હાર્દિક પટેલે એક નવા અધ્યાયની શરૂઆત કરીને આજે કેસરિયો ધારણ કરી લીધો છે. નીતિન પટેલ અને સી.આર પાટીલની હાજરીમાં કમલમ ખાતે ભાજપમાં જોડાઈ ગયા છે. 11 કલાકે કમલમ ખાતે હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે બપોરે 12 કલાકે શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હાર્દિક પટેલે ભાજપમાં વિધિવત રીતે એન્ટ્રી કરી છે. સી.આર પાટીલ અને નીતિન પટેલ દ્વારા ખેસ અને ટોપી પહેરાવીને ભાજપમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.
ભગવો ધારણ કર્યા પહેલા તેમણે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યું છે. જેમાં હાર્દિકે લખ્યું છે કે “રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજહિતની ભાવના સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યો છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ.”
આ પહેલાં હાર્દિકે પોતાના ઘરે દુર્ગાપૂજા કરી હતી અને બાદમાં SGVP ગુરૂકુળ ખાતે ગૌ પૂજા કરી હતી. હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે તે પહેલા ગાંધીનગરના કમલમ ખાતે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ હતી.અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ હાર્દિકના ભાજપ પ્રવેશ પહેલાં પોસ્ટરો લગાવી દેવાયા હતાં.