- રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વખતે ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહી છે
- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની 11મીએ જામકંડોરણાની મુલાકાત વેળાએ હર્ષદ રિબડીયા કેસરિયા કરે તેવી સંભાવના
- ચિરાગ કાલરિયા, સંજયભાઇ સોલંકી, મહેશ પટેલ, ભાવેશ કટારા અને લલીત વસોયા પણ કોંગ્રેસનો ખેસ ફગાવવાના મૂડમાં: વિધાનસભાની ચૂંટણી પૂર્વ કોંગ્રેસને ગુજરાત મરણતોલ ફટકા પડશે
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એક તરફ ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયે જ કોંગ્રેસ તૂટી રહી છે. વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ ગઇકાલે સાંજે વિધાનસભાના અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર અર્પણ કર્યો હતો. તેઓના રાજીનામાનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે. આગામી 11મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટ જિલ્લાના જામ કંડોરણા ખાતે આવી રહ્યા છે ત્યારે પીએમની હાજરીમાં હર્ષદ રિબડીયા કેસરિયો ખેસ ધારણ કરે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પૂર્વ કોંગ્રેસના વધુ પાંચેક ધારાસભ્યો પંજાનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લ્યે તેવી અટકળો પણ ચાલી રહી છે.
વર્ષ-2017માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટાઇ ધારાસભ્ય બનેલા કોંગ્રેસના 16 એમએલએ અગાઉ જ પંજાનો સાથ છોડી ભાજપમાં ભળી ગયા છે. દરમિયાન ગઇકાલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર બેઠકના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ગઇકાલે મોડી સાંજે વિધાનસભાના અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યને ધારાસભ્યપદેથી રાજીનામુ આપતો પત્ર એનાયત કર્યો હતો. જો કે હજી તેઓએ ભાજપમાં પ્રવેશ કર્યા નથી. એવું મનાય રહ્યું છે કે આગામી 11મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન જામ કંડોરણા ખાતે યોજાનારી જાહેર સભામાં હર્ષદ રિબડીયા વિધિવત રિતે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લેશે.
કોંગ્રેસની હજી પાંચ વિકેટો ખડે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરિયા, ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયા, જંબુસરના ધારાસભ્ય સંજયભાઇ સોલંકી, પાલનપુરના ધારાસભ્ય મહેશભાઇ પટેલ અને જાલોદના ધારાસભ્ય ભાવેશભાઇ કટારા ગમે તે ઘડીએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી. ભાજપમાં જોડાય જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. દરમિયાન વિસાવદરના ધારાસભ્ય પદેથી હર્ષદ રિબડીયાના રાજીનામા બાદ ગઇકાલે જ હવે અટકળો વહેતી થવા પામી હતી કે હવે લલીતભાઇ વસોયા કેસરિયા કરશે. આ વાતનું ખંડન કરતા લલીત ભાઇએ એવું નિવેદન આપ્યું હતું કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી લલીતભાઇ વસોયા ભાજપના સાંસદ અને રાજ્ય સરકારના મંત્રીઓના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. તે જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે લલીતભાઇ ગમે ત્યારે કોંગ્રેસ છોડશે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના સાત ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું હતું. આ સાતેય ધારાસભ્યો હવે ભાજપમાં જોડાઇ તેવી શક્યતા નકારી શકાતી નથી. એક તરફ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે ત્યારે બીજી તરફ વિધાનસભાની ચૂંટણી ટાંકણેજ ગુજરાતમાં કોંગ્રેસ તુટી રહી છે. તમામ પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ પક્ષ પલ્ટાની મોસમ પુર બહારમાં ખીલશે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના સાત ધારાસભ્યોએ કર્યુ હતું કોંસ વોટીંગ
રાષ્ટ્રપતિની ચુંટણીમાં કોંગ્રેસના સાતેક ધારાસભ્યોએ કોસ વોટીંગ કર્યુ હતું. જો કે રાજયસભાના સાંસદની ચૂંટણીની જેમ બેલેટ પેપટ પક્ષ દ્વારા નિયુકત કરાયેલા નીરીક્ષકોને બતાવવાના ન હોવાના કારણે કયાં સાત ધારાસભ્યોએ હાઇ કમાન્ડના આદેશનો ઉલાળીયા કરી કોંસ વોટીંગ કર્યુ હતું. તે પકડાયું હતું. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત એન.ડી.એ.ના ઉમેદવાર દ્રોપદી મુર્મુ હતા જયારે કોંગ્રેસ પ્રેરિત યુ.પી.એ.ના ઉમેદવાર યશવંતસિંન્હા હતા. ગુજરાતમાં કોંગ્રેસના સાતેક ધારાસભ્યોએ રાષ્ટ્રપતિની ચુંટણીમાં કોંસ વોટીંગ કર્યુ હતું. હવે જે રીતે વિધાનસભાની ચુંટણી ટાણે જ કોંગ્રેસ છોડી જે ધારાસભ્ય જઇ રહ્યા છે. તેઓએ રાષ્ટ્રપતિની ચુંટણીમાં પક્ષના વ્હીપનો અનાદર કરી કોંસ વોટીંગ કર્યુ હોવાનું મનાય રહ્યું છે.
કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા કરનાર ધારાસભ્યો
- કુંવરજીભાઇ બાવળીયા (જસણદ)
- અલ્પેશ ઠાકોર (રાધનપુર)
- પુરૂષોતમ સાબરિયા (ધ્રાંગધ્રા)
- સોમાભાઇ પટેલ (લીંબડી)
- પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા)
- બ્રિજેશ મેરજા (મોરબી)
- અક્ષય પટેલ (કરજણ)
- વલ્લભભાઇ ધારિયા (જામનગર ગ્રામ્ય)
- જવાહરભાઇ ચાવડા (માણાવદર)
- ધવલસિંહ ઝાલા (બાયડ)
- જે.પી. કાકડીયા (ધારી)
- પ્રવિણભાઇ મારૂ (ગઢડા)
- મંગળભાઇ ગામીત (ડાંગ)
- જીતુભાઇ ચૌધરી (કપરાડા)
- આશાબેન પટેલ (ઉંઝા)
- અશ્ર્વિન કોટવાલ (ખેડબ્રહ્મા)
- હર્ષદ રિબડીયા (વિસાવદર)