પડધરી પોલીસ મથકની હદમાં સૌથી વધુ વખત દારૂનું કટીંગ કર્યુ: એક વર્ષમાં રૂ.૨.૫૧ કરોડની કિંમતની ૪૫,૩૮૨ બોટલ દારૂ પકડાયો એથી અનેક ગણો દારૂવેચી નાખ્યો
રાજસ્થાનથી દારૂની ડીલીવરી મળ્યા બાદ બે દિવસે પેમેન્ટ કરી દેતા હર્ષદ મહાજનની પ્રથમ પત્નીએ આપઘાત કરતા સાત મહિના જેલમાં રહ્યો’તો
માત્ર બે ધોરણ સુધી અભ્યાસ કરનાર હર્ષદ મહાજન સમગ્ર સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂના વેચાણનો કાળો કારોબાર સંભાળી પોલીસથી કંઇ રીતે બચવું અને પોલીસ સાથે કંઇ રીતે સેટીંગ કરવામાં માહીર ગણવામાં આવે છે. પત્નીના આપઘાતના ગુનામાં સાત માસ જેલમાં રહ્યા બાદ દારૂનો જંગી જથ્થો મગાવી છુટક બુટલેગરો ગણતરીની કલાકોમાં જ પહોચતો કરનાર હર્ષદ મહાજન છેલ્લા એકાદ વર્ષથી ૧૨ જેટલા ગુનામાં પોલીસ ચોપડે વોન્ટેડ હતો તે દરમિયાન જ તેને રાજસ્થાનથી વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવી કરોડોનો કારોબાર કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
મુળ પડધરી તાલુકાના વિસામણ ગામના વતની અને રાજકોટ વૃંદાવન પાર્ક શેરી નંબર ૨માં રહેતા હર્ષદ મહાજન ૨૨ વર્ષ પહેલાં પ્રથમ લગ્ન બેડીપરાની રીના ઉર્ફે પારૂલ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન બે પુત્ર કમલેશ અને આશિષનો જન્મ થયો હતો. ૧૩ વર્ષ પહેલાં પત્ની રીના ઉર્ફે પારૂલે ઘર કંકાસના કારણે આપઘાત કરતા સાત માસ સુધી જેલમાં રહ્યો હતો.
સાત માસ બાદ જેલમાંથી છુટી સાતેક વર્ષ પહેલાં પડધરીના મનુભાઇ કોટકની પુત્રી મેઘા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેને સંતાનમાં એક પુત્ર જેનીશ અને પુત્રી પારૂલનો જન્મ થયો હતો. ૨૦૦૧થી રાજસ્થાનથી વિદેશી દારૂમગાવી વેચાણ શરૂ કરી અત્યાર સુધીમાં ૫૨ જેટલા દારૂના ગુના નોંધાયા છે. જેમાં મારામારીના બે ગુના નોંધાયા છે. અત્યાર સુધીમાં નવ વખત પાસા હેઠળ અટકાયત કરી જુદી જુદી જેલમાં ધકેલાયો છે.
દારૂના ગુનામાં કરોડોની કમાણી કરી હોવા છતાં પોતાના નામે કોઇ મિલકત ખરીદ કરી ન હોવાનું અને ચાર સ્કોર્પીયોની ખરીદી કરી હતી તે પૈકીની બે સ્કોર્પીયો પોતાના મિત્ર ચંદ્રેશ ઉર્ફે કાળુના નામે ખરીદ કરી હતી અન્ય બે સ્કોર્પીયો ધર્મેશ વ્યાસના નામે ખરીદ કરી છે. ચાર ફોર વ્હીલ ખરીદ કર્યા હતા તે ચારેય વાહનો દારૂ ની હેરાફેરીના ગુનામાં પોલીસે કબ્જે કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ તેની પાસે અલ્ટ્રોકાર પોતાના મિત્રના નામે ખરીદ કરી તેનો પોતે ઉપયોગ કરી રહ્યો છે.
દારૂના ધંધામાં રણુજા મંદિર પાસે રહેતા કાળુ, રતનપરનો લક્કીરાજ, કાલાવડ રોડ પ્રેમ મંદિર પાસે રહેતો નાનો કાળુ, જંગલેશ્ર્વરનો ભોલાબાપુ, વિસામણ ગામના વિજયસિંહ જાડેજા અને સંત કબીર રોડ પર રહેતો ધર્મેશ વ્યાસ પોતાના મિત્ર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
હર્ષદ મહાજન રાજસ્થાન સાચોરના વિક્રમસિંહ, સુભાષ મારવાડી, બાબુ મારવાડી, વડોદરાના નાગદાન ગઢવી, ઉદયપુરના દિલીપ મારવાડી, ભરત મારવાડી, સોનુ મારવાડી અને સોહનસીંગ અને ગુડગાવના જોગાજીને ફોન કરી વિદેશી દારૂ મગાવતો હોવાનું અને દારૂ ની ડીલીવરી સંભાળ્યાના બે દિવસમાં દારૂનું પેમેન્ટ પાયલોટીંગ કરનાર વાહન ચાલકને કરવાનું હોય છે.
રાજસ્થાનથી રાજકોટ સુધીમાં દારૂ ભરેલું વાહન પકડાય તો તેનું પેમેન્ટ ચુકવવાનું ન હોય અને દારૂની ડીલીવરી સંભાળી લીધા બાદ પકડાય તો તેનું પેમેન્ટ ચુકવવાનું પડે છે. રાજસ્થાનથી દારૂ મગાવ્યા બાદ કાલાવડ રોડ પર, કાલાવડ ગામની સીમ, રતનપર, જામનગર રોડ પર પડધરી નજીક રાત્રે કટીંગ કરતો હર્ષદ મહાજન બે દિવસમાં દારૂના વેચાણનું ઉઘરાણું કરી લેતો હતો. રતનપરના લક્કીરાજ ઝાલા, રણુજા મંદિર પાસેના કાળુભાઇ, જંગલેશ્ર્વરનો અસ્લમ બેલા અને ભોલાબાપુ, વિસામણના વિજયસિંહ, કાલાવડ રોડ પ્રેમ મંદિર પાસે રહેતા પ્રિયંક બ્રાહ્મણ અને સંત કબીર રોડ પર રહેતો ધર્મેશ વ્યાસ દારૂની ખરીદી કરતા હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી છે. હર્ષદ મહાજન ચાર ભાઇ અને બે બહેન છે જેમાં શર્મિલાબેન, મુકેશભાઇ, હિતેશભાઇ અને ગીતાબેન સયુંકત પરિવારમાં રહે છે પણ તેઓ દારૂના ધંધામાં ન હોવાનું હર્ષદ મહાજને જણાવ્યું છે.