- પ્રદેશ હાઇકમાન્ડનો આદેશ આવતા વ્યવસ્થાના ભાગરૂપે હરેશભાઇને કાર્યાલય મંત્રીની જવાબદારીમાંથી મુક્ત કરાયા હોવાનું શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન
- પક્ષનો આદેશ શિરોમાન્ય, કાર્યકર્તા હતો, છું અને રહીશ નવી કોઇપણ જવાબદારી આપશે તેનો સહર્ષ સ્વિકાર કરીશ: હરેશ જોષી
- શહેર ભાજપ ઉપાધ્યક્ષ હિતેશ ઢોલરીયાને કાર્યાલયના ઇન્ચાર્જ બનાવાયા: સહાયક તરીકે શૈલેષ દવેને મુકાયા
છેલ્લા 31 વર્ષથી રાજકોટ શહેર ભાજપ સાથે સંકળાયેલા અને છેલ્લા આઠ વર્ષથી શહેર ભાજપ કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી વહન કરી રહેલા હરેશભાઇ જોષીને ગઇકાલે સાંજે તાત્કાલીક અસરથી જવાબદારી મુક્ત કરવાનો આદેશ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી દ્વારા કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેર ભાજપના ઉપાધ્યક્ષ હિતેશભાઇ ઢોલરીયાને હાલ કાર્યાલયના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. જ્યારે તેઓના સહાયક તરીકે શૈલેષ દવેને મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે ‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે પ્રદેશમાંથી આદેશ આવતા મેં શહેર ભાજપ કાર્યાલયના મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહેલા હરેશભાઇ જોષીને તાત્કાલીક અસરથી જવાબદારી મુક્ત કર્યા છે. વ્યવસ્થાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. તેઓની કામગીરી સામે કોઇપણ પ્રકારની ફરિયાદ ન હતી પરંતુ પ્રદેશમાંથી આદેશ આવવાના કારણે કાર્યવાહી કરવામાં આવી છે. શહેર ભાજપના ઉપપ્રમુખ હિતેશ ઢોલરીયાને હાલ કાર્યાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓના સહાયક તરીકે શૈલેષ દવેની નિયુક્તિ કરવામાં આવી છે. પોતાના અંગત લોકોને સમાવવા માટે પ્રમુખ દ્વારા કાર્યાલયમાં વર્ષોથી ફરજ બજાવતા એક પછી એક કર્મચારીઓને ફરજમુક્ત કરવામાં આવી રહ્યા છે. જેમાં છઠ્ઠો ભોગ હરેશભાઇ જોષીનો લેવાયો છે. તેઓ 1993થી ભાજપ સાથે જોડાયેલા છે. સતત 12 વર્ષ સુધી એક સામાન્ય કાર્યકર તરીકે ફરજ બજાવ્યા બાદ 2005માં તેઓને રાજકોટ મહાનગરપાલિકામાં શાસક પક્ષ ભાજપ કાર્યાલયના મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. આ જવાબદારી તેઓએ સતત 11 વર્ષ સુધી નિભાવી હતી. ત્યારબાદ 2016માં કમલેશભાઇ મિરાણીએ તેઓને શહેર ભાજપના કાર્યાલય મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. છેલ્લા આઠ વર્ષથી તેઓ આ જવાબદારી નિભાવી રહ્યા છે. દરમિયાન પ્રદેશની સૂચનાનું બ્હાનું આગળ ધરી વ્યવસ્થાના ભાગરૂપે તેઓને તાત્કાલીક અસરથી જવાબદારી મુક્ત કરવામાં આવતા ભારે આશ્ર્ચર્ય વ્યાપી જવા પામ્યો છે.
હરેશભાઇ જોષીએ ‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય છે. હું છેલ્લા 31 વર્ષથી નિષ્ઠા સાથે ભાજપમાં જોડાયેલો છું. પદ કાયમી હોતું નથી પરંતુ કાર્યકર્તા ક્યારેય પૂર્વ બનતો નથી. હું કાલે પણ ભાજપનો કાર્યકર્તા હતો, આજેપણ ભાજપનો કાર્યકર્તા છું અને આવતીકાલે પણ રહીશ. પક્ષ દ્વારા મને કોઇપણ પ્રકારની જવાબદારી સોંપવામાં આવશે તે હું નિષ્ઠાપૂર્વક બજાવીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ‘સદસ્યતા અભિયાન’ ચાલી રહ્યું છે. પૂર્ણ થયા બાદ દિવાળી પછી ભાજપ દ્વારા સંગઠનની પુન:રચના કરવામાં આવશે. જેમાં શહેર ભાજપનું પણ નવું સંગઠન માળખું રચાશે. જેમાં હરેશભાઇને કોઇ જવાબદારી સોંપાઇ તેવી શક્યતા પણ હાલ નકારી શકાતી નથી.