માઘ મહિનામાં જયારે સૂર્ય મક્રર રાશીમાં હોય ત્યારે દેવ-દાનવ, ઋષિમુનીઓ અને સાધુ-સંતો પ્રયાગરાજમાં નિવાસ કરે છે: મહંત જયરામદાસબાપુ
મોરબી રોડ ઉપર રાજકોટથી ૨૨ કિમી દુર આવેલ અતિ પવિત્ર પુનિત તપોભૂમિ ખોડિયારધામ આશ્રમ અને માતિ ગૌશાળાના મહંત શ્રી ૧૦૦૮ શ્રી મહંત જયરામદાસબાપુ પ્રયાગરાજ મુકામે દિવ્ય કુંભમેળામાં સંત સેવા તથા અભ્યાગત સેવા કરી પરત આવતા ખોડિયારધામ આશ્રમ માતિ ગૌશાળાના ભકતજનો તથા કાગદડી ગામ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.
જેમાં સાણંદ એ.પી.એમ.સી.ના ડાયરેકટર અને સાણંદ વિરમગામ વિસ્તારના કારડીયા રાજપુત સમાજના પ્રમુખ પ્રભાતભાઈ મકવાણા દ્વારા રાજપુતોની શાન સાફો અને તલવાર ભેટ આપી સ્વાગત કરેલ. આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપુત રાજકોટ કોંગ્રેસ મહિલા મોરચા પ્રમુખ મનીષાબેન વાળા રાજકોટ આર.એમ.સી.ના દંડક અજયભાઈ પરમાર રોશની સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડીયા, કોર્પોરેટર પરેશભાઈ હરસોડા તથા રાષ્ટ્રીય કરણી સેનાના ગુજરાતના ઉપાધ્યક્ષ ચંદુભાઈ પરમાર પોતાની ટીમ સાથે હાજર રહી બાપુને હારતોરા કરી સ્વાગત કરેલ તથા કાગદડી ગામથી ખોડીયારધામ આશ્રમ માતિ ગૌશાળા સુધી બેન્ડવાજા સાથે સ્વાગત કરેલ.
આ પ્રસંગે ભકતજનોને સંબોધતા શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી જય રામદાસબાપુએ ‘અબતક’ની મુલાકાત દરમિયાન જણાવેલ કે છેલ્લા ૩૦ વર્ષથી પ્રયાગરાજ ખાતે માઘમેળામાં દરેક કુંભમાં ખેડાપતિ હનુમાનનગર ખાલસા સામોદ ચોમુ.જી.જયપુર દ્વારા સંત સેવા અને અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે અને રોજના ૪ થી ૫ હજાર સાધુઓને ભોજનપ્રસાદ અને દક્ષિણા આપવામાં આવે છે. ગંગામૈયા અને પ્રયાગરાજ મહાદેવની કૃપાથી અત્યાર સુધી ગુરુજી દ્વારા જે સેવા કરવામાં આવતી હતી તે સેવા હવે આપણે કરવાની છે અને ગુરુજીએ આપણામાં મુકેલા વિશ્ર્વાસને ચરીતાર્થ કરવાનો છે. રામાયણમાં પણ પ્રયાગરાજ ખાતેના કલ્પ વાસનો ઉલ્લેખ છે.
શાસ્ત્રોના પ્રયાણ મુજબ માઘમહિનામાં જયારે સુર્ય મકર રાશીમાં હોય ત્યારે દેવ-દાનવ પક્ષ કિન્નર ઋષિમુનિ અને સાધુસંતો પ્રયાગરાજ ખાતે નિવાસ કરે છે. આપણે ઓળખી ન શકીએ પણ એમની સેવાનો લાભ મળે તો પણ ધન્ય થઈ જતા હોય છે. તો આપણે બધા સાથે મળી આ સંત સેવાને આગળ વધારીએ અને ગુરુદેવ ભગવાને મારા એકમો નહીં આપણા બધામાં મુકેલા વિશ્ર્વાસને સાર્થક કરીએ. ખોડિયારધામ આશ્રમમાં હાલમાં ૩૦૦ જેવી ગૌમાતાઓનો નિભાવ કરવામાં આવે છે. તેમજ ૨૪ કલાક અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. તેમજ આશાપુરા માતાના મઢે ચાલીને જતા પદયાત્રિકો માટે કેમ્પ ખોલવામાં આવે છે જે આપ બધાના સહયોગથી આપણે ચલાવતા આવ્યા છે અને હજી પણ ચલાવતા આવશું.
અંતમાં બાપુએ યુવાનોને માંસ અને મદીરાનો ત્યાગ કરી હિંદુ ધર્મ અને સમાજ તથા દેશ માટે આગળ આવી નિવ્યસની અખંડ ભારત બને તેવી ગંગામાતા અને વેણી માધવ (પ્રયાગરાજ)ના ચરણોમાં પ્રાર્થના કરેલ. આ પ્રસંગે ખોડીયારધામ આશ્રમ અને માતિ ગૌશાળાના ટ્રસ્ટીઓ સર્વ જીતુભાઈ જાડેજા, રામજીભાઈ લીંબાસીયા, શૈલેશભાઈ લુણાગરીયા, પરેશભાઈ હરસોડા, રક્ષિતભાઈ કલોલા, અલ્પેશસિંહ સોલંકી, જગદીશભાઈ વેકરીયા, હિતેશભાઈ જાદવ તેમજ કાગદડી-વાછકપર, કોઠારીયા-હડાળા અને આજુબાજુના ગ્રામજનોને તેમજ શ્રી રામનાથપરા કારડીયા રાજપુત સમાજ-બેડીપરા રાજપુત સમાજ, રાજકોટ રાજપુતપરા રાજપુત સમાજ તેમજ આજુબાજુના વિસ્તારના અને રાજકોટથી બહોળી સંખ્યામાં ભકતજનો હાજર રહ્યા હતા.
શું છે કુંભ ?
જયારે સમુદ્રમંથન થયું ત્યારે દેવો અને દાનવોમાં અમૃત મેળવવા માટેનું યુદ્ધ થયું હતું તે સમયે ભગવાન વિષ્ણુએ ગડના માધ્યમથી ઉડાન લીધી હતી તે વખતે તેમણે ૪ જગ્યાઓએ વિશ્રામ લીધો હતો જયાં કુંભમેળો કરવામાં આવે છે.
અલ્હાબાદમાં દર વર્ષે માધ મેળો ઉજવાય છે. કહેવાય છે કે દેવોને ઓળખી શકાતા નથી માટે કુંભમાં સંતો સેવા કરી પુણ્યનું ભાથુ બાંધવા આવે છે.