- 35.82 મેગા વોટ ક્ષમતા સાથે હરિપર સોલાર યોજના12.50 મેગા વોટની ક્ષમતા સાથે છત્તર સોલાર પરિયોજના વડે ખેડુતોને રાહત દરે વિજળી પ્રાપ્ત
રાજયમાં બિનપરંપરાગત ઉર્જાનો વ્યાપ વધે અને પર્યાવરણનું જતન થાય એ આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દૂરંદેશી નીતિ થકી સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં સૌર ઊર્જા નીતિ અમલી બનાવીને દેશને નવી દિશા આપી.
જળવાયું પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવી પેઢી માટે પર્યાવરણના રક્ષણ માટે રાજ્યમાં સોલાર પાર્કના નિર્માણનો નિર્ધાર કર્યો. જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા કિશાન સૂર્યોદય યોજના હેઠળ સરકારી ખરાબાની જમીન પર સોલાર વીજ મથક લગાવીને કુલ 2500 મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન કર્યું હતું.
આ મહા અભિયાન હેઠળ ગુજરાત સરકાર હસ્તેની ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લીમીટેડ (જી.એસ.ઈ.સી.એલ.) ના સિક્કા યુનિટ દ્વારા જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદમાં ખરાબાની પડતર જમીનનો સર્વે કરી અને સોલાર વીજ મથક સ્થાપવાનું કાર્ય હાથ પર લીધેલ.જેના ભાગરૂપે હરીપર ખાતે 40 મેગાવોટ ક્ષમતાનો સોલાર વીજ મથક 122 હેક્ટર ખરાબાની બિનખેતી લાયક પડતર જમીન પર, કુદરતી વરસાદી નદી-નાળા અને સ્થાનિક પર્યાવરણની કાળજી રાખી, 176.89 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો અને આ સોલાર વીજ મથકનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઓકટોબર 2022માં કરવામાં આવ્યું.
આ સોલાર વીજ મથક હાલમાં દૈનિક આશરે 2,80,000 યુનિટનું વીજ ઉત્પાદન કરે છે અને તારીખ 08.05.2023 ના રોજ 320,663 યુનીટનું દૈનિક મહત્તમ વીજ ઉત્પાદન કરેલ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છત્તર ખાતે 83.49 કરોડ ના ખર્ચે 39 હેક્ટર ખરાબાની બિન ઉપયોગી જમીન પર 20 મેગાવોટ સોલાર વીજ મથક સ્થાપવાનું કાર્ય હાથ પર ધરેલ જેમાંથી 12.5 મેગાવોટનું વીજ ઉત્પાદન મે 2023થી કાર્યરત કરવામાં આવ્યું. આ સોલાર વીજ મથક હાલમાં દૈનિક આશરે 80,000 યુનિટનું વીજ ઉત્પાદન કરે છે અને તારીખ 12.05.2023 ના રોજ 92,400 યુનીટનું દૈનિક મહત્તમ વીજ ઉત્પાદન કરેલ છે.
તદઉપરાંત જામનગર જિલ્લાના બબરઝર ખાતે 887 કરોડ ના ખર્ચે 505 હેક્ટર ખરાબાની બિન ઉપયોગી જમીન પર 210 મેગાવોટ સોલાર વીજ મથક અને નિકાવા ખાતે 57.88 કરોડ ના ખર્ચે 34 હેક્ટર ખરાબાની બિન ઉપયોગી જમીન પર 10 મેગાવોટ સોલાર વીજ મથકનું નિર્માણ કરવાનું કાર્ય હાથ ઉપર છે, જે આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોલાર પરિયોજનાના માધ્યમથી કિસાન સુર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પ્રાપ્ત થતા રાત ઉજાગરા સહિત અનેક પ્રકારની હાડમારીઓમાંથી તેઓનેમુક્તિ મળી છે.