રાજયસભાની ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યો ‘નોટા’નો વિકલ્પ પસંદ કરશે: હાર્દિક
પાટીદાર અનામત આંદોલન સમીતીના ક્ધવીનર હાર્દિક પટેલ જ્ઞાતિવાદના અજગરને છંછેડે તેવી દહેશત છે. રાજયસભામાં ભાજપના ચાર ધારાસભ્ય નોટાનો વિકલ્પ કરશે તેવો દાવો હાર્દિક પટેલે કર્યો છે. હાર્દિક પટેલે એવું પણ કહ્યું છે કે, આનંદીબેન પટેલ જુથના ભાજપના ૨૨ ધારાસભ્યો પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં છે. ભાજપના અમુક ધારાસભ્યો તેમના જ પક્ષથી ભારોભાર નારાજ જણાય રહ્યાં છે. આ નારાજ ધારાસભ્યો ગમે ત્યારે બળવો કરી શકે તેવી સંભાવના નકારી શકાય નહીં તેવું હાર્દિકનું કહેવું છે.
ભાજપના જે પાટીદાર ધારાસભ્યો છે તેમાંથી ૨૨ જેટલા પાસના સંપર્કમાં છે. આ પૈકીના ચાર ધારાસભ્યો આગામી સપ્તાહે યોજાનાર રાજયસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરશે તેવું હાર્દિકે કહ્યું છે. તાજેતરમાં ઉમિયાધામમાં ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલનને મંજૂરી ન અપાયા બાદ હાર્દિક છંછેડાઈ ગયો છે. હવે આ સંમેલન કયાં યોજવામાં આવશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. હાલ તો હાર્દિક પાટીદાર ધારાસભ્યો પોતાના તરફેણમાં હોવાનો દાવો કરે છે. ઉપરાંત રાજયસભાની ચૂંટણીમાં ચાર ધારાસભ્યો નોટાનો ઉપયોગ કરશે તેવું પણ કહે છે.
આગામી ૮ ઓગસ્ટે યોજાઈ રહેલી રાજયસભાની ચૂંટણીમાં પાસને સંલગ્ન ધારાસભ્યો નોટાનો ઉપયોગ કરશે તે અંગેના નિવેદનથી રાજકારણ ગરમાશે. ઉપરાંત આનંદીબેન પટેલ જૂથના ૨૨ ધારાસભ્યોનો ટેકો હોવાની વાતથી અનામત આંદોલન તેજ કરવાની વેતરણ હાર્દિક પટેલ કરે છે. પરંતુ બેજવાબદાર નિવેદનોથી જ્ઞાતિવાદનો અજગર છંછેડાઈ જાય તેવી શકયતા છે.