કલ્યાણપુરના હર્ષદ બંંદર પાસેથી ગઈકાલે પોલીસે એક મોટરમાંથી અંગ્રેજી શરાબની ૧૨૯ બોટલ પકડી પાડી છે. જ્યારે મોટરચાલક નાસી જવામાં સફળ થયો છે. ઉપરાંત ભાણવડના સઈદેવરિયામાં એક પડતર ઓરડીમાંથી વેચાણ માટે રાખવામાં આવેલી ૧૬૨ બોટલ પોલીસે ઝબ્બે લીધી છે. આ જથ્થો મંગાવનાર શખ્સની શોધ કરવામાં આવી રહી છે.

કલ્યાણપુર તાલુકાના હર્ષદ બંદર પાસે ગઈકાલે સાંજે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાંથી પૂરઝડપે પસાર થયેલી જીજેએચક્યુ ૬૬૫૫ નંબરની શેવરોલેટ કંપનીની એક મોટરને પોલીસે શકના આધારે રોકી પાડી હતી જેના પગલે મોટર ઉભી રાખી તેનો ચાલક નાસી ગયો હતો. મોટરની પોલીસે તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૨૯ બોટલ નીકળી પડી હતી. પોલીસે બોટલ તથા મોટર મળી કુલ રૃા.,૫૧,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને મોટરના ચાલકની શોધ શરૃ કરી છે.

ભાણવડ તાલુકાના સઈદેવરિયા ગામના જૂનાવાસમાં એક ઓરડીમાં અંગ્રેજી શરાબ રાખી મૂકવામાં આવ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે ભાણવડના પીએસઆઈ એચ.આર. કુવાડિયા તથા સ્ટાફે જૂનાવાસમાં ધસી જઈ ત્યાં બંધ પડેલી એક પડતર ઓરડી ખોલાવી અંદર તપાસ કરતા ત્યાંથી અંગ્રેજી શરાબની ૧૬૨ બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૬૪૮૦૦ની કિંમતની ઉપરોક્ત બોટલ ઝબ્બે લઈ તેને વેચાણ કરવાના ઈરાદેથી મંગાવનાર શખ્સ સઈદેવરિયાના રાજેશ દેવાભાઈ કટારિયા ઉર્ફે રાજુભાઈ સામે ગુન્હો નોંધી તેની શોધ શરૃ કરી છે.

ઓખામંડળના મીઠાપુરમાં આવેલી તાતા કંપનીના ગેઈટ પાસેથી બુધવારની રાત્રે પસાર થતા મહેશ દુર્લભજી દેવમુરારી નામના શખ્સને પોલીસે રોકી તેની તલાશી લેતા આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી મહેશની ધરપકડ કરી છે. આ શખ્સે ઉપરોક્ત બોટલ દ્વારકાના
જાહિર સંધી નામના શખ્સ પાસેથી લીધી હોવાની કબૂલાત
આપી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.