૧૦૦ગાડીનો કાફલો અને ૫૦૦થી વધુ બાઇક હાર્દિકની સોમનાથ સંકલ્પ યાત્રામાં
ગુજરાત સરકારની ઊંઘ હરામ કરી નાખનાર પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે ગઈકાલે મોરબી જિલ્લામાં જોરદાર શક્તિ પ્રદર્શન કરી મોદી,અમીત શાહને આડે હાથ લીધા હતા. પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ દ્વારા ગઈકાલે મોરબી જિલ્લામાં હળવદથી પોતાની સોમનાથ સંકલ્પયાત્રા શરૂ કરી હતી,પોતાના નિયત શેડ્યુલથી હાર્દિક પટેલની યાત્રા થોડી વિલંબથી શરૂ થતાં મોરબી ખાતે મોડી સાંજે હાર્દિકનો વિશાળ કાફલો આવી પહોંચ્યો હતો.
મોરબી સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ખાતે હાર્દિકના વિશાળ કાફલાનું મોરબી પાસના આગેવાનો દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ૧૦૦થી વધુ કાર અને ૫૦૦ થી વધુ બાઇક સવાર યુવાનો દ્વારા જોરદાર શક્તિ પ્રદર્શન કરી શાહ હાય-હાય સહિતના સરકાર વિરોધી નારા લગાવી હાર્દિકના કફલાએ મોરબીમાં વટભેર શક્તિ પ્રદર્શન કર્યું હતું.
બાદમાં હાર્દિક પટેલનો કાફલો સનાળા રોડ ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી સોમનાથ સંકલ્પ યાત્રા ટંકારા જવા રવાના થઈ હતી.
ઉલ્લેખનીય છે કે હાર્દિકના આગમનથી પાસના નેતાઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો.હાર્દિક પટેલનો કાફલો ટંકારા પહોંચી થોડો સમય રોકાયા બાદ મિતાણા થઈ નેકનામ જશે જ્યાં જાહેરસભા યોજી રાત્રી રોકાણ પણ ત્યાંજ કર્યું હતું.