વિરોધ પક્ષના નેતા ધાનાણીએ વિધાનસભામાં દલિતોની વાત કરી તો પાટીદારોનો શું વાંક?
યુવા પાટીદાર નેતા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રમુખ હાર્દિક પટેલે હવે પત્તું ખોલ્યું છે. તેણે કહ્યું હતું કે – ઉંમરની બાધને લઇને ધારાસભા નહતો લડયો પણ હવે તે દૂર થતાં લોકસભા લડીશ ! જો કે – રાજકીય વિશ્ર્લેષકોના મતે આ હળદરના ગાંઠીયે ગાંધી થવા જેવી વાત છે.
હાર્દિક પટેેલે એમ પણ કહ્યું હતું કે, વિરોધ પક્ષ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણીએ વિધાનસભામાં દલિતોના હકકો અને અધિકારીનોી તેમજ તેમને સામાજીક સુરક્ષા અપાવવાની વાત કરી તો પાટીદારોનો શું વાંક છે ???ટૂંકમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી પછી હાર્દિક પટેલે ‘મૌન’તોડયું છે.તેમનો આક્ષેપ છે કે માત્ર શાસક પક્ષ જ નહીં બલ્કે વિરોધ પક્ષ પણ પાટીદારોને અન્યાય કરે છે.
હાર્દિકે કહ્યું કે, ધાનાણી અન્ય મુદ્દાઓ વિશે ઘણું બોલે છે પરંતુ શા માટે પાટીદારોના હિતો, હકકો, અધિકારો અને સામાજીક સુરક્ષાના મુદ્દે કંઇ બોલતા નથી. ૧૪ પાટીદારોના મૃત્યુ અંગે પણ મૌન સેલ્યું હતું. રીઝર્વેશન વિશે કઇ ન બોલ્યા, તેનું શું ?
હાર્દિકે સવાલ પૂછયો હતો કે, વિધાનસભાના સત્રમાં છેલ્લા પ દિવસથી ધાનાણી દલિત કાર્યકર દ્વારા આત્મવિલોપન મામલે આક્રમકતા દાખવી રહ્યા છે. તેઓ વિધાનસભામાં દલિતોની વાત કરી રહ્યા છે તો પાટીદારોનો શું વાંક ?
તેમણે પાટીદારો માટે વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો ? ખોટા કેસો થયા તેની માટે કઇ બોલ્યા ? રાજદ્રોહના ‘ખોટા કેસ’થયા તો તેમાં ધાનાણી કેમ મૌન રહ્યાં ? અગર આમ જ છે તો મારા મતે શાસક પક્ષ બી.જે.પી. અને વિરોધ પક્ષ કોંગ્રેસ બંને એક સમાન દરજજા પર છે.
આગળની ‘રણનીતિ’વિશે તેમણે પત્તું ખોલતા જણાવ્યું કે ઉમરની બાધને લઇને હું ધારાસભા ન હતો લડયો પરંતુ હવે લોકસભા લડીશ !
ટૂંકમાં હાર્દિક પટેલે હવે પત્તું ખોલતા હવે લોકસભાની ચુંટણી વધુ રસાકસી ભરી અને રસપ્રદ થઇ પડશે તેમાં બે મત નથી.આમ પણ દિલ્હીમાં હલચલ શરુ થઇ ગઇ છે.આગળની રણનીતી ઘડાવા લાગી છે. ૨૦૧૯ની ચુંટણીને લઇને ધમધમાટ અત્યારથી જ શરુ થઇ ગયો છે.