પારણા સમયે લાલજી પટેલ, અતુલ પટેલ અને દિનેશ બાંભણીયા સહિતના આંદોલનના નેતાઓની ગેરહાજરી અનેક પરિસ્થિતિ સામે નિર્દેશ કરી રહી હોવાનો મત
પાટીદાર અનામત આંદોલન સમીતીના નેતા હાર્દિક પટેલે ૧૯ દિવસના ઉપવાસ બાદ કરેલા પારણાથી અનામત આંદોલન ઉપર કઈ પ્રકારના પગલા પડશે તે અંગે ચર્ચાઓએ જોર પકડયું છે. હાર્દિક પટેલે વર્ષ ૨૦૧૫માં મહાક્રાંતિ રેલીની ત્રીજી એનીવર્સરી નીમીતે ૨૫મી ઓગષ્ટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું અને ૧૯ દિવસના ઉપવાસ દરમિયાન અનેક વિવાદો થયા હતા.
પાટીદાર નેતાઓની સમજાવટ બાદ મામલો થાળે પડયો હોવાનું જણાઈ રહ્યું છે પરંતુ હાર્દિકના પારણા હવે પાટીદાર અનામત આંદોલનનું રૂખ બદલે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પારણા કર્યા બાદ હાર્દિક પટેલે તુરંત કહ્યું હતું કે, સમાજના આગેવાનોનું માન રાખી મેં પારણા કર્યા છે. હવે સમાજના આગેવાનો મારી સાથે છે. મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ૧૯ દિવસના ઉપવાસ કરી મને ૧૯ વર્ષો સુધી લડવાની તાકાત મળી છે.
ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયા ધામના સી.કે.પટેલની સમજાવટ બાદ હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન પૂર્ણ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, આ પારણા બાદ હાર્દિકનો કરિશ્મા ઓછો થઈ જશે તેવું નિષ્ણાંતો કરી રહ્યાં છે. અગાઉ ૨૦૧૫માં લાખોની મેદની એકઠી કરવા સક્ષમ હાર્દિક તાજેતરના ઉપવાસ આંદોલનમાં વધુ લોકોને એકઠા કરી શકયો નહોતો.
અનામતના પ્રશ્નોને લઈ શરૂ થયેલુ પાટીદાર અનામત આંદોલન હાર્દિક પટેલ કોંગ્રેસની તરફેણમાં પહોંચી જતા ફંટાઈ ગયું હોવાનું અનેક લોકો માની રહ્યાં છે. હાલ પાટીદાર અનામત આંદોલન ઉપર હાર્દિક પટેલના પારોઠના પગલાના કારણે મુશ્કેલી પડી શકે તેવું કહેવાવાળો વર્ગ પણ છે. પાટીદાર અનામત આંદોલન સમયે જ બે ફાટા થયા હતા. હવે રૂખ બદલાશે તેવું લાગી રહ્યું છે.
હાર્દિક પટેલના પારણા સમયે પાટીદાર આંદોલનના લાલજી પટેલ, દિલીપ સબવા, અતુલ પટેલ અને દિનેશ બાંભણીયા સહિતના આગેવાનો ઉપસ્થિત ન હતા તેમની આ ગેરહાજરી અનેક પરિસ્થિતિ ઉપર નિર્દેશ કરી રહી છે. હાર્દિક પટેલના પારણા સાથે પાટીદાર અનામત આંદોલનના કેટલા નેતાઓ સહમત હતા તે અંગે હજુ સુધી ફોડ પાડવામાં આવ્યો નથી.