રાજકોટમાં શ્યામનગર યુએચસી સેન્ટર ખાતેથી મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પીડિયુ હોસ્પિટલ ખાતેથી મંત્રી આર.સી. ફળદુ, જસદણ ખાતેથી મંત્રી કુંવરજી બાવળિયા અને જેતપુર ખાતેથી મંત્રી જયેશ રાદડિયાના હસ્તે અભિયાનનો આરંભ
સૌરાષ્ટ્રના ૩૭ સેન્ટરોમાં આજે હરખાતા હૈયે વેકસીનેશન અભિયાનનો પ્રારંભ થયો છે. જેમાં દરેક સેન્ટરો ઉપર મંત્રીઓ, સાંસદો, ધારાસભ્ય, બોર્ડના ચેરમેનની ખાસ ઉપસ્થિતિ રહી હતી. તેઓના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
આજે સૌરાષ્ટ્રના ૩૭ મળી રાજ્યના કુલ ૧૬૧ સ્થળોએ વેકસીનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં ૨૩, ખેડામાં ૪, આણંદમાં ૫, સુરેન્દ્રનગરમાં ૩, ગાંધીનગરમાં ૫, મહેસાણામાં ૫, પાટણમાં ૩, સાબરકાંઠામાં ૬, બનાસકાંઠામાં ૫, અરવલ્લીમાં ૩, મહિસાગરમાં ૨, વડોદરામાં ૧૦, પંચમહાલમાં ૪, દાહોદમાં ૪, ભરૂચમાં ૨, નર્મદામાં ૩, છોટાઉદેપુરમાં ૩, સુરતમાં ૧૮, તાપીમાં ૨, વલસાડમાં ૬, નવસારીમાં ૩, ડાંગમાં ૨, ભાવનગરમાં ૬, જૂનાગઢમાં ૪, અમરેલીમાં ૨, બોટાદમાં ૨, ગિરસોમનાથમાં ૨, રાજકોટમાં ૯, પોરબંદરમાં ૨, જામનગરમાં ૫, કચ્છમાં ૫, દેવભૂમી દ્વારકામાં ૧, મોરબીમાં ૨ લોન્ચિંગ સાઇટ પર વેકસીનેશનની શરૂઆત થઈ છે.
રાજકોટમાં પીડિયું હોસ્પિટલમાં મંત્રી આર.સી. ફળદુ, પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતેથી ધારાસભ્ય ગોવિદભાઈ પટેલ, સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતેથી ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, વોક હાર્ટ હોસ્પિટલ ખાતેથી ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શ્યામનગર યુએચસી ખાતેથી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, કોઠારીયા યુએચસી સેન્ટર ખાતેથી સહકારી અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતા, જસદણ સીએચસી કેન્દ્ર ખાતેથી મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, જેતપુર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતેથી મંત્રી જયેશભાઇ રાદડિયા અને ગોંડલ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ગીતાબા જાડેજાએ સામૂહિક રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
જામનગર: સમગ્ર દેશમાં તા. ૧૬મી જાન્યુઆરીથી કોરોના રસીકરણના અભિયાનનો પ્રારંભ થનાર છે. જેમાં જામનગર જિલ્લો પણ સહભાગી બનશે. આ માટે જામનગર જિલ્લા ખાતે રસીકરણની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે જી.જી. હોસ્પિટલ ખાતેથી રસીકરણનો પ્રારંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ મહાઅભિયાનનો ૧૦:૩૦ કલાકે શુભારંભ કર્યા બાદ શહેર કક્ષાએ જી.જી.હોસ્પિટલ મા બે તેમજ નીલકંઠનગર યુ.એચ.સી અને ગ્રામ્ય કક્ષાએ ધ્રોલ તેમજ લાલપુર ખાતે રસીકરણનો શુભારંભ થશે. રસીકરણના આ પ્રથમ તબક્કામાં જિલ્લા પંચાયતના અંદાજિત ૪૨૦૦ તેમજ મહાનગરપાલિકાના અંદાજે ૭૦૦૦ જેટલા આરોગ્યકર્મીઓને આવરી લેવામાં આવશે. આ માટે ૧૦૦-૧૦૦ની સંખ્યામાં લાભાર્થીઓને કેંદ્ર પર બોલાવવામાં આવશે. કોરોના મહામારી દરમિયાન પોતાના જીવના જોખમે સતત લોકોની સેવા કરનાર આ પ્રથમ હરોળના કોરોના વોરીયર્સને રસી આપવાના મહાઅભિયાન પ્રસંગે ધ્રોલ ખાતે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, લાલપુર ખાતે પૂર્વ મંત્રી ચીમનભાઈ શાપરિયા અને નીલકંઠ નગર યુ.એચ.સી ખાતે પૂર્વ ધારાસભ્ય મુળુભાઇ બેરા ઉપસ્થિત રહેશે.
ધ્રોલ: ધ્રોલમાં સી.એચ.સી. સેન્ટર ખાતે જીલ્લાના આરોગ્ય અધિકારીઓને મુલાકાત લીધી હતી. આ સાથે આજે તા -૧૬ ના રોજ ધ્રોલ સી.એચ.સી.માં ૧૦૦ જેટલા હેલ્થ વર્કરને વેક્સીન આપવા મા આવશે. જામનગર જિલ્લામાં વેકસીન આપવા માટે વહીવટી તંત્રની તૈયારી. જામનગર જિલ્લાના ધ્રોલ અને લાલપુરમાં વેકસીન આપવામાં આવશે. ગ્રામ્ય પંથકમાં ૫૦૦૦ વેકસીનનો ડોઝ આપવામાં આવશે. વડાપ્રધાનના આહવાન બાદ જિલ્લામાં વેક્સીન આપવામાં આવશે જિલ્લામાં વેકસીન આપવાની તૈયારી સાથે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ ધ્રોલ સી.એચ.સી. ખાતે મુલાકાત લીધી હતી. વેક્સીનની આડ અસર થશે તે નહીવત છે પરંતુ કોઈપણ આડઅસર જણાઈ તો સુવિધા સહિતની તમામ તૈયારીઓ રાખવામા આવી છે.
જૂનાગઢ: જિલ્લામાં તા. ૧૬ જાન્યુઆરી થી ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને રસીકરણનો આરંભ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યો છે, આજેે જિલ્લામાં નિયત કરાયેલ ૩ સ્થળો પર અંદાજીત ૩૦૦ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરને રસી અપાશે. જૂનાગઢ જિલ્લા માટે રાજ્યમાંથી ગ્રામ્ય વિસ્તાર માટે ૬૫૦૦ અને શહેરી વિસ્તાર માટે ૪૦૦૦ મળી કુલ ૧૦,૫૦૦ કોવિશિલ્ડ નામની વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. પોતાના જીવના જોખમે રાત દિવસ લોકોની સેવા કરનાર પ્રથમ હરોળના કોરોના વોરીયર્સને રસી આપવાનો પ્રારંભ જૂનાગઢની સીવીલ હોસ્પીટલ ખાતેથી સવારે ૧૦ કલાકે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યો હતો, જયારેે કેશોદ એસડીએચ ખાતે થી ધારસભ્ય દેવાભાઈ માલમ, ચોરવાડના સીએચસી સેન્ટર થી સાસંદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે આરંભ કરવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતાના જણાવ્યા અનુસાર, જૂનાગઢ જિલ્લા માટે રાજ્યમાંથી ગ્રામ્ય વિસ્તાર માટે ૬૫૦૦ અને શહેરી વિસ્તાર માટે ૪૦૦૦ મળી કુલ ૧૦,૫૦૦ કોવિશિલ્ડ નામની વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.