ઉમિયામાતા-સિદસર,ખોડલધામ,વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન,ઉફમિયા માતાજી સંસ્થાન-ઉંઝા, સરદાર ધામ અને સમસ્ત પાટીદાર સમાજ સહિતની ધાર્મિક સંસ્થાઓનો એકસૂર

પાટીદારોને અનામત આપવા માટેની કોંગ્રેસની ફોર્મ્યુલા કાયદાકીય આંટીઘુંટીમાં ફસાઈ જશે તે વાતને વધુ ટેકો મળતો જાય છે. ગઈકાલે અમદાવાદમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા, ખોડલધામ, સરદારધામ, વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયામાતા-સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત સહિતની પાટીદારોને ધાર્મિક-સામાજિક સંસ્થાઓએ હાર્દિક અને કોંગ્રેસ લોકોને અનામત મુદ્દે ગેરમાર્ગે દોરતા હોવાનો મત વ્યકત કર્યો હતો.

કોંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં પાટીદારો-બિન અનામત વર્ગને અનામત આપવાના વચન સામે પાટીદારોને ધાર્મિક સંસ્થાઓએ સવાલ ઉભા કર્યા છે. રાજકીય સોદાબાજી ખાતર આંદોલનકારીઓ અને કોંગ્રેસ પાટીદારોમાં ભાગલા પડાવી રહ્યા હોવાનો આક્ષેપ પણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ગઈકાલની બેઠકમાં પાટીદારોને અનામત આપવા મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

પાટીદાર ઓર્ગેનાઈઝેશન કમિટીના કો-ક્ધવીનર અને વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્થાપક આર.પી.પટેલે કહ્યું હતું કે, અમે વડી અદાલતના ટોચના વકીલ હરીશ સાલ્વેનો અભિપ્રાય કોંગ્રેસના વચન મુદ્દે માંગ્યો છે. કોંગ્રેસે પાટીદારોને કલમ ૩૧(સી) હેઠળ અનામત આપવાનું વચન આપ્યું છે. જોકે વકીલે આ શકય ન હોવાનો પ્રત્યુતર આપ્યો છે. હાર્દિક અને કોંગ્રેસ આ રીતે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

ખોડલધામના ટ્રસ્ટી હંસરાજ ગજેરાએ જણાવ્યાનુસાર હાલનું આંદોલન માત્ર કેટલાકના વ્યકિતગત સ્વાર્થ માટે ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, નરેશભાઈ પટેલ સાથેની મીટીંગ બાદ હાર્દિકે તેમનો સપોર્ટ હોવાનો દાવો કર્યો હતો જે તદન ખોટી વાત છે. કોઈપણ પક્ષના નેતા ખોડલધામ મંદિરની મુલાકાત લઈ શકે છે અને નરેશભાઈને મળી શકે છે. વ્યકિતગત સ્વાર્થ માટે તસવીરનો ઉપયોગ કરવો ખોટી વાત છે.

પાટીદાર ઓર્ગેનાઈઝેશન કમિટીના સભ્ય સી.કે.પટેલે કહ્યું હતું કે, હાર્દિક પટેલ પાટીદારોને કોઈ એક પક્ષને વોટ આપવા અને કોઈ પક્ષનો વિરોધ કરવાનું કહી શકે નહીં. પાટીદારોની રેલીમાં ઘણા અન્ય સમાજના લોકો પણ હોય છે. પાટીદાર અનામતની વાત હવે હાસ્યમાં ધકેલાઈ ગઈ હોવાનો મત પણ તેમણે વ્યકત કર્યો હતો. હાર્દિક પટેલ વ્યકિતગત સ્વાર્થ માટે આ બધુ કરી રહ્યો છે. અમને કોઈ ગેરમાર્ગે દોરી શકે નહીં તેવું સરદાર પટેલ ગ્રુપના જનરલ સેક્રેટરી પુર્વિન પટેલે કહ્યું હતું.

કે.સી.પટેલે એવો સવાલ કર્યો હતો કે, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરિશ સાલ્વેએ ૫૦ ટકાથી વધુ અનામત ન મળી શકે તેવો મત વ્યકત કર્યો છે તો શા માટે આંદોલન થઈ રહ્યું છે. કોંગ્રેસે કયાં આધારે પાટીદારોને અનામતના વચનો આપ્યા છે તે સમજાતું નથી. અનામતના બહાને પાટીદારોના નામે રાજકીય પક્ષોને સમર્થન આપવા ધાર્મિક સંસ્થાઓ સહમત નથી. પાટીદારોને અનામત આપવા મુદ્દે સર્જાયેલો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. આંદોલનકારીઓ અને કોંગ્રેસે માત્ર પોતાના લાભ ખાતર જ સમાજને ગેરમાર્ગે દોર્યા હોવાની દલીલો થઈ રહી છે. હાર્દિક પટેલ અને પાટીદારોની સામાજીક, ધાર્મિક સંસ્થાઓ સામ-સામે આવી ગઈ હોવાનું ફલિત થઈ રહ્યું છે. હાર્દિક પટેલની સભામાં પાટીદારોની સંખ્યા ઓછી અને અન્ય પક્ષ તરફના લોકો વધુ હોવાની દલીલ થઈ છે. કોંગ્રેસે આપેલુ વચન તો ભાજપે પહેલા આપી દીધું હતું તેમ છતાં મંજુર નથી તેમ કહીને પાસે આ મુદ્દો વધુ છંછેરીયો હતો.

સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ઓબીસી ૫૦ ટકાથી ઉપર આપવું શકય નથી. આ બાબતે અનેક કાયદાકીય નિષ્ણાંતો પણ સહમતિ આપી રહ્યા છે. કોંગ્રેસના વચન કયાં સહારે છે તે મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે. ઘણા સમયથી કોંગ્રેસે પાટીદારોની માંગણી સ્વિકારવા માટે આગળ આવવાનો પ્રયાસ કર્યો છે. જે માત્ર રાજકીય સ્વાર્થ ખાતર જ હોવાનું માનવામાં આવે છે. એકંદરે કોંગ્રેસે પાટીદારોને આપેલુ વચન કાયદાકીય આંટીઘુંટીમાં ફસાઈ જશે તેવું સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.