કોંગ્રેસ કઈ રીતે અનામત આપશે તેની ખબર ચૂંટણી પછી પડશે: હાર્દિક
ગુજરાતને બાનમાં લેનાર પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે અનામત મુદ્દે કોંગ્રેસ પીછેહટ કરશે તો
તેની સામે પણ લડત ચલાવવાની તૈયારી દર્શાવી છે.
અનામત મુદ્દે સરકાર પાસે લડતમાં ઉતરનાર હાર્દિક ભવિષ્યમાં કોંગ્રેસ સામે પણ આંદોલન ચલાવે તેવી શકયતા છે. પરિણામે લોકોની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ શકે છે.
હાર્દિકના નિવેદનથી જણાય આવે છે કે, કોંગ્રેસના વચન ઉપર હાર્દિક પટેલને સંપૂર્ણ વિશ્ર્વાસ નથી. ભાજપનો વિરોધ કરવામાં કોંગ્રેસને ટેકો અપાઈ રહ્યો છે.
પરંતુ કોંગ્રેસ પાટીદારોની અનામતની માંગણી કેટલી હદ સુધી પૂર્ણ કરી શકશે તેના પર એકંદરે શંકા સેવાઈ રહી છે.
પાટીદારોની માંગણી પૂર્ણ કરવામાં કોંગ્રેસ કયો ફોર્મ્યુલા અપનાવશે તે અંગે હજુ સુધી ફોડ પાડવામાં આવી રહ્યો નથી. પરિણામે હાર્દિકના કારણે અનેક લોકો અંધારામાં છે તેવું વર્તુળોમાં ચર્ચાઈ
રહ્યું છે.
ભાજપ સરકારે આપેલો અનામતનો વિકલ્પ હાર્દિકે પસંદ કર્યો નથી. જેની સામે કોંગ્રેસે આપેલો એ જ પ્રકારનો વિકલ્પ હાર્દિકે અપનાવ્યો છે.
જો કે, હવે કોંગ્રેસ ઉપર પણ શંકા સેવાઈ રહી છે. કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યો હોવાના આક્ષેપના જવાબમાં હાર્દિકે જણાવ્યું હતું કે, હું પટેલ અને ગુજરાતીઓના સ્વાભીમાન માટે લડી રહ્યો છું, હું ચૂંટણી લડી રહ્યો નથી કે, કોઈ પણ માટે વોટ પણ માંગી રહ્યો નથી.
કોંગ્રેસ સત્તા પર આવશે તો તે કેવી રીતે અનામત આપશે તેના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, આ બાબત આપણે ચૂંટણી પછી જોઈ લઈશું જો તેઓ આરંક્ષણ નહીં આપે તો લડત ચાલુ રહેશે.
હાર્દિકના આ નિવેદન પરથી ફલીત થયું કે, કોંગ્રેસ કઈ રીતે રિઝર્વેશન આપશે તે અંગે પાટીદાર આંદોલનકારીઓ પણ પ્રશ્ર્નો ઉઠાવી રહ્યાં છે.