ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે હજુ બીજા તબક્કાનું મતદાન બાકી છે. ભાજપ દ્વારા હાર્દિક પટેલને વિરમગામથી ટીકીટ આપવામાં આવી છે ત્યારે પાટીદાર આંદોલન સમિતિ દ્વારા હાર્દિક પટેલનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાટીદાર આંદોલન સમિતિ દ્વારા હાર્દિક પટેલના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે.
હાર્દિક પટેલ એ પાટીદાર અનામત આંદોલનનો પોપ્યુલર ચહેરો છે. પાટીદાર સમુદાયના લોકો દ્વારા અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના દરજ્જા માટે ગુજરાતભરમાં સાર્વજનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા હતાં. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં આ આંદોલન ચાલ્યું હતું. ત્યારે હવે પાટીદાર આંદોલન સમિતિ દ્વારા જ તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
હાર્દિક પટેલની વિરુદ્ધમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરમગામ, માંડલ, દેત્રોજ વિસ્તારની અંદર બેનરો લગાવી અને વિરોધ કરવામાં આવ્યો છે. સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે જેવાં બેનરો લગાવવામાં આવ્યા છે.
હાર્દિક પટેલ વિરુદ્ધ ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં, હાર્દિક જાય છે, શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને મત નહીં તેવાં અલગ અલગ સૂત્રો લગાવેલાં બેનરો હાલમાં વિરમગામ વિધાનસભા વિસ્તારમાં લગાવવામાં આવ્યાં છે.