પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદનાં જીએમડીસી મેદાન પાસે થયેલી હિંસા કેસમાં આગોતરા જામીન આપવાનો હાઈકોર્ટનો ઈન્કાર
થોડા સમય પહેલા ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવીને સમાજના ખંભા પર પગ રાખીને નેતા બનેલા હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પાટીદાર અનામત આંદોલનના નામે રાજયભરમાં હિંસક તોફાનો કરાવીને કરોડો રૂપિયાની સરકારી સંપતિને નુકસાન કરાવવાનો હાર્દિક પર સમયાંતરે આક્ષેપો થતા રહ્યા છે. પોતાનું આંદોલન પાટીદારોને ન્યાય અપાવવા માટે છે અને રાજકારણલક્ષી નથી તેવી વાતો કરીને કોંગ્રેસના નેતા બનીને રાજકારણ ખેલી રહેલા હાર્દિક પટેલ હવે પોતે જ ચીતરેલા કુંડાળામાં ફસાઈ રહ્યો હોય એવી સ્થિતિ ઉભી થવા પામી રહી છે.
કોંગ્રેસના નેતા અને પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસના ક્ધવીનર હાર્દિક પટેલની કાયદાકિય મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી ન હોય તેમ ગુજરાત હાઈકોર્ટે સોમવારે આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. હાર્દિક સામે તા.૨૫/૮/૨૦૧૫ની સાંજે જીએમડીસી મેદાનમાં હિંસા અંગે વસ્ત્રાપુર પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. આ કેસમાં હાર્દિકે ધરપકડથી બચવા આગોતરા જામીન મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. હાર્દિક પટેલ સીટી સેશન્સ કોર્ટ ૩૦મી જાન્યુઆરીએ આવા જામીન આપવાનો ઈન્કાર કરતા હાર્દિકે હાઈકોર્ટમાં નસીબ અજમાવ્યું હતું. હાર્દિકે પોલીસની ધરપકડથી બચવા માટે આગોતરા મેળવવાની મહેનત કરી રહ્યો છે. કોર્ટે એવું તારણ કાઢયું હતું કે, સભા યોજવા માટે અને સમગ્ર આંદોલન માટે હાર્દિક સાથે બીજા કોણ-કોણ જોડાયા છે તેની વિગતો માટે હાર્દિકની ધરપકડ અને પોલીસ રિમાન્ડ જરૂરી હોવાનું સીટી કોર્ટે મુનાસીબ સમજવું છે.
વસ્ત્રાપુર પોલીસે પાટીદાર સભાને સંબોઘ્યા પછી અનામતની માંગ માટે ઉપવાસ શરૂ કર્યા બાદ હિંસાની ઘટનાઓ ફાટી નિકળી હતી. પોલીસે આ અંગે હાર્દિક સામે ગુનો નોંઘ્યો હતો. હાર્દિક પટેલે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક ક્ષેત્રે પાટીદારોને અનામત આપવાની માંગ કરી હતી. પોલીસે હાર્દિક પટેલ સામે ગેરકાયદેસર મંડળી રચીને પોલીસની ફરજમાં રૂકાવટ અને મિલકતોને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંઘ્યો હતો. હાર્દિક પટેલ સીટી સેશન્સ કોર્ટમાં તેની સામેની સુનાવણી દરમિયાન ગેરહાજર રહ્યો હતો. રાજદ્રોહના કેસની સુનાવણીમાં હાજર રહેવા સામે મુકિતની માંગ કરી હતી.
૨૦૧૫ના કેસમાં પોલીસ તેની ધરપકડ કરવાના ફિરાકમાં છે. સેશન્સ કોર્ટે પણ હાજર રહેવામાંથી મુકિત આપવાનો ઈન્કાર કરીને ધરપકડ વોરંટ કાઢયું હતું. હાર્દિક પટેલે પોતાની સ્થિતિ સમજાવીને ધરપકડથી બચવા આગોતરા જામીન અરજીનો સહારો લીધો હતો પરંતુ હાઈકોર્ટે તેને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરતા તેની કાનુની મુશ્કેલીઓ વધી રહી છે અને પોતે જ પોતે રચેલા કુંડાળાઓમાં ગુંચવાઈ ગયા જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.
શું છે અમદાવાદના જીએમડીસી મેદાન પાસેનો હિંસા કેસ ?
પાટીદાર અનામત આંદોલન દરમ્યાન તા.૨૫/૮/૨૦૧૫ના રોજ અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે હાર્દિક પટેલે સભા યોજી હતી. આ સભા બાદ હાર્દિકે મેદાન ખાતે જ ઉપવાસ શરૂ કર્યા હતા. જેથી સભામાં ઉપસ્થિત હજારો લોકોએ મેદાન પર સુરક્ષા માટે રહેલા પોલીસ પર હુમલો કર્યો હતો અને હિંસક તોફાનો કરીને સરકારી મિલકતોને ભારે નુકસાન પહોંચાડયું હતું.