યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં દિવ્ય અસ્થિનો કુંભ તા. 11 ઓગસ્ટે રાજકોટ પહોંચશે. આ અસ્થિકુંભનાં દર્શન-પૂજન માટેનો કાર્યક્રમ આત્મીય યુનિવર્સિટી પરિસર, યોગીધામ, કાલાવડ રોડ ખાતે યોજવામાં આવ્યો છે. બુધવારે સાંજે 5.00 થી 8.00 સુધી યોજાનાર આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, હરિભક્તો તેમજ નગરજનો અસ્થિકુંભનાં દર્શન-પૂજન દ્વારા પરમ પૂજ્ય સ્વામીજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી શકશે. આ કાર્યક્રમની સાથે કૃતજ્ઞભાવ અર્પણ સમારોહ યોજાશે. જેમાં સંતો-ભક્તો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા પરમ પૂજ્ય સ્વામીજીનાં યુગકાર્ય પ્રત્યે કૃતજ્ઞતાનો અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય ભક્તિપ્રિયસ્વામી સહિતના સંતો ખાસ ઉપસ્થિત રહીને પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં યુગકાર્યની ઝાંખી કરાવશે.
આ કાર્યક્રમ અંગે વાત કરતાં પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું છે કે, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અક્ષરધામગમન બાદ દિવ્ય વિગ્રહનાં દર્શનાર્થે દેશવિદેશથી લાખો ભાવિકો હરિધામ સોખડા પહોંચ્યા હતા. પરમ પૂજ્ય સ્વામીજીનાં યુગકાર્યની કૃપાવર્ષા જે પ્રદેશો પર થઈ છે ત્યાંના જે ભાવિકો, હરિભક્તો, વિવિધ ક્ષેત્રના આગેવાનો અને નાગરિકો જે હરિધામ પહોંચી શક્યા ન્હોતા તેમની લાગણીને ધ્યાનમાં રાખીને અસ્થિ વિસર્જન કરતાં પહેલાં વિવિધ શહેરો-ગામોમાં અસ્થિકુંભ દર્શન-પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
પરમ પૂજ્ય સ્વામીજીએ શિક્ષણની સાથે સંસ્કારનો સમન્વય સાધીને સમાજને સંસ્કારી યુવાનોની ભેટ આપવાના યુગકાર્યની શરૂઆત રાજકોટથી કરી હતી. ઇ.સ. 1988-89માં અગ્રણી સમાજસેવકો સ્વ. લાભુભાઈ ત્રિવેદી, સ્વ. હરસુખભાઇ સંઘવી, સ્વ.જયંતિભાઈ કુંડલિયા, સ્વ. કુંવરજીભાઇ મારૂ, મનસુખભાઇ જોશી વગેરેએ કાલાવડ રોડ સ્થિત શિક્ષણ પરિસર પરમ પૂજ્ય સ્વામીજીને અર્પણ કર્યું હતું. તે શૈક્ષણિક પરિસરનો પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આશીર્વાદ અને દૂરદર્શિતાથી અપ્રતિમ વિકાસ થયો છે.
પરમ પૂજ્ય સ્વામીજીએ આ પરિસરને ગુરૂહરિ યોગીજી મહારાજને ભક્તિઅર્ઘ્ય સ્વરૂપે યોગીધામ નામકરણ કર્યું છે. આજે આ યોગીધામમાં આત્મીય યુનિવર્સિટી સહિત કે.જી.થી માંડીને અનુસ્નાતક સ્તરના અભ્યાસક્રમો ચલાવતી વિદ્યાસંસ્થાઓ સાકાર થઈ છે. રાજકોટ પછી સુરત, ભરુચ, અવિધા, વડોદરા, અમદાવાદ, વલ્લભવિદ્યાનગર વગેરે શહેરોમાં પણ શિક્ષણ અને સંસ્કારનો સમન્વય સાધતી વિદ્યાસંસ્થાઓનું નિર્માણ પરમ પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી થયું છે.
વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ વિકસાવવી એ પરમ પૂજ્ય સ્વામીજીનો અભિગમ રહ્યો. જેને કારણે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને રોજગારલક્ષી નવાનવા અભ્યાસક્રમો દ્વારા સંબંધિત ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાની તક પ્રાપ્ત થઈ છે. રાજકોટને એજ્યુકેશનલ હબ તરીકેની ઓળખ આપવામાં આત્મીયએ અગ્રણી ભૂમિકા ભજવી છે. પશ્ચિમ રાજકોટના વિકાસમાં આ પરિસરનું યોગદાન સ્વીકારવું જ રહ્યું.
આ રીતે રાજકોટ પર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું ઋણ છે. ત્યારે તેઓનાં શ્રીચરણોમાં કૃતજ્ઞતાનો અર્ઘ્ય અર્પણ થઈ શકે તે માટે સહુની ઇચ્છાને માન આપીને અસ્થિકુંભ દર્શન-પૂજનનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે. રાજકોટ ઉપરાંત મોરબી, ગોંડલ, જસદણ, ભાવનગર, જામનગર, જામકંડોરણા, જેતપુર, સુરેન્દ્રનગર વગેરે ગામો-શહેરોના ભાવિકો પણ અસ્થિકુંભ દર્શન પૂજન માટે રાજકોટ પહોંચશે. સાંપ્રત પરિસ્થિતિને અનુરૂપ માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા ભાવિકોને વિશેષ સૂચના આપવામાં આવી છે.