ક્રાંતીકારી આંદોલન’ શબ્દ વપરાયો હોવાથી મંજુરી રદ કરાયી: ઉમિયાધામના ટ્રસ્ટી નારણભાઈ પટેલ
સમાજના દાનથી બનેલા ઉમિયાધામમાં લોકોને જતા કોઈ ન અટકાવી શકે: હાર્દિક પટેલ
પાસના ક્ધવીનર હાર્દિક પટેલના વળતા પાણી પારૂ થયા છે. ગઈકાલનાં ક્રાંતીકારી સંમેલનની મંજૂરી રદ કરી ઉમિયાધામે પણ હાર્દિક પટેલને જાકારો આપ્યો છે. હાર્દિક પટેલ અને પોલીસ તંત્ર વચ્ચે ગઈકાલે આંદોલનની મંજૂરી મુદે હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. હાર્દિક સહિત ૩૫ કાર્યકરોને પોલીસ કચેરીએ લઈ જવાયા હતા. ત્યારબાદ રાત્રે મૂકત કરાયા હતા.
પોલીસ દ્વારા પાસના સંમેલન માટે મંજૂરી નહીં હોવાનું કારણ અપાયું હતું તેની સામે હાર્દિકે એવી જાહેરાત કરી હતી કે, ઉમિયાધામ સમાજની જગ્યા છે. અગાઉ પાસને મંજૂરી આપવામાં આવી હતી અને સમાજના કાર્યક્રમો માટે કોઇની મંજૂરીની જરૂર હોતી નથી. તેથી શનિવારનું કાર્યકર સંમેલન પૂર્વ નિર્ધારિત યોજાશે. તેમણે સરકારના ઇશારે પોલીસ તંત્રનો ઉપયોગ પાસને ડરાવવા માટે કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
સોલા ઉમિયાધામ ખાતે કાર્યકર સંમેલન અંગે હાર્દિક પટેલ સહિત પાસના નેતાઓની બપોરે પત્રકાર પરિષદ યોજાવાની હતી. તે માટે હાર્દિક પટેલ, વરૂણ પટેલ અને દિનેશ બાંભણિયા સહિતના નેતાઓ આવી પહોંચ્યા હતા. જો કે તે પહેલાં જ સોલા સહિત શહેરના અનેક પોલીસ મથકોમાંથી સંખ્યાબંધ ગાડીઓ અને અધિકારીઓ-કોન્સ્ટેબલોનો કાફલો ખડકી દેવાયો હતો. હાર્દિકે ઉમિયાધામમાં પ્રવેશ કરતા જ પોલીસ દ્વારા અટકાવીને તેમને પ્રવેશ નહીં કરવા માટે લેખિત આદેશ હોવાનું જણાવી તે પત્ર હાર્દિકને બતાવ્યો હતો. તેની સામે હાર્દિકે પણ તેમને ઉમિયા સંસ્થાન દ્વારા કાર્યક્રમ માટે મંજૂરી આપવામાં આવી હોવાનો પત્ર બતાવતા પોલીસ કફોડી સ્થિતિમાં મૂકાઇ ગઇ હતી.
થોડી વારમાં પાસના અન્ય કાર્યકરો પણ આવતા હાર્દિકે રોડ પર બેસીને જ ધરણાં શરૂ કર્યા હતા અને જય સરદાર-જય પાટીદાર તેમજ દાદાગીરીથી આઝાદી સહિતના નારા લગાવ્યા હતા. હાર્દિક અને વરૂણ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા પાસનો કાર્યક્રમ અટકાવવા ભાજપના નેતાઓ થકી દબાણ લાવીને દાદાગીરી કરવામાં આવી રહી છે. અમને અગાઉથી લેખિત મંજૂરી આપવામાં આવી હોવા છતાં પોલીસ અટકાવી રહી છે જ્યારે ઊંઝા કે સોલાના કોઇ ટ્રસ્ટી દ્વારા અમને હજુ સુધી સત્તાવાર રીતે ના પાડવામાં આવી નથી. સમાજના દાનથી જ્યારે ઉમિયાધામ બન્યું છે ત્યારે સમાજના લોકોને જતા પોલીસ કેવી રીતે અટકાવી શકે કે ઉમિયા ધામના ટ્રસ્ટીઓ પણ ના પાડી શકે/ ઉમિયાધામ સંસ્થાનના ટ્રસ્ટી નારણભાઇ પટેલ દ્વારા ક્રાંતિકારી સંમેલન એવો શબ્દ હોવાથી સંમેલનની મંજૂરી રદ કરી નાખી છે તેવા સવાલના જવાબમાં હાર્દિકે જણાવ્યું હતું કે, તેઓ સમાજના નેતા હોત તો આવું ન કરત પરંતુ તેઓ ભાજપના નેતા છે. વરૂણ પટેલે જણાવ્યું હતું કે, સમાજની જગ્યા છે તેથી હવે મંજૂરી મળે કે ના મળે પરંતુ શનિવારે સંમેલન યોજાઇને જ રહેશે.
ઉમિયાધામ સોલા અને ઊંઝા સંસ્થાન દ્વારા સોલા પીઆઇને એવો પત્ર મોકલાયો હતો કે, અગાઉ પાટીદારોના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે આ કાર્યક્રમ યોજવાની મંજૂરી માગવામાં આવી હોવાથી આપવામાં આવી હતી, પરંતુ હવે ક્રાતિકારી કાર્યકર્તા સંમેલન યોજવા માટે પ્રચાર-પ્રસાર થઇ રહ્યો છે તેથી સંસ્થા તરફથી મંજૂરી આપવામાં આવતી નથી.
બીજી તરફ હાર્દિક પટેલે રાજ્યસભાની ચૂંટણી આડે ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે એવો દાવો કર્યો હતો કે, ભાજપના જે પાટીદાર ધારાસભ્યો છે તેમાંથી ૨૨ જેટલા પાસના સંપર્કમાં છે અને છ જેટલા ધારાસભ્ય નોટાનો ઉપયોગ કરશે. જેના કારણે ભાજપ દ્વારા પોલીસનો ઉપયોગ કરીને પાસમાં કાર્યક્રમોમાં અવરોધ ઊભા કરાવવામાં આવી રહ્યા છે પરંતુ પાસ આવા કોઇ દબાણને વશ થશે નહીં. હાર્દિકે જણાવ્યું હતું કે, ભાજપના બે અને જેમને પક્ષ દ્વારા સમર્થન અપાયું છે તે બળવંતસિંહ સહિત ત્રણેય ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણીમાં જીતી શકે તેવી સંભાવના ઓછી થતી જાય છે. તે ડરના કારણે પાસ પર તવાઇ લાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.