વાઘોડીયા તાલુકાના મઢેલી ગામમાં ખેડૂત સંમેલનને સંબોધતા પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપા ભારતીય જનતા પાર્ટી નહિં. પરંતુ, બળાત્કારી જનતા પાર્ટી છે. બળાત્કારી જનતા પાર્ટીને આગામી વિધાન સભા ચૂંટણીમાં પછાડવા માટે વિકાસ ગાંડો થયો છે, મારા હાળા છેતરી ગયા. જેવા સુત્રો યાદ રાખવા પડશે.
પાસના નેતા હાર્દિક પટેલે ખેડૂત સંમેલન સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, જે પક્ષ આપણા હિતની વાતો ન કરે તે પક્ષ આપના કામનો નથી. કોંગ્રેસ ચોર છે. અને ભાજપા મહાચોર છે. કોંગ્રેસ અને ભાજપા બંને માસાયાયી ભાઇઓ છે. કોઇ પણ પક્ષ સત્તામાં હોય. આપણે એક થઇને લડીશું તોજ આપણા પ્રશ્નો હલ કરીશું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અનેક ખેડૂતોની જમીનમાંથી જેટકોની હાઇટેન્શન વીજ લાઇન પસાર થઇ રહી છે. જો ટેલિકોમ કંપની ખેડૂતોને જમીન જતી હોય તો રેન્ટ મળે છે. તેવી જ રીતે જેટકો તરફથી પણ ખેડૂતોને માસિક રૂપિયા 5 થી 7 હજાર ભાડુ મળવું જોઇએ. જો તમે એક થઇને લડત આપો નહિં તો, આવનારા દિવસોમાં જેટકોની વીજ લાઇનો નંખાતી રહેશે. તેની સાથે કંપનીઓ પણ આવતી રહેશે. માટે ખેડૂતોના હિતની વાત ન થાય તે સરકાર નકામી.
પાસના નેતા હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું કે, જો તમે એક થઇને નહિં લડો તો મનસુખ સુખ જેવા પેદા થશે. જયલા (જયેશ પટેલ) જેવા પણ મળશે. તેમ જણાવતા ઉમેર્યું કે, હું મારા પપ્પાને રોજ પૂછતો હતો કે, પપ્પા તમારા ખાતામાં રૂપિયા 15 લાખ આવ્યા? ત્યારે પપ્પા ઇન્કાર કરતા હતા. પરંતુ, હવે સમજાવ્યું કે, રૂપિયા 15 લાખતો જય શાહના ખાતામાં જતા રહ્યા છે.
હવે છેતરાશો નહિં. આપણો દેશ લોકતંત્ર દેશ રહ્યો નથી. આપણે સંમેલન કે રેલી કાઢવી હોય તો પણ અધિકાર રહ્યો નથી. આપણા પ્રશ્નોના નિરાકરણ માટે તમામ લોકોએ એક થઇને લડવાનો સમય પાકી ગયો છે. વિકાસ ગાંડો થયો છે. મારા હાળા છેતરી ગયા. જેવા બળાત્કારી જનતા પાર્ટી સામે સુત્રો ચાલી રહ્યા છે. તે સુત્રો યાદ રાખવા પડશે. તેમ હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું હતું.