ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો જીતી સતત સાતમી વખત સત્તારૂઢ થવા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હોમસ્ટેટ ગુજરાતમાં કમળ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ભવ્ય વિજય થયો હતો.
હર્ષ સંઘવીએ ભવ્ય જીત બાદ એક સામાન્ય લારી પર કાર્યકર્તાઓની સાથે ચાની ચુસ્કી માણી
ધારાસભ્ય અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી વિજય સરઘસ બાદ એક સામાન્ય ટપરી પર કાર્યકર્તાઓની સાથે ચા પીવા માટે આવ્યા હતા. સુરતીઓ માટે ચા તેમનું અતિપ્રિય પીણું છે અને શહેરમાં કદાચ હજારોની સંખ્યામાં ચાની ટપરીઓ જોવા મળે છે જે દિવસ રાત ધમધમતી રહે છે. ત્યારે મતગણતરીને લઈને આજે વહેલી સવારથી જ સમર્થકો ટપરી ઉપર ચા ની મજા માણતા જોવા મળ્યા હતા.
અગત્યની વાત એ છે કે કાર્યકરોને મજા માણતા જોઈને ખુદ રાજ્ય ગૃહ મંત્રી પણ એક સામાન્ય ટપરી ઉપર સમર્થકોની સાથે ચા ની ચુસ્કી લેવા માટે પહોંચી ગયા હતા. ૧.૧૬ લાખની લીડ સાથે મજૂરા વિધાનસભામાં ભવ્ય જીત મેળવનાર ધારાસભ્ય હર્ષ સંઘવીએ તેમની આ જીત કાર્યકરોને સમર્પિત કરી હતી અને તેમની સાથે એક નાની ઉપર ચા પીધી હતી.