જામનગર નજીક ઠેબા ચોકડી પાસે અખિલ ભારતીય પંચાયત પરિષદ તથા કિસાન ક્રાંતિ સેનાના ઉપક્રમે યોજાયેલ ખેડૂત અધિકાર સંમેલનમાં પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપની રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર પર આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી ખેડૂતોની દૂર્દશા માટે ભાજપની ખેડૂત વિરોધી નીતિને જવાબદાર ગણાવી હતી.

ઠેબા ચોકડી પાસેના વિશાળ મેદાનમાં બપોરે બે વાગ્યે સૂસવાટા મારતા ઠંડા પવન વચ્ચે પણ અંદાજે પંદર હજાર જેટલી જનમેદની આ સંમેલનમાં ઉમટી પડી હતી. પાટીદાર નેતા હાર્દિક પટેલે તેની આગવી સ્ટાઈલમાં સંબોધન કરી જણાવ્યું હતું કે ખેડૂત તો મહેનતમાં માને છે. તેને કોઈ ભીખની જરૂર નથી. ખેડૂતોને દર મહિને પ૦૦ ની સહાય તે જગતના તાતની ક્રૂર મશ્કરી છે. ખેડૂતને આવી મશ્કરી સમાન સહાય નહીં પણ કપાસના ૧૬૦૦, મગફળીના ૧ર૦૦ નો ભાવ આપો, ખાતર, બિયારણ અને જંતુનાશક દવા પરથી જીએસટી રદ કરો તે જોઈએ છે.

હાર્દિક પટેલે તેના ઉદ્બોધનમાં ખાસ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં રિલાયન્સ અને એસ્સારની ઓઈલ રિફાઈનીરઓના કારણે ભારે પ્રદૂષણ ફેલાય છે અને તેના કારણે આ જિલ્લામાં દર વરસે વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે. સર્જાઈ છે, ખેતીની જમીનોને પારાવાર નુક્સાન થઈ રહ્યું છે, લોકોના આરોગ્ય પર વિપરીત અસર થઈ રહી છે. આ કંપનીઓ સામે પણ વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોના હિત માટે લડત કરવામાં આવશે. કોઈ આ કંપની સામે અવાજ ઊઠાવે તો સરકાર અને કંપની તરફથી લાલચ આપીને મોઢું બંધ કરી દેવાય છે પણ હું લડત આપવા મક્કમ છું. ખેડૂતોને પ૦૦ રૂપિયાની સહાય કરવાને બદલે ૬પ વર્ષથી વધુ વયના ખેડૂતોને આ પેન્શનની જાહેરાત કરી હોત તો તે વધુ ઉપયોગી પૂરવાર થઈ શકત.

તેમણે રોષભેર જણાવ્યું હતું કે આપણી હાલત તો જુઓ, જેને ટ્રેક્ટરમાં કેટલા ગેર હોય તેની ખબર નથી તે આર.સી. ફળદુ આપણા રાજ્યના કૃષિ મંત્રી છે, તો જેને કઈ સીઝનમાં ક્યો પાક આવે તેની સમજ નથી તે પુરુષોત્તમ ‚પાલા આપણાં દેશના કૃષિમંત્રી છે. જમીન માપણીમાં સરકારે ભારે ગોબાજાળી કરી છે. પરિણામે આજે હાલત એવી થઈ છે કે ખેડૂત તેના સંતાનોને વારસામાં જમીન નહીં પણ વેરઝેર આપશે. ખેડૂતો વિરોધી નીતિના કારણે ખેતીની જમીનો ઘટી રહી છે અને વેપાર-ધંધા-ઉદ્યોગ તથા વિકાસના નામે જમીનો કબજે લેવાઈ રહી છે. પરિણામે જમીનોના ભાવ વધ્યા છે અને જમીનના ઝગડામાં ગુંડાગીરી વધી છે. જામનગરમાં જ જમીનના ઝગડામાં એડવોકેટ કિરીટ જોષીની હત્યા થઈ હોવાનો તેમણે ઉલ્લેખ કરી જણાવ્યું હજુ સુધી પોલીસ હત્યારાઓને પકડી શકી નથી. રાજ્યમાં કાયદો વ્યવસ્થા ભાંગી પડ્યા છે.

આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે જણાવેલ કે અહીં કોઈ રાજકીય વ્યક્તિ તરીકે નહીં પણ એક ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું. કારણ કે અહીં ખેડૂતોના પ્રશ્નોની વાત છે. ખેડૂતોના હિત માટેની લડાઈની વાત છે. બાકી નિમંત્રણ તો ભાજપના નેતાઓને પણ આયોજકોએ આપ્યું હતું, પણ ખેડૂતોના પ્રશ્ને પણ કોઈ ભાજપવાળા મંચ પર આવ્યાની કે બોલવાની હિંમત દર્શાવી શક્યા નથી.

તેમણે જણાવ્યું કે જેવું બી વાવો તેવું ઉગે, ભાજપવાળાઓએ બાવળ જ વાવ્યા છે તેથી ચારેતરફ બાવળ ઉગ્યા છે. તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં પરાજીત થયા પછી હવે ભાજપવાળાઓના ટાટિયા ધ્રુજી ગયા છે અને ઘાંઘાવાંઘા થઈને લોલીપોપ આપી રહ્યા છે, હવે ખેડૂતો યાદ આવ્યા છે. જો ભાજપે સારૂશાસન ચલાવ્યું છે, સારો વિકાસ કર્યો છે તો પછી કોંગ્રેસમાંથી શા માટે ખરીદવા નીકળ્યા છો ? તેમ અંતમાં જણાવ્યું હતું. આ સંમેલનમાં માજી મંત્રી ડો. દિનેશભાઈ પરમાર, કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી યુસુફભાઈ ખફી, મનપાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી. પટેલ, જિ.પં. ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડ, જિ.પં. સભ્ય રામશી મારૃ, આદિત્યસિંહ જાડેજા, જામનગર મનપાના કોંગી કોર્પોરેટરો, તેમજ સુરત, મહેસાણા, જૂનાગઢથી ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. વિવિધ સમાજના આગેવાનો દ્વારા હાર્દિક પટેલનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.