માર્કેટ યાર્ડ તથા જિલ્લા બેંકના અગ્રણી અને જાણીતા ગ્રામ સુધારક હરદેવસિંહ જાડેજાએ પોતાની વતન ભોમકામાં વિકાસની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી

રાજકોટથી વીસેક કિલોમીટરના નજીકના અંતરે આવેલા રાજ સમઢિયાળા ગામ ખાતે આજે સ્થાનિક નેતૃત્વ સંભાળતા અને વરસોથી પોતાના વતનને નંદનવન બનાવવામાં પ્રવૃત્ત એવા હરદેવસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ યોજી કહ્યું હતું કે સૌરાષ્ટ્રના પાટનગર જેવા રાજકોટમાં હવે બહુવિધ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થઈ રહયો છે એ સંજોગોમાં અમે સમગ્ર ગુજરાતનાં ઉદ્યોગપતિઓ અને બાંધકામ ક્ષેત્રના અગ્રદૂતોને અહી પધારવા માટે આહવાન આપીએ છીએ.અહી ચોતરફ કુદરતી વાતાવરણ છે.જમીનના જળ સ્તર ઘણા ઊંચા છે. તથા નજીકના અનેક ગ્રામ વિસ્તારો માંથી વ્યાજબીદરના માનવ શ્રમિકોનો મોટો સમુદાય ઉપલબ્ધ છે.

રાજ સમઢિયાળામાં જ યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધન કરતાં જિલ્લા બેંક અને માર્કેટ યાર્ડના ડિટેક્ટર તથા સહકારી ક્ષેત્રના અગ્રણી હરદેવસિંહ જાડેજાએ કહયું કે સમગ્ર ગુજરાતમાં અમારું આ વતન અનેક કારણોસર વિખ્યાત છે.

તેમણે કહ્યું કે એક સાથે વિશાળ જમીનના પટ અહીં ગામની ચારે દિશામાં ઉપલબ્ધ છે.એક સાથે અનેક ઔદ્યોગિક વસાહતો અહીં સ્થાપી શકાય એમ છે. ભાવનગર બંદરનો કોમર્સિયલ વિકાસ ટૂંક સમયમાં થતા ઉત્પાદિત માલના પરિવહન અને નિકાસ માટે ક્ધટેનરો અહીંથી સીધા જ રવાના થઈ શકે છે, ઉપરાંત કાચા માલની આયાત પણ સુગમ થઈ શકે છે.

રાજકોટની હાલની વિવિધ જી.આઈ.ડી.સી.ની તુલનામાં અહીં હાલ જેનું કામકાજ સોળેય કળાએ ચાલે છે તે પીપાવાવ બંદર પણ ઘણું જ નજીક છે. કોઈ પણ આંતર રાષ્ટ્રીય દરજ્જાના ઉત્પાદન યુનિટો કે નિકાસપાત્ર ઉદ્યોગ સામગ્રી માટે રાજ સમઢિયાળા મહોત્સવનું કેન્દ્ર પુરવાર થશે. ભારતમાં સ્માર્ટ વિલેજ તરીકે આ ગામની પ્રસિધ્ધિ છે. જેમ શનિ મહારાજના શિંગડાપુર ગામમાં ઘર કે દુકાનમાં તાળુ મારવાની જરૂર નથી એમ આ ગામમાં પણ જરૂર નથી. છેલ્લા ત્રણ દાયકાથી અહીં ક્રાઇમ રેટ ઝિરો છે.

જાડેજાએ કહ્યું કે ગામમાં મહત્ નિવાસો ઇકો-ફ્રેન્ડલી હોવાને કારણે વિવિધ એવોર્ડ પણ મળ્યા છે. એક જમાનામાં અહીં 1600 વૃક્ષો હતા, આજે ગામતળની જમીનમાં 65,000 વૃક્ષોની લીલીછમ ઘટા છે. સમગ્ર ગામ સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત અને નિરંતર સ્વચ્છ છે.

હરદેવસિંહ જાડેજાએ કહ્યું કે અમારી તમામ સામાજિક અને ગ્રામલક્ષી પ્રવૃત્તિઓનો આસપાસના ગ્રામવિસ્તારો પર પણ ઘણો પ્રભાવ છે. અહીંના જનજીવનના વિચારો અને મૂલ્યો પણ ઘણા ઊંચા છે. એટલે જે જે ઉદ્યોગો અહીં આવશે તેમને કાર્યક્ષમ માનવશ્રમ મળશે.

તેમણે કહ્યું કે અમે હવે નક્કી કર્યું જ છે એટલે અમારા આ પ્રદેશનો ઓદ્યોગિક વિકાસ થશે જ કારણ કે એ અમારો સંકલ્પ છે. અમારો અનુભવ છે, સંકલ્પમાં બહુ તાકાત રહેલી છે. રાજ સમઢિયાળા ગ્રામ પંચાયત તરફથી અહીં આવનારા દરેક પ્રકારના ઉદ્યોગોને સંપૂર્ણ સહકાર મળશે. અમે અમારા ગામને વિકાસ સાથે જોડવા ચાહીએ છીએ. નેશનલ હાઇવેના કિનારે જ રાજ સમઢિયાળા છે. અને હવે આ પથને અમે વડાપ્રધાન કહે છે તમે કર્તવ્ય પથ બનાવીને ઉચ્ચ દરજ્જાના ઓદ્યોગિક કર્તવ્યો પાર ઉતારવા ચાહીએ છીએ. આ અમારા ગામના એકે એક નાગરિકની આંખમાં રમતું સપનું છે.

આ પ્રસંગે અન્ય સ્થાનિક નેતાઓએ પત્રકારોને રાજ સમઢિયાળા ગામની મુલાકાત લેવડાવી હતી અને આટલા નાના ગામના ઓડિટોરિયમ, ક્રિકેટ સ્ટેડિયમ, ડ્રેનેજ તથા જળ વ્યવસ્થા પણ દર્શાવ્યા હતાં.

વસાહત ઝોન માટે રાજ સમઢીયાળા બનશે શ્રેષ્ઠ

રાજકોટની દરેક દિશામાં સૌથી નીચા જમીનના ભાવ જેથી ઇન્ડસ્ટ્રીઝને સ્થાપના ખર્ચ ઓછો પડે અને ગ્રોથની પૂરી તક રહે. રાજકોટથી ભાવનગર હાઇવે નવો અને ફોર ટ્રેક છે. અમદાવાદ – ગોંડલને જોડતો 250 ફૂટનો રોડ ડેવલપ થઈ ગયો છે, તેથી અમદાવાદ રોડથી અમારી કનેકટીવિટી ખૂબ જ સરળ થઈ ગઈ છે. અમોને પૂરી શ્રદ્ધા છે કે ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ સમઢિયાળાની ફરતે ઘણી મોટી ઔદ્યોગિક વસાહતો હશે જ. અમારી નજીક અમૂલ ડેરીનો પણ 116 એકરમાં મોટો પ્લાન આવે છે. એક મોટી ઓદ્યોગિક વસાહત પણ અમારા એરિયામાં આવે છે.

આખા પ્રદેશને ફળદ્રુપ કરવાનું સ્વપ્ન

હવે અમારી પેઢી ગામના પરિપૂર્ણ વિકાસ પછી ચોકકસ મુકામપર પહોંચવા આવી છે ત્યારે અમારી આંખમાં આ આખા પ્રદેશના વિકાસનું સપનું રમવા લાગ્યું છે. રાજકોટ સહિત સોરાષ્ટ્રના અને ગુજરાતના નાના-મોટા તમામ ઉદ્યોગપતિઓને અમે રાજસમઢિયાળા આસપાસના વિરાટ ભુમીપટ પર તેમના ઉદ્યોગો સ્થાપવા માટે આહ્વાન આપીએ છીએ.અહીં ચારેબાજુ વસુંધરાનું વહાલ વરસે છે. ચોતરફ ગામડાઓમાંથી પૂરતા શ્રમિકો મળી શકે છે. આપના તમામ ઉત્પાદનોની પડતર અન્ય સ્થળોની તુલનામાં નીચી રહેશે. જમીનમાં પાણીનું સ્થળ પણ ઘણું ઊંચું છે. જમીન કૃષિલાયક તો છે જ પરંતુ બાંધકામને લાયક મજબૂત પકડ ધરાવતી પણ છે. કચ્છના ધરતીકંપ વખતે અહીં એક સામાન્ય આંચકો પણ આવ્યો ન હતો. એટલે ભૂકંપની જે કચ્છથી લાતૂર મહારાષ્ટ્ર સુધીની જે પ્લેટ છે એનાથી આ પ્રદેશ મુક્ત છે. જેઓ નિકસપાત્ર ઉત્પાદનો કરે છે તેમને ઉત્પાદનના પહેલા જ દિવસથી પીપાવાવ પોર્ટની કનેકટીવિટી મળે છે. ભવિષ્યમાં ભાવનગર પોર્ટનો કોમર્સિયલ વિકાસ થશે. ત્યારે એનો પણ લાભ મળશે. ભવિષ્યમાં કલ્પસર યોજના સાકર થશે અને ભાવનગર દહેજ બંદર વચ્ચે પુલ બંધાશે ત્યારે પણ રાજસમઢિયાળાની ભૌગોલિક કનેકટીવીટી વધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.