કોમનવેલ્થ ગેમ્સમાં હરિયાણાના ખેલાડીઓનો દબદબો રહ્યો. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં કુલ ૬૬ મેડલ જીત્યા, જેમાંથી એક તૃતીયાંશ એટલે ૨૨ મેડલ હરિયાણાના ખેલાડીઓએ જીત્યા છે. આ રાજ્યની નવી રમતનીતિનું પ્રોત્સાહન માનો કે પછી ખેલાડીઓની સખત મહેનત, પરંતુ સમગ્ર દેશમાં બેટી બચાવો, બેટી પઢાઓના નારા સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનારા હરિયાણાએ રમતમાં નંબર વનની સ્થિતિ બનાવી લીધી છે.
હરિયાણાના ખેલાડીઓએ કુલ ૨૨ મેડલમાંથી નવ ગોલ્ડ, સાત સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ જીત્યા છે, એમાંથી બે ગોલ્ડ સહિત સાત મેડલ મહિલા ખેલાડીઓએ પોતાના નામે કર્યા છે. રાજ્ય સરકાર ખેલાડીઓની આ ઉપલબ્ધિને રાજ્યની નવી રમત નીતિની દેન માની રહી છે.
ભારતીય રેલવેએ જણાવ્યું, આ ગર્વની વાત છે કે રેલવે સાથે જોડાયેલા ખેલાડીઓએ કોમનવેલ્થ ગેમ્સમાં ૧૦ ગોલ્ડ મેડલ જીત્યા છે, જે ભારતના ૨૬ ગોલ્ડ મેડલના ૪૦ ટકા છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ પરિણામ સોચો ખેલ, સોચો રેલવે સૂત્રને ચરિતાર્થ કરે છે.
૨૧મી કોમનવેલ્થ ગેમ્સના ટેબલ ટેનિસમાં ભારત દ્વારા સિંગાપોર અને ઈંગ્લેન્ડને પછાડતાં જોવું એ સુખદ અનુભૂતિ હતી. ભારતે ટેબલ ટેનિસની વિભિન્ન સ્પર્ધાઓમાં ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સાથે કુલ આઠ મેડલ પ્રાપ્ત કરીને ટોચનું સ્થાન હાંસલ કર્યું.
આ રમતના ઇતિહાસમાં ટેબલ ટેનિસમાં ભારત આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ગ્લાસ્ગોમાં ભારતે ફક્ત એક સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં કુલ પાંચ મેડલ જીત્યા હતા. ગોલ્ડકોસ્ટમાં મનિકા બત્રા ભારતીય દળની સૌથી સફળ એથ્લીટ રહી, જેણે સૌથી વધુ ચાર મેડલ જીત્યા. દિલ્હીની મનિકાએ બતાવી આપ્યું કે ટેબલ ટેનિસમાં પણ ભારત શાનદાર પ્રદર્શન કરી શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com