રાજકોટ ખાતે આવેલી હરિવંદના કોલેજ દ્વારા મોરલ કવેસ્ટનું આયોજન કરાયું હતું, જેમાં કુલ ૩૨૦ વિદ્યાર્થી એટલે કે વિવિધ કોલેજોની કુલ ૮૦ ટીમોએ ભાગ લીધો હતો. નવયુવાન વિદ્યાર્થીઓ ને સતત કઈક સર્જનાત્મક આપતી હરિવંદના કોલેજ દ્વારા ટ્રેઝર હંટ સ્પર્ધાનું આયોજન આંતર કોલેજ કક્ષાએ કરવામાં આવ્યું હતું જેમાં કોલેજ દીઠ કુલ ૨ ટીમ ભાગ લઈ શકે તેવું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં કોઈ પણ વિદ્યાર્થી કે જેની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોય તે ભાગ લઈ શકે તેવું સંચાલકો દ્વારા જણાવાયું હતું. તેમજ વિદ્યાર્થીઓમાં રાજકોટની સુંદરતા ભૌગોલિક દ્રષ્ટિએ જોવાની ક્ષમતા વધે, મોરલ ક્વોલિટી જેમ કે ટીમ વર્ક, ટાઈમ મેનેજમેન્ટ, સહિષ્ણુતા, લોજીક જેવા ગુણો વધે તેવા ઉદેશ્ય સાથે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેશાણી, કોલેજના કેમ્પસ ડિરેક્ટર ડો.સર્વેશ્વર ચૌહાણ સહિતના મહાનુભાવોએ ખાસ હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધા ની શરૂઆત ઉપકુલપતિ વિજય દેશાણી એ રીબીન કાપી તેમજ ફ્લેગ ઓફ કરીને કરી હતી.
આ ગેઈમ માટે અમે ખુબ ઉત્સાહિત થયા: બંસી ત્રાડા
આ સ્પર્ધા વિશે હરિવંદના કોલેજની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે આ પ્રકારની ગેમ અમે પ્રથમવાર રમી રહ્યા છીએ તેમજ અમને વિશ્વાસ છે કે અમે જ જીત હાંસલ કરીશું. તેમણે આ સ્પર્ધા વિશે કહ્યું હતું કે આ એક લોજીકલ ગેમ છે જેમાં જુદા જુદા સવાલ અને જુદા જુદા ટાસ્ક હશે જેના માટે અમે ખૂબ ઉત્સાહિત છીએ.
આ પ્રકારની સ્પર્ધા યોજવા અપીલ કરતા: બિપિન લાણીયા (માતૃમંદિર કોલેજ)
તેમણે જણાવ્યું હતું કે આ મોરલ કવેસ્ટ માટે અમારી કોલેજની ટીમ ખૂબ જ ઉત્સાહિત છે તેમજ આ સ્પર્ધાના આયોજન માટે અમે હરિવંદના કોલેજનો આભાર માનીએ છીએ તેમજ તમામ કોલેજોને અપીલ કરીએ છીએ આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવું જોઈએ જેથી વિદ્યાર્થીઓ ભણતર સાથે ગણતર પણ શીખે.
૧૫ કિ.મી.ના વિસ્તારમાં આયોજીત: આ ગેઈમમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરીશુ: રક્ષિત પાટડીયા (ગીતાંજલી કોલેજ)
આ પ્રકારની સ્પર્ધા પ્રથમવાર આયોજિત થઈ છે તેમજ અમે પણ પ્રથમવાર ભાગ લઈ રહ્યા છીએ જેના કારણે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ ગેમ ૧૫ કિલોમીટરના વિસ્તારમાં આયોજિત કરવામાં આવી છે જેના ભાગરૂપે અમે રોડ સેફ્ટીને ધ્યાને લઈને હેલ્મેટની ઉપયોગ કરીશું તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું.
હરિવંદના કોલેજ ભણતરની સાથે ગણતર પણ શીખવે છે: ડો વિજય દેશાણી (ઉપકુલપતિ-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
તેમણે આ સ્પર્ધા ના આયોજન બદલ હરિવંદના કોલેજને શુભકામનાઓ આપતા કહ્યું હતું કે હરિવંદના કોલેજ અવાર નવાર આવી પ્રવૃત્તિઓના માધ્યમથી હર હંમેશ વિદ્યાર્થીઓ ને ઉત્સાહિત કરીને ફક્ત પુસ્તકિયું જ્ઞાન નહીં પરંતું વિદ્યાર્થી ભણતરની સાથે ગણતર પણ શીખે તેવો પ્રયત્ન કરાય છે જે બદલ હું હરિવંદના કોલેજ તથા તેમના સમગ્ર સ્ટાફ તેમજ તમામ વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવું છું.
સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારની સ્પર્ધા પ્રમવાર યોજાઈ: ડો.સર્વેશ્વર ચૌહાણ (કેમ્પસ ડિરેક્ટર-હરિવંદના કોલેજ)
તેમને કહ્યું હતું કે ભારત ના આઝાદી પર્વ પૂર્વે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનોમાં સાહસવૃત્તિ વધે, દેશભક્તિ વધે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન અનુસાર યુવાનો સમાજ પ્રત્યે પોતાની ભૂમિકા સમજે તેવા ઉદેશ્યથી આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકાર ની સ્પર્ધા પ્રથમવાર યોજાઈ છે જે બદલ હું હરિવંદના કોલેજના તમામ કર્મચારીઓનો આભારી છું.
વિર્દ્યાીઓએ ટીમ વર્ક સો ટાઈમ મેનેજમેન્ટ શીખ્યું: વિશાલ વાસા (હેડ ઓફ ડિપાર્ટમેન્ટ-હરિવંદના કોલેજ)
તેમણે મોરલ કવેસ્ટ વિશે જણાવતા કહ્યું હતું કે આ મોરલ કવેસ્ટ એ એક જાતની ટ્રેઝર હંટ જેવી સ્પર્ધા છે જેમાં સૌરાષ્ટ્ર કક્ષાની કોલેજોના ૩૨૦ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં જુદા જુદા સાત ટાસ્ક આપવામાં આવ્યા છે જેમાં ધાર્મિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન, કાયદાકીય જ્ઞાન તથા વિદ્યાર્થીઓને ટીમ વર્ક તેમજ ટાઈમ મેનેજમેન્ટ વિશે શીખવા મળશે. તેમને જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારની સ્પર્ધાનું આયોજન પ્રથમ વાર કરાયું છે. તેમને જણાવ્યું હતું કે અહીંથી ૧૦ ટીમોને તેમના ભણતર તથા વ્યક્તિગત જીવન માં મદદરૂપ રહે તેવા ઇનામનું વિતરણ કરાશે.