, એક આરોપી પોલીસને થાપ આપી બાવળોની ગીચ ઝાડીમાં ઓઝલ થઈ ગયો હતો. તેને શોધવા માટે પોલીસે ત્રણ કલાક સુધી બાવળની ઝાડી અને આસપાસના વિસ્તારને ફેંદી નાખ્યો હતો. પરંતુ, તે ઝડપાયો નહોતો.

પોલીસે ઝડપી પાડેલાં બે આરોપીઓમાં ૨૧ વર્ષના ધર્મેન્દ્ર ચાંદરામ જાટ (રહે. મૂળ ગઢવાલ, ગોહાણા, જિલ્લો-સોનીપત, હરિયાણા) અને ૨૦ વર્ષના રાહુલ મુલકરાજ વીજ (રહે. બૈશી, તાલુકો-મેમ, જિલ્લો-રોહતક, હરિયાણા)નો સમાવેશ થાય છે. જ્યારે નાસી છૂટેલો યુવક રવિન્દ્ર દયાનંદ જાટ (રહે. બૈશી, રોહતક) હોવાનું તેમણે જણાવ્યું છે. ધર્મેન્દ્ર પાસેથી પોલીસે દેશી તમંચો અને રાહુલ પાસેથી એક રિવોલ્વર, ૪ નંગ કારતૂસ અને ૨ નંગ ખાલી કારતૂસ કબ્જે કર્યાં છે. પોલીસની પૂછતાછમાં બંને જણાએ આદિપુરના અઝખની લૂંટનો ગુનો કબૂલ્યો છે. આ ગુનામાં નાસી છૂટેલા રવિન્દ્ર ઉપરાંત રિંકુ સજ્જનસિંગ ધાનક (રહે. મસુદપુર, તાલુકો-હાસી, જિલ્લો-હિસ્સાર, હરિયાણા) નામનો ચોથો યુવક પણ સામેલ હોવાનું તેમણે કબૂલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.