ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4 અને સહકાર વિભાગની 2 બેઠક માટે કુલ 59 ફોર્મ ભરાયા : ફોર્મ ચકાસણી શરૂ : 27મીએ ઉમેદવારી પાછી ખેંચી શકાશે
રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં ગઇકાલે ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ આજે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ભાજપના બે જૂથ વચ્ચે છેલ્લી ઘડી ખેંચતાણ ચાલ્યા બાદ અંતે પ્રદેશમાંથી આવેલા 12 નામોની યાદી ગઇકાલે રજૂ કરવામાં આવી હતી. જેમાં એક ઉમેદવારને બાદ કરતા મંત્રી મંડળની જેમનો રીપીટ થીયરી અપનાવવામાં આવી છે અને અન્ય તમામ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
રાજકોટ માર્કેટ યાર્ડની ચુંટણીમાં વાદ-વિવાદ થયા બાદ પરિવારવાદ પણ ચાલ્યો છે. જેમાં ડી.કે. સખીયા તથા ભાનુભાઇ મેતાના પુત્રોને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે.
ગઇકાલે તમામ 16 બેઠકો માટે કુલ 58 ફોર્મ ભરાયા છે. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે 32 ફોર્મ, વેપારી વિભાગની 4 બેઠક માટે 22 ફોર્મ જ્યારે સહકાર વિભાગની 2 બેઠક માટે 5 ફોર્મ ભરાયાં છે.
રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી આ વખતે ફરી જયેશ રાદડિયાનો હાથ ઉપર રહ્યો હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે અને અરવિંદ રૈયારી રાજ્યકક્ષાના મંત્રી હોવા છતા હાથ હેઠાં પડ્યા છે. કારણ કે પ્રદેશમાંથી અરવિંદ રૈયાણીના સમર્થકોને ફાળે ઉમેદવારી આવી નથી અને યાર્ડની ચુંટણીમાં મધ્યસ્થીની ભૂમિકામાં રહેલા પૂર્વ કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા કિંગ મેકર સાબિત થયા છે.
રાજકોટ માર્કેટ યાર્ડની ચુંટણી છેલ્લે સુધી બિનહરિફ તેવા પૂરેપૂરા પ્રયાસો થયાં હતાં. તેમ છતા ગઇકાલે તમામ 16 બેઠકો માટે કુલ 59 ફોર્મ ભરાતા હવે આગામી 5મી ઓક્ટોબરે ચુંટણી જંગ નિશ્ર્ચિત થયો છે. છેલ્લે સહકારી ક્ષેત્રમાં સરધાર સહકારી મંડળીની ચુંટણીમાં નીતીન ઢાંકેચા ગૃપનો દબદબો રહ્યો હતો. ત્યારે હવે જોવાનું રહ્યું છે ચુંટણી બાદ કોણ સત્તાસ્થાને આવશે અને કોણ ફેંકાઇ જશે.
આજે સવારે 11 વાગ્યાથી ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ થઇ છે તેમજ આગામી 27મીએ ઉમેદવારી પાછી ખેંચી શકાશે.
વિભાગ |
બેઠક |
ફોર્મ ભરાયાં |
ખેડૂત વિભાગ | 10 | 32 |
વેપારી વિભાગ | 4 | 22 |
સહકાર વિભાગ | 2 | 5 |