ડો. ઇન્દ્રનીલસિંહ ગોહીલ, ડો. મનીષ દોશી અને હેમાંગ રાવલે હાર્દિકને આડા હાથે લીધા
કોર કમીટીના સભ્ય અને પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ડો. ઈન્દ્રવિજયસિંહ ગોહિલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. સને 2019માં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું અને લાખોની જનમેદની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એકઠી થઈ હતી ત્યારે આ કાર્યક્રમમાં કહેવાતા નેતા એકલા આવ્યા હતા અને કોંગ્રેસ પક્ષમાં જોડાયા. છેલ્લા ઘણા સમયથી વાત ચાલતી હતી કે, હવે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાશે અને ખુબ જ મોટુ શક્તિ પ્રદર્શન કરશે.
શક્તિ પ્રદર્શનના અહેવાલ પણ આવતા હતા કે, હજારો લોકોની હાજરીમાં તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાશે. પરંતુ આજનો કાર્યક્રમ જોયા પછી ભાજપ પ્રદેશ પ્રમુખના હાથે મુઠ્ઠીભર લોકોની હાજરીમાં ભાજપનો ખેંસ પહેર્યો એ સાબિત કરે છે. એ સાબિત કરે છે કે, શક્તિ પ્રદર્શનના બદલે બુદ્ધિપ્રદર્શન કર્યું હોય તેવુ સ્પષ્ટ દેખાઈ આવે છે.
ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતના યુવાનોનો પ્રશ્ન હોય, રોજગારીનો પ્રશ્ન હોય, કોંગ્રેસ પક્ષ હંમેશા લડત આપી રહ્યો છે. પરંતુ ક્યારેય તેઓ પક્ષના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં કોઈ કામગીરી કરી નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વાત આદર્શની કરવાની, સમાજના ખભે બેસીને પોતાનો નક્કી કરેલા લક્ષને પાર પાડવા માટે ખભાઓના ઉપયોગ કરીને સમાજ સાથે અને રાજ્યના નાગરિકો સાથે અવનવા અખતરા કરીને ઘણા લોકો ગદ્દારી કરતા હતા પરંતુ એમાં હવે એક ભાઈનો ઉમેરો થયો છે.
પ્રશ્ન એ છે કે, જે તે સમયે સમાજનું આંદોલન, સામાજીક સમસ્યા, રાજ્યમાં મોઘુ શિક્ષણ અને બેરોજગારીની સમસ્યા, સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરરીતિ – લાગવગ, ભ્રષ્ટાચાર અને મુદ્દે ગુજરાતના યુવાનોમાં ભારોભાર આક્રોશ હતો. ત્યારે પાટીદાર સમાજના લોકોએ સર્વ સમાજને સાથે રાખીને જે આંદોલન કરેલ હતું. એ સમયે સમાજે આપેલા નેતૃત્વનો પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરનાર ભાઈ એમ માનતા હશે કે, મારી રોજગારીનું તો થઈ ગયુ પોતાની વ્યક્તિગત રોજગારી માટે તેઓ ભાજપમાં જોડાયા હોય તેમ લાગી રહ્યું છે. સરદાર સાહેબની વિચારધારાની કોઈ વાત નહી.
આ વિચારધારાના પરિવર્તન પાછળ ક્યા પ્રકારનો ખેલ છે ?, ક્યા પ્રકારની ગોઠવણ છે ? તે ગુજરાત જાણવા માંગે છે અને પાટીદાર સમાજ પણ જાણવા માંગે છે. તેમણે કહ્યું કે હું સૈનિક તરીકે ભાજપમાં જોડાયો છું. પરંતુ કોંગ્રેસ પક્ષે નાની ઉંમરમાં તેમને સેનાપતિ સમાન કાર્યકારી અધ્યક્ષનું પદ આપ્યું હતું. કોંગ્રેસ પક્ષની જવાબદારી પછી તમે શું કર્યું ? તમારી નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ ઉપર પાયા વગરના આક્ષેપ કરી રહ્યાં છો. તમે ઉપરથી આવેલી સ્ક્રિપ્ટ પ્રમાણે કોંગ્રેસ પક્ષ માટે ગમે તેવી વાતો કરી, તેનાથી તમારી કઈ પ્રકારની માનસિકતા છે તે ખુલ્લી પડી છે. તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે કહેતા હતા કે ખેડૂત, ખેતી અને ગામડુ બચાવવા માટે લડવુ જોઈએ.
જે સરકારની નીતિથી ખેડૂત, ખેતી અને ગામડુ બરબાદ થઈ રહ્યું હોય એ ભાજપ પક્ષનો તમે આજે ખેસ પહેર્યો છે ત્યારે તમે ખેડૂત વિશે કેમ કઈ બોલ્યા નહીં ? અને સૌથી દુ:ખદ બાબત એ છે કે, તમારી વ્યવસ્થામાં તમે ગોઠવાઈ ગયા.જે સમયે તમારે તેમની જરૂર હતી, તેમના ખભાનો ઉપયોગ કરીને તમે આગળ વધ્યા, પ્રસિઘ્ધી મેળવી, તમને તમામ પ્રકારના એસો આરામ મળ્યા, સગવડો મળીએ આંદોલનના સાથીદારોને તમે અસામાજીક તત્વો કહો છે તે કેટલે અંશે વ્યાજબી ?
હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ભાજપમાં જવાથી છઠ્ઠીનું ધાવણ લજવાય, ગુલામી સહન કરવા હું ભાજપમાં જવાનો નથી, મને ભાજપ તરફથી 1200 કરોડની ઓફર છે એવા શબ્દો પર હાર્દિક પટેલ હવે શું કહેશે ? પાટીદાર આંદોલન માત્ર હાર્દિક પટેલ નહી પરંતુ પાટીદાર સમાજ અને સર્વ સમાજને આભારી હતું તેનો જશ માત્ર હાર્દિક પટેલ ના ખાટે. 14-14 પાટીદારો જે આંદોલનમાં શહિદ થયા તેમનો તથા તેમના પરિવારના આત્મા પર શું ગુજરતી હતી હશે તે માત્ર શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહી. શું પાટીદાર આંદોલનના શહિદોને હવે ન્યાય મળી જશે ? શું પાટીદાર સમાજના યુવાનો પર રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો હવે પાછા લઈ લેવામાં આવશે ? શું પાટીદાર આંદોલનના શહિદોના પરિવારને હાર્દિક પટેલે વિશ્વાસમાં લીધા હતા ?