અમરેલી, પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડવાની પણ હાર્દિકને ઓફર

જામનગરની બેઠક પરથી ’પાસ’ યુવા નેતા હાર્દિક પટેલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે, તેવી અટકળોએ જોર પકડ્યુ છે.

આગામી લોકસભાની ચૂંટણીની તારીખ એક-બે દિવસમાં જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એ બન્ને મુખ્ય હરીફોમાં ઉમેદવારોની પસંદગી માટે પણ જોરદાર ગતિવિધિ ચાલી રહી છે.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા દરેક સંસદીય મતવિસ્તાર માટે પ્રભારી, નિરીક્ષકોની નિમણૂક કરી તેમના રિપોર્ટ મંગાવવામાં આવી રહ્યા છે. પ્રદેશ કક્ષાએ સમીક્ષા થઈ રહી છે અને સંભવિત ઉમેદવારોની પેનલો બનાવવાની મથામણ ચાલી રહી છે, જેને અંતિમ મંજુરી માટે નવી દિલ્હી મોવડી મંડળને મોકલાશે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આજે દિલ્હી ચૂંટણીની ચર્ચા કરવા જ ગયા હોવાના અહેવાલો છે.

આ બધી પ્રક્રિયા પછી પણ કોને ટિકિટ મળશે તે છેવટ સુધી સસ્પેન્સ જ રહે છે અને દર વખતની ચૂંટણીની જેમ બન્ને પક્ષોમાંથી બે-ચાર બેઠકોમાં સાવ નવા જ નામ જાહેર થતા હોય છે. આ સંજોગોમાં હાલ બન્ને પક્ષમાંથી કોઈ ઉમેદવાર છાતી ઠોકીને પોતાને જ ટિકિટ મળશે તેવી સ્થિતિમાં નથી. ભાજપની વાત કરીએ તો ગુજરાતની તમામ ર૬ બેઠકો ર૦૧૪  ની ચૂંટણીમાં ભાજપે જીતી હતી. તેમ છતાં ર૦૧૯ ની ચૂંટણીમાં છેલ્લા એક-દોઢ મહિનાથી વહેતા થઈ રહેલા અહેવાલો પ્રમાણે ઓછામાં ઓછી એક ડઝન સીટીંગ એમ.પી.ને ટિકિટ નહીં મળે.. અર્થાત્ નવા ચહેરાને ટિકિટ મળે તો નવાઈ નહીં! જ્યારે કોંગ્રેસના તો આંતરકલહના પ્રવાહો ચાલી રહ્યા હોય, કોઈ બેઠકનું ચિત્ર સ્પષ્ટ થતું નથી. જામનગર સંસદીય બેઠક પર કોંગ્રેસમાંથી અશોકભાઈ લાલ, જેન્તિભાઈ સભાયાના નામ ચર્ચામાં મોખરે હોવાનું ચર્ચામાં રહ્યા પછી હવે તેમાં એક નવો ધડાકો સાંભળવા મળી રહ્યો છે. ખૂબ જ વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ પર કદાચ જામનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસે પસંદગી ઉતારે તેવી શક્યતા છે. હાર્દિક પટેલને અમરેલી, પોરબંદર અને જામનગર એમ સૌરાષ્ટ્રની ત્રણ બેઠકોમાંથી એક પર ઉમેદવારી કરવા માટે ઓફર કરવામાં આવી છે, અને તેમાંથી હાર્દિક જામનગરમાંથી ચૂંટણી લડવાનું પસંદ કરે તેવી શક્યતા છે. કારણ કે થોડા દિવસો અગાઉ ઠેબા ચોકડી પાસે તેની જાહેરસભા ખૂબ જ મોટી જનમેદની સાથે સફળ થઈ હતી અને જામનગર લોકસભા વિસ્તારમાં પટેલ મતદારોની સંખ્યા નોંધપાત્ર અને નિર્ણાયક છે તેમજ હાર્દિક પટેલનું નામ આવે તો કડવા અને લેઉવા એમ બન્ને સમાજના મતો તેને મળે તેવી ગણતરી મંડાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.