હરિયાણા મહિલા હોકી ટીમ પંજાબ સામે એક ગોલ સાથે બની ચેમ્પિયન
રાજકોટ ખાતે હોકીની નેશનલ ગેમ્સનો ફાઈનલ મેચ અને મેડલ સેરેમની સાથે શાનદાર સમાપન થયું છે. મહિલા હોકીમાં હરિયાણાએ પંજાબ સામે 1-0 ગોલ સાથે અને પુરુષ હોકીમાં કર્ણાટક સડન ડેથમાં ઉત્તરપ્રદેશને ચિત્ત કરી 5-4 ગોલથી ચેમ્પિયન બન્યું હતું. વિજેતા ટીમોને શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવોના હસ્તે મેડલ એનાયત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
આજરોજ મહિલા હોકીમાં હરિયાણા અને પંજાબ વચ્ચે જયારે પુરુષ હોકીમાં ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જયારે ત્રીજા અને ચોથા નંબર માટે ઝારખંડ અને મધ્યપ્રદેશ મહિલા હોકી ટીમ વચ્ચે તેમજ મહારાષ્ટ્ર અને હરિયાણા પુરુષ હોકી ટીમ વચ્ચે મુકાબલો યોજાયો હતો. જેમાં મહિલા હોકીમાં પંજાબને રજત, મધ્યપ્રદેશને કાંસ્ય તેમજ ઝારખંડ ચોથા ક્રમે તેમજ પુરુષ હોકીમાં ઉત્તર પ્રદેશને રજત, મહારાષ્ટ્રને કાંસ્ય તેમજ હરિયાણા ચોથા ક્રમે વિજેતા જાહેર થયું હતું.
જાહેર થયેલા પરિણામો મુજબ મહિલા હોકીમાં ફાઇનલમાં હરિયાણા 1-0 થી પંજાબ સામે, ત્રીજા-ચોથા ક્રમમાટે મધ્યપ્રદેશ 5-2 ગોલથી ઝારખંડ સામે વિજેતા બની હતી. જયારેપુરુષ હોકીમાં ફાઇનલમાં કર્ણાટક 2-2 નો બરોબરી બાદ શૂટઆઉટ અને સડન ડેથ બાદ 5-4 થી ઉત્તર પ્રદેશ સામે જયારે ત્રીજા ચોથા ક્રમ માટે મહારાષ્ટ્ર પેનલ્ટી શૂટઆઉટમાં 3-1 ગોલથી હરિયાણા સામે વિજેતા બની હતી.
આજરોજ મેચના અંતે યોજાયેલી મેડલ સેરેમનીમાં મંત્રી જીતુભાઇ વાઘાણી સાથે મેયર ડો.પ્રદીપ ડવ, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, કલેકટર અરુણ મહેશ બાબુ, ડી.ડી.ઓ દેવ ચૌધરી, નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, એ.કે.સિંહ, સી.કે. નંદાણી, ડી.એસ.ઓ.શ્રી અવની હરણ, રમત ગમત અધિકારી જાડેજા તેમજ પદાધિકારીઓ અને મેચ ઓફિસિયલ્સ જોડાયા હતાં.
ક્રિષ્ના પાર્ક રીસોર્ટના એચઓડી નિલેશભાઇ માથુરે ‘અબતક’ મીડીયા સાથે થયેલી ખાસ વાતચિતમાં જણાવ્યું હતું કે નેશનલ ગેમ્સમાં હરિયાણાના મહિલા હોકીના ખેલાડીઓ 11 દિવસથી ક્રિષ્ના પાર્ક રિસોર્ટમાં રહે છે. તેમને અમારી હોટલમાં કંઇ તકલીફ ન પડે તેની અમે તકેદારી રાખીએ છીએ. ક્રિષ્ના પાર્ક રિસોર્ટમાં હરિયાણાના મહિલા હોકી ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મહિલા હોકી ટીમને જીત બદલ અભિનંદન પાઠવ્યું હતું.
ક્રિષ્ના પાર્ક રિસોર્ટના ડાયરેક્ટર સંજયભાઇ પટેલે ‘અબતક’ મીડીયા સાથે થયેલી ખાસ વાતચિતમાં જણાવ્યું હતું કે નેશનલ ગેમ્સમાં હરિયાણાની મહિલા ટીમને ગોલ્ડ મેડલ મળ્યો તે બદલ અભિનંદન પાઠવું છું. ક્રિષ્ના હોટલમાં હરિયાણાની મહિલા હોકી ટીમનું સ્વાગત કરવામાં આવ્યું અને ક્રિષ્ના હોટલમાં રોકાયા તે બદલ ધન્યતા અનુભવું છું.
હરિયાણા મહિલા ટીમના કોચ મીનાક્ષીબેને ‘અબતક’ મીડીયા સાથે થયેલી વાતચિતમાં જણાવ્યું હતું કે નેશનલ ગેમ્સમાં રમવા માટે ખેલાડીઓ 1 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. હરિયાણા સરકારનો અમને ઘણો સહયોગ મળ્યો છે. સ્પોર્ટ્સમાં જીત બદલ હરિયાણા સરકાર સ્પોર્ટ્સ વિભાગમાં નોકરી પણ આપવામાં આવે છે. અમને ક્રિષ્ના હોટલના સ્ટાફ તરફથી પૂરતો સહયોગ મળ્યો છે. ક્રિષ્ના પાર્ક રીસોર્ટમાં ઘર જેવું જ જમવાનું મળ્યું છે. ક્રિષ્ના પાર્ક રિસોર્ટમાં અમે પહોંચ્યા ત્યારે અમારૂં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રિષ્ના હોટલનો આભાર માનું છું.
નેશનલ ગેમ્સના હોકી ખેલાડી નવનીત કૌર ‘અબતક’ મીડીયા સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે હું હરિયાણા સહબાજ માર્કંડાથી છું. મે ત્યાંથી જ હોકીની પ્રેક્ટીસ કરી છે. ત્યાંથી જ મેં હોકી રમવાની શરૂઆત કરી હતી. 6 વર્ષથી રમું છું. ઓલમ્પિક પણ રમી છું. નેશનલ ગેમ્સમાં મહિલા હોકી ટીમે સિલ્વર મેડલ જીત્યો છે તે બદલ હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું. હોકીમાં જે પણ રમવા માંગતા હોય તે ખૂબ મહેનત કરો સફળતા મળશે જ ક્રિષ્ના પાર્ક રીસોર્ટનો અમને ખૂબ જ સહયોગ મળ્યો છે.