સોમનાથ પાસેના ભાલકામાં આમ તો માત્ર ત્રણથી ચાર જ પ્રજાપતિ સમાજના કુટુંબો રહે છે. જેઓ વંશ પરંપરાગત નવરાત્રીના માટીના ગરબા બનાવે છે.
પ્રજાપતિ સમાજના કારીગરોની પરંપરાગત કલા આજે પણ જીવંત
64 વર્ષીય ધાના ભાણા જેઠવા કહે છે. હું નાનપણથી જ આ કામમાં જોડાયો છું અને પહેલાં હું હાથથી ચાલતા ચાકડા ઉપર ગરબા કોડીયાં, કુંડા, ચપલાં બનાવતો પણ હવે હું ઇલેક્ટ્રીક મોટરના ચાકડાની ઉપર ગરબા બનાવું છું. અગાઉના વર્ષોમાં 1500 થી 2000 ગરબા બનાવતા પણ હવે ધાતુના તૈયાર ગરબા મળતા હોય 1000 જેટલા ગરબા તો બનાવી વેરાવળ-ભીડીયા અને બાજુના ગામડાઓની ફૂટપાથ બજાર ઉપર વેંચવા માટે પરિવારને મોકલી દીધા છે.
ભાલકામાં જ વર્ષાબેન ધીરૂ જેઠવા કહે છે અમારા પરિવારે બનાવેલા માટીના ગરબાઓને કલર કામ કરી, અરીસા જેવા આભલા લગાડીને કે ટુઇ-લેશથી ગરબાને અમો સજાવટ કરીએ છીએ અને તેના ઉપર કોનથી ચિત્ર કાઢીએ છીએ. ગરબાની ત્રણ સાઇઝ હોય છે.
મોટી-મધ્યમ અને નાની એક દિવસમાં નાના 100 ગરબા અને મોટા 50 ગરબા સોનેરી રંગ ઝાકઝાકથી સજાવટ કરી શકીએ. ભાલકાના જ દામજી કરશન ચિત્રોડા ઉ.વ.70 કહે છે કે “પહેલાના જમાનામાં માટી મફ્ત મળતી હવે તો તેના યે પૈસા દેવા પડે છે” આ માટીને પલાળી પોચી કરી તેમાં ભુસું, લાકડા વ્હેર, રાખ એ ચાળેલી માટીમાં મિશ્રણ કરી ગરબા બનાવીએ છીએ. હું હજીયે હાથ-લાકડીથી ચાલતો ચાકડો વાપરૂં છું. જાણકારો કહે છે કે હવે વંશપરંપરાગત વ્યવસાયીઓએ ધંધો બદલ્યો છે. માટી ખુંદનારને વેરાવળ-સગપણની પણ મુશ્કેલ પડે છે. મોટાભાગના લોકો શહેર ભણી દોટ મુકી ચુક્યાં છે અને બીજા જાવ તૈયાર છે અને આમ ઝાઝી મહેનતે ઓછું અને અનિશ્ર્ચિત વળતર જીંદગી મુશ્કેલ બની છે.