સરકારની ખાતરી બાદ સંતુષ્ટ પાટીદાર સમાજનું અનામત આંદોલન સમાપ્ત થયાની પાટીદારોની છ મુખ્ય સંસ્થાઓની કમિટીના ૨૫ પ્રતિનિધિઓની જાહેરાત

સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર પાટીદાર અનામત આંદોલન હવે વ્યકિતગત સ્વાર્થ ખાટવાનું હથિયાર બની ગયું હોવાના આક્ષેપો ઘણા સમયથી થઈ રહ્યા છે. પાસના ક્ધવીનર હાર્દિક પટેલે અનામત આંદોલનનું ‘ખાનગીકરણ’ કરતા પાટીદાર સમાજ તેનાથી ખફા થઈ રહ્યો હોવાનું વર્તુળોમાં ચર્ચાયું છે. ગઈકાલે પાટીદારોની મુખ્ય ૬ સંસ્થાઓની કમિટીના ૨૫ પ્રતિનિધિઓ દ્વારા પાટીદાર અનામત આંદોલન સમાપ્ત થયું હોવાની જાહેરાત કરવામાં આવી હતી. હાર્દિકનું આંદોલન પ્રાઈવેટ હોવાનું અને હાર્દિકે સમાજને ભેખડે ભરાવી રાજકિય રોટલો શેકવાનું બંધ કરવું જોઈએ તેવો સૂર ઉઠયો હતો.

પાટીદારોની છ મુખ્ય ધાર્મિક-સામાજિક સંસ્થાઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ, ઉમિયા માતાજી સંસ્થાન-ઉંઝા, ખોડલધામ કાગવડ, સમસ્ત પાટીદાર સમાજ-સુરત, ઉમિયા માતાજી મંદિર-સિદસર અને સરદારધામના પ્રતિનિધિઓની બનેલી પાટીદાર ઓર્ગેનાઇઝેશન કમિટીએ એક અવાજે ભાજપ સરકારે પાટીદાર આંદોલનકારીઓની જે માગણી હતી તે સ્વીકારી લીધા બાદ આંદોલન પૂર્ણ થયું હોવાની જાહેરાત કરી છે. કમિટીના અધ્યક્ષ સી.કે. પટેલ અને ક્ધવીનર આર.પી. પટેલે કહ્યું છે કે, હાર્દિક પટેલ જે આંદોલન ચલાવી રહ્યો છે તે પ્રાઇવેટ છે અને હવે સમાજના નામે રાજકીય રોટલો શેકી રહ્યો છે. હાર્દિક પટેલ ભાજપ પાસે ઓબીસીમાં અનામત માગે છે અને કોંગ્રેસ ઇબીસી આપવા માગે છે. ભાજપ સરકારે અગાઉ ઇબીસી આપી ત્યારે તેને લોલીપોપ ગણાવી હતી જયારે કોંગ્રેસ ઇબીસી આપે છે તો પણ તેને સમર્થન આપવાની વાત કરી રહ્યો છે. કોંગ્રેસ પણ પાટીદારોને ઓબીસી આપશે કે કેમ તેની સ્પષ્ટતા કરી રહ્યો નથી.

પાટીદાર ઓર્ગેનાઇઝેશન કમિટીના સી. કે. પટેલ અને આર. પી. પટેલ, શંકરભાઇ પટેલ વિગેરેએે જણાવ્યું હતું કે, પાટીદારોને ઓબીસીમાં અનામત માટેની લડત કાયદાકીય રીતે કોર્ટમાં છે અને તેની માગણી ચાલુ રહેશે પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આંદોલનકારીઓ-સમાજના અગ્રણીઓ વચ્ચે જે મીટીંગ હતી તેમાં જ સમાધાન થઇ જવા પામ્યું હતું. સરકારે જે રીતે પાટીદારોની મુખ્ય માગણીઓની સ્વીકાર કરી લીધો છે તેથી અનામત આંદોલનનો કોઇ અર્થ રહેતો નથી તેથી તે પૂર્ણ થયેલું જ ગણી શકાય તેમ સ્પષ્ટ રીતે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમારા માટે તો ભાજપ હોય કે કોંગ્રેસ પણ ઓબીસીમાં જ અનામત આપવાની હોય તો પાટીદાર સમાજના હિતમાં તેને ટેકો આપવા તૈયાર છે પરંતુ પાટીદાર શહીદોના પરિવારને અત્યાર સુધી એક રૂપિયો પણ નહીં આપીને ઇબીસી આપવાની જાહેરાત કરીને ગૂમરાહ કરવાની વાત કરે છે તે યોગ્ય નથી. કોંગ્રેસને પાટીદારોના હામી થવાનો કોઇ અધિકાર નથી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે પોલીસ દમનના કેસમાં ન્યાયિક કમિશન અને દોષિતો સામે કાર્યવાહી, ૪૮૦ પોલીસ કેસ પાછા ખેંચવા, આયોગની જાહેરાત કરી દીધી છે. જયારે આંદોલનમાં મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને વળતર આપવાની પાટીદાર સમાજની પણ માગણી હતી તેને પાટીદાર સંસ્થાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ૧૨ પરિવારને ૨૦ લાખ રૂપિયા રોકડા અને અન્ય રીતે પણ મદદ કરી દેવાઇ છે અને કોઇ ચેક બાઉન્સ થયા નથી. જે ઘાયલ થયા હતા તેમને પણ મદદ માટે વિચારણા થઇ રહી છે. સહકારી સંસ્થામાં પરિવારમાંથી કોઇને નોકરી આપવાની વાત પણ સરકારે સ્વીકારી લીધી છે.

હાર્દિક પટેલ પાટીદાર સમાજને ભેખડે ભરાવવાનું બંધ કરે અને પ્રતિષ્ઠા ન ખરડે તેવી ચીમકી આપતા અગ્રણીઓએ કહ્યું હતું કે, પોતે સમાજ વતી બોલે છે તેવો દેખાવ ઊભો ન કરે, સમસ્ત સમાજ તેની સાથે નથી. હવે ઓબીસીમાં પાટીદારોના સમાવેશ માટે હજુ પણ અમારી માગણી ઊભી છે. તે સિવાય ભાજપ સરકાર પાસે હજુ પણ સમાજ દ્વારા અનામત અંગે સર્વે કરાવવો, બંધારણીય રીતે અનામતની ખાતરીમાં સહયોગ અને ક્રિમી લેયરની મર્યાદા છ લાખથી વધારી આઠ લાખ કરવાની માગણી છે અને આ મુદ્દાઓ માટે સરકાર હકારાત્મક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.