વર્ષા નામની એક છોકરી હતી જે રાજકોટમાં રહેતી હતી. કોલેજનું પહેલું વર્ષ હતું અને તે રાજકોટમાં નવી હતી. કોલેજના સમય બાદ તે આખો દિવસ હોસ્ટેલમાં ટાઈમપાસ કરતી અને આમ થી તેમ આંટા મારતી. થોડા મહિના આ બધું ચાલ્યું પછી તેને હોસ્ટેલમાં આખો દિવસ કંટાળો આવવા લાગ્યો. તેણે વિચાર્યું કે અડધો દિવસ જોબ કરશે તો તેનો સમય કામ કરવામાં જશે અને કંટાળો પણ નહીં આવે.
વર્ષાએ ઘણી કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યા અને એક કંપનીમાં તેને જોબ લાગી ગઈ. સવારે કોલેજ અને બપોરથી રાત કંપનીમાં જોબ કરે. શરૂઆતના દિવસોમાં તેને અનુભવ ના હોવાથી ઘણીવાર મેનેજર નું સાંભળવું પડ્યું. વર્ષા કોમળ સ્વભાવ ની છોકરી હતી તેથી કોઈ ઊંચા અવાજે કંઈપણ બોલે તો તેનાથી રદાઈ જતું. રોજ તેના મેનેજર તેને સંભળાવે અને તે રોજ રડતી આવું 3 મહિના સુધી ચાલ્યું.
તેની સાથે કામ કરતાં તેના સહ-કર્મચારી વર્ષા પાસે કામ કરાવતા. જો મેનેજરને ફરિયાદ કરે તો કોઈ તેનું સાંભળે નહીં કેમકે તે કંપનીમાં નવી હતી. તે ચુપચાપ બધું સહન કરતી અને બધાને તેમના કામમાં મદદ કરવી પડતી. એક વર્ષ થયું અને કંપનીના માલીકને વર્ષાનું કામ, મહેનત, હુન્નર દેખાયું અને તેનું પ્રમોશન થયું અને બીજા સ્ટાફને પણ વર્ષા નું કામ દેખાયું.
થોડા સમય પછી વર્ષા કંપનીના બધા જ ડિપાર્ટમેન્ટમાં કામ કરવા લાગી કેમકે તેણે આજ સુધી બીજા લોકોના જ કામ કર્યા હતા અને તેજ તેને કામ આવ્યું. આખી કંપનીમાં બધા જ સ્ટાફ તેને ઓળખવા લાગ્યા અને વર્ષા બધાની ફેવરિટ બની ગઈ.
વર્ષાના ઘણા બધા મિત્રો બની ગયા હતા. તેની સાથે તે ઘણીવાર ફરવા જાય, ખરીદી કરવા જાય, શનિવારે પાર્ટી કરવા જાય અને રાત્રે બધા મિત્રો સાથે મળીને આખી રાત ફિલ્મ જોવે અને આનંદ કરે. તેના જીવનમાં ઘણો બધો પરિવર્તન આવ્યો.તે હવે ખુશ હતી.
એકવાર તે દિવાળીની રજાઓમાં તેના પરિવાર સાથે મુંબઈ ફરવા ગઈ અને તેના એક મિત્રએ તેને ફોન કરીને જણાવ્યું કે જો તું મુંબઈમાં હોય તો એક સારી કંપની છે જેમાં વેકેન્સી છે તો તું ત્યાં જા અને ઇન્ટરવ્યૂ આપ.
વર્ષાને પહેલાં લાગ્યું કે તેનો મિત્ર તેની સાથે મસ્તી કરી રહ્યો છે બે દિવસ પછી તેના મિત્રનો ફરીથી ફોન આવ્યો અને તેણે પૂછ્યું કે શું તું ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી ? વર્ષાએ કીધું કે તું મસ્તી નથી કરતોને ?
તેના મિત્ર રાહુલે કહ્યું કે કાલ સવારે તું ત્યાં જઈ આવ અને ઇન્ટરવ્યૂ આપતી આવ. બીજે દિવસે સવારે તે કંપનીમાં પહોંચી અને ઇન્ટરવ્યૂ શરૂ થયું. તેનું ઇન્ટરવ્યૂ 3 કલાક ચાલ્યું. રાજકોટ બે વર્ષ એણે જે કંઈ કર્યું એ જ બધું તેને અહીં કામ આવ્યું. તે બધું જાણતી હોવાથી ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઇ ગઈ અને રાજકોટ કરતાં 4 ગણી વધારે સેલેરી ત્યાંથી ઓફર કરી. વર્ષાએ એક-બે દિવસ પછી વિચારીને જવાબ આપવા કહ્યું.
વર્ષાએ રાજકોટ જ્યાં જોબ કરી ત્યાંથી તેને ઘણું શીખવા મળ્યું અને સારો ખરાબ બધો અનુભવ મળ્યો. તે રાજકોટ છોડીને અને તેના મમ્મી-પપ્પા થી દુર રહીને મુંબઈ એકલી રહેવા માંગતી ન હતી. વર્ષાને ઉદાસ થયેલી જોઈને તેના પપ્પાએ કહ્યું કે બેટા પરિવર્તન સંસારનો નિયમ છે અને પ્રગતિ તો કરવી જ જોઈએ. આ તારા જીવનનો એક શ્રેષ્ઠ મોકો છે. ચિંતા ના કર તું અહીં જોબ પર લાગી જા અને રાજકોટ કંપનીમાં ફોન કરીને શાંતિથી એમને વાત કર. પપ્પાની વાત સાચી લાગતા વર્ષાએ રાજકોટ જોબ છોડી અને મુંબઈમાં એક ફ્લેટ રેન્ટ પર રાખ્યો અને જોબ શરૂ કરી દીધી અને ખૂબ સારી સેલેરી અને રિસ્પોન્સ મળ્યો હવે તે ખુશીથી તેનું જીવન જીવવા લાગી.
રાજકોટમાં તેના સહ-કર્મચારીઓના કામ કરતી વખતે તેને ખરાબ લાગતું હતું પણ એ જ બધું શીખીને આજે તે સારા દિવસો વિતાવે છે.
જીવનમાં શીખેલી દરેક વાત, દરેક કામ, દરેક જ્ઞાન, દરેક અનુભવ ક્યારેય વ્યર્થ જતો નથી. આપણને તે ક્યારેક તો કામ આવે જ છે.
– આર. કે. ચોટલીયા