ફૈઝાબાદથી ખાસ ચાર્ટડ પ્લેન દ્વારા રાજકોટ ખસેડાયા:દેશ-વિદેશથી ભાવિકો દ્વારા ઝડપી તબીયત સુધારા માટે પ્રાર્થના
ગોંડલ રામજી મંદિરના મહંત અને શ્રી રણછોડદાસજીબાપુના કૃપાપાત્ર મહામંડલેશ્ર્વર હરીચરણદાસજી મહારાજ અયોઘ્યાની દાસ હનુમાન મંદિર ખાતે ગુરૂવારે પડી જતા થાપામાં ફેકચર થતા ખાસ વિમાન દ્વારા ફૈઝાબાદથી રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગત કાલે બપોરના ખસેડવામાં આવ્યા છે. આજે બપોરના ૧ કલાકે ઓપરેશન હાથ ધરવામાં આવશે. આ સમાચાર વાયુ વેગે સૌરાષ્ટ્ર અને દેશ-વિદેશના ફેલાતા અનુયાયીઓ ચિંતાતુર છે.
વધુમાં રાજકોટ સહિત દેશભરમાં વિશાળ અનુયાયી અને આસ્થાનું કેન્દ્ર સમા પરમ વંદનીય ગોંડલને પોતાની કર્મભૂમિ બનાવીને સેવાની ધુણી ધખાવી અને દેશ-વિદેશ સુધી સુવાંસ ફેલાવી અને પૂ.રણછોડદાસજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય શ્રી હરિચરણદાસજીબાપુ ગત તા.૨૫નાં રોજ નર્મદાના કિનારે ગોટા ખાતેના આશ્રમ ચાર-પાંચ દિવસ સેવાકિય પ્રવૃતિ બાદ ઈન્દોર સ્થિત આશ્રમે ત્રણેક દિવસ રોકાણ કર્યા બાદ અયોઘ્યા ખાતે દાસ હનુમાનજી મંદિર ખાતે ગત તા.૫ ફેબ્રુઆરીએ પહોંચ્યા હતા અને ૯૮ વર્ષની વયે પણ રામનામ અને સેવાકિય પ્રવૃતિ કરતા હરિચરણદાસજી મહારાજ તા.૧૧ ફેબ્રુઆરીએ અયોઘ્યાથી રાજકોટ પરત આવવાના હતા પરંતુ ગુરૂવારે સ્નાનવિધિ વખતે પડી જતા તેમને ઈજા પહોંચી હતી.
પ્રથમ ફૈઝાબાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમને પ્રાથમિક સારવાર આપી થાપામાં ફેકચર હોવાથી ભકતજનો દ્વારા ફૈઝાબાદથી સ્પેશિયલ વિમાનમાં ગતકાલે રાજકોટ લાવવામાં આવ્યા છે. રાજકોટ એરપોર્ટ ખાતે વિશેષ મેડિકલ એમ્બ્યુલન્સમાં કાલાવડ રોડની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તમામ પરીક્ષણ કરવામાં આવ્યા બાદ ગોળો બદલવાનું ઓપરેશન આજે બપોરે હાથ ધરવામાં આવશે.
ગોંડલ રામજી મંદિર, શ્રીરામ હોસ્પિટલ અને ગોરા, ઈન્દોર, રૂષિકેશ, અયોઘ્યા, બનારસ, પાંડુકેશ્ર્વર સહિત વિવિધ સ્થળોએ ધાર્મિક અને સેવાકિય પ્રવૃતિનો કાર્યરત શ્રી હરીચરણદાસજી મહારાજની તબિયત ઝડપી સુધારા પર રહે તે માટે ભાવિકોએ પ્રાર્થના કરી હતી. ગોંડલથી અન્ય આશ્રમ ખાતે વિચરણ કરતી વેળાએ ભકતજનોએ શ્રી હરીચરણદાસજીબાપુને ગોંડલ ખાતે બિરાજવા વિનંતી કરી હતી ત્યારે ગુરૂદેવ બોલેલા કે જે થવાનું હોય તે થવા કાળને કોઈ રોકી શકતુ નથી.
શ્રી હરીચરણદાસજી મહારાજની સારવારમાં રહેલા તબીબોએ કહ્યું કે ઈજા જે પ્રકારની છે તેમાં ગોળો બદલવાની સર્જરી રીસ્ક ગણી શકાય છે.