અરવિંદ કેજરીવાલ છાશવારે ગુજરાતની મુલાકાતે આવી ‘રેવડી’ની જાહેરાત કરે છે પણ શાણી જનતા વિકાસવાદને વરેલી હોય કોઇ વિકાસ વાયદો કરો તો જ મેળ પડશે
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કાંઠુ કાઢવા માટે આમ આદમી પાર્ટીના ક્ધવીનર અને દિકરીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છાશવારે ગુજરાતની મુલાકાતે આવી મહેનતું જનતાને કોણીએ ગોળ લગાડતી જાહેરાત કરી રહ્યા છે. મહેનતુ ગુજરાતીઓએ કયારેય મફતનું સ્વીકાર્યુ નથી. વિકાસ વાદની વાતો કરવામાં આવે તો જનતા રીઝે મફતમાં આખુ વિશ્ર્વ આપી દેવામાં આવે તો ગુજરાતીઓ સ્વીકારતા નથી.
દેશમાં સત્તાની લાલચમાં છેલ્લા ઘણા સમયથી મફતની રેવડી આપવાનું કલ્ચર શરુ થયું છે. જેની સામે ખુદ દેશની સર્વોચ્ચ અદાલતે નારાજગી વ્યકત કરી છે ભારત જેવા વિકાસ શીલ દેશને ખરેખર જનતાને મફતમાં પ્રાથમિક સુવિધાઓ આપવી કોઇપણ ભોગે પોસાય તેમ નથી પરંતુ રાજકીય પક્ષો દેશનું લાંબાગાળાનું હિતને ઘ્યાનમાં રાખવાના બદલે પોતાના ‘મત’ ની ચિંતા કરે છે અને લોકોને પણ આળસુ બનાવી દેતી જાહેરાતો કરવામાં આવે છે.
ગુજરાતમાં સરકાર બનશે તો 10 લાખ યુવાનો નોકરી આપવી, બે રોજગારોને માસિક 3 હજાર રૂપિયાનું ભથ્થુ, 300 યુનિટ મફત વીજળી, વૃઘ્ધાને પેન્શન અને હવે મહિલાઓને દર મહિના 1 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. ભૂતકાળમાં અનેક રાજકીય પક્ષોએ ગુજરાતની જનતાને મફતમાં આપવાની લ્હાણી કરી હતી પરંતુ તેનો જનતાએ સ્વીકાર કર્યા નથી. કેજરીવાલ જો ગુજરાતનો ગઢ જીતવા માંગતા હોય તો તેને વિકાસને વેગ મળે તેવું વચન આપવું જોઇએ નહીને મફતનું વાજુ વગાડવું જોઇએ.
પ્રજાને આળસુ બનાવવા માંગે છે કેજરીવાલ?
કોઇપણ દેશ જો વિકાસના શીખરો સર કરવા હોય તો પ્રજાએ ઘડીયાળના કાંટા જોવા વિના રાત -દિવસ મહેનત કરવી જોઇએ. ગુજરાતની જનાતા કંઇક આવું જ કરી રહી છે. વિશ્ર્વના કોઇપણ ખુણે ગુજરાતી વસતો હોય તે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેતો હોય છે. મહેનતું પ્રજાને આળખુ બનાવવાનું અભિયાન જાણે કેજરીવાલે ઉપાડયું હોય તેવું લાગી રહ્યું છે. સત્તાની લાલચમાં જનતાને મફતમાં તમામ સુવિધા આપવાના વચનો આપવા પણ મોટો દ્રોહ ગણી શકાય.
વિકાસ જ ગાંડો થશે મફતનું મુરજાય જશે
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં વિકાસ જ ગાંડો થશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. હાલ મફતનું રેવડી કલ્ચર મુરજાય જશે. રાજયમાં જનતા વિકાસ વાદને વરેલી છે મફતનું સ્વીકારવું તેના લોહીમાં નથી. કેજરીવાળની પાર્ટી ‘આપ’ ભલે વચન નહી પરંતુ મફતમાં આપવાની ગેરેન્ટી આપતી હોય તેને એક ગેરેન્ટી જનતા આપી રહી છે કે અહીં રેવડીનું રાજકારણ ચાલશે નહી માત્ર વિકાસ જ દોડશે.
કેજરીવાલ ગુજરાતની મહેનતું પ્રજાને છાજે તેવી ગેરેન્ટી આપે!
ગુજરાતમાં જો સારૂ પરિણામ મેળવવું હોય તો અરવિંદ કેજરીવાલે ગુજરાતની મહેનતું પ્રજાને છાજે અને તેઓની છાતી ગજગજ ફૂલે તેવી ધોષણા કરવી જોઇએ. ગુજરાતની જનતા કુદરતી કે કૃત્રિમ આફત સમયે સરકારને ટેકો આપતી હોય છે. મફતમાં સરકારનું લઇ લેવું તે કયારેય વિચારતી નથી. રાજયમાં મફતની રેવડી કયારેય મીઠી બનવાની નથી કારણ કે પરસેવો પાડી મીઠા ફળો ખાવા જનતાનો સ્વભાવ છે.
જાત મહેનતના કારણે ગુજરાતનો વિશ્ર્વભરમાં વાગી રહ્યો છે ડંકો
જયાં જયાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત તેવું કહેવામાં આવે છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતની જનતા વિશ્ર્વના કોઇપણ ખુણે વસવાટ કરતી હોય પોતાની મહેનત અને સ્વભાવના કારણે એક અલગ જ ઓળખ બનાવી લેવામાં માહીર છે મફતમાં લેવું ગુજરાતીઓના લોહીમાં નથી. પ્રજા વેપારી ગુણધર્મ ધરાવે છે. મહેનતના તોળે કયારેય મફત આવવાનું નથી. તે વાત કેજરીવાલ અને તેની પાર્ટી કયારે સમજશે.