- સ્વાર્થ પૂરો થતા જ વેદ વેરી ! મતદાન પૂર્ણ થયા બાદ તંત્રને દબાણો દેખાયા ?
- પોલીસ અને વિજીલન્સના કાફલા સાથે ત્રાટકતું કોર્પોરેશનની દબાણ હટાવ શાખાનું વેપારીઓ સાથે ‘આતંકવાદી’ જેવું વર્તન
- લોકોમાં પણ ખોટો ડરનો માહોલ ઉભો કરવાનો હિન પ્રયાસ: કામગીરી થોડી અને દેખાવો વધારે
- દબાણ ખડકવા માટે ‘હપ્તા’ ચૂકવનાર પર ચાર હાથ ? નાના બોર્ડ મૂકનાર સામે તંત્ર બળુકુ
તોતીંગ હપ્તા વસુલી વેપારીઓને પોતાની દુકાનો પાસે દબાણો ખડકવાનો પરવાનો આપી દેનાર કોર્પોરેશનની દબાણ હટાવ શાખાની કામગીરી સામે હંમેશા સવાલો થતા રહે છે. દબાણ શાખાને ખરેખર વિવાદ શાખા નામ આપી દેવામાં આવે તો પણ તેમાં કશું જ ખોટુ નથી આખુ વર્ષ માત્ર દેખાવા પૂરતી કામગીરી કરતું કોર્પોરેશનનું તંત્ર વર્ષમાં એકાદ-બે વાર રાજમાર્ગો પર દબાણ હટાવવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધરે છે. છેલ્લા બે દિવસથી શરૂ કરવામાં આવેલી દબાણ હટાવો ડ્રાઈવમાં વેપારીઓની ખોટી હેરાનગતિ કરવામાં આવે છે. હપ્તા ચૂકવનારા દબાણકર્તાઓ પર ચાર હાથ રાખવામાં આવે છે. જયારે નાના વેપારી સામે તંત્ર બળુકુ બની કામગીરી કરી રહ્યું છે.
રાજકોટની વસતી અને વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યા છે. વાહનોનાં વેચાણમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. જેના કારણે સ્માર્ટ સિટીના માર્ગો સાંકડા બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના મોટાભાગના રાજમાર્ગો પર આખો દિવસ સતત ટ્રાફિક જામની સમસ્યા રહે છે. રોડ પર દુકાનદારો દ્વારા ઉભા કરવામાં આવેલા દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા હપ્તા વસુલીને વેપારીઓને દબાણ ખડકવા માટે જાણે છૂટ આપી દેતી હોય તેવું લાગી રહ્યું છે. ઉપરી અધિકારીના આદેશ છૂટતા વર્ષમાં એકાદ બે વખત દબાણ હટાવ માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે. જેમાં હપ્તા ન આપનારા વેપારીઓને પાસે જ કામગીરી કરવામાં આવે છે. શહેરનો એક પણ રોડ કે એક પણ ફૂટપાથ એવી નથી કે જયાં દબાણ ન હોય છતાં કોર્પોરેશનના અધિકારીઓની આંખે મોતીયા આવી ગયા હોય તેમ આવા દબાણો દેખાતા નથી આ અંધાપા પાછળ રૂપીયાનો મોહ કારણભૂત માનવામાં આવે છે.
છેલ્લા બે દિવસથી કોર્પોરેશનની દબાણ હટાવ શાખા, ટ્રાફિક પોલીસ અને રાજકોટ સિટી પોલીસ એમ ત્રણેય વિભાગ દ્વારા દબાણો હટાવવા સંયુકત ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. દબાણો શા માટે ખડકાય રહ્યા છે. તે ત્રણેય સરકારી તંત્રના અધિકારીઓ જાણે છે. પરંતુ કોલસાના કારોબારમાં જેમ બધાના હાથ કાળા હોય તેમ ત્રણેય શાખા હપ્તાના રંગે રંગાયેલી હોવાના કારણે મુંગા મોઢે હાજરી પૂરાવવા પૂરતી કામગીરી કરવામાં આવે છે. દબાણ હટાવ કામગીરી દરમિયાન વેપારીઓ સાથે આતંકવાદી જેવું કર્યું કરવામાં આવે છે.ખોટા હાંકલા-પડકારા સાથે કામગીરી કરવામાં આવે છે. ટ્રાફિક અને વિજીલન્સ પોલીસને સાથે રાખી વેપારીઓમાં ખોટો હાઉ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. દબાણ હટાવ કામગીરી ખરેખર રોજ થવી જોઈએ એક સામાન્ય બોર્ડનું પણ રાજમાર્ગો પર દબાણ ન હોવું જોઈએ. કોર્પોરેશન દ્વારા રાજમાર્ગોને દબાણ મૂકત રાખવા આખો એક અલાયદો વિભાગ ઉભો કરવામાં આવ્યો છે. છતા આ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રાજકોટના રાજમાર્ગો દબાણ મૂકત રહે તેના કરતા પોતાની શાખા હપ્તામૂકત ન બની જાય તેની વધુ ચિંતા રહે છે. છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવ શાખાની કામગીરી સતત વિવાદોમાં રહી છે. ઉચ્ચ અધિકારીઓ કે શાસક પાંખના વડાની સૂચનાને પણ ગણકારતા નથી. કોઈના પણ દબાણમાં આવ્યા વિના હપ્તા વસુલી પોતાની કામગીરી ચાલુ રાખવો તે દબાણ હટાવ શાખાનો મુળ મંત્ર બની ગયો છે.રાજમાર્ગો -ફૂટપાથો દબાણથી લથબથ છે. પરંતુ તેને દબાણમૂકત કરવા માટે માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરવામાં આવે છે. સ્વાર્થ સર્વો વેદ વેરી બન્યો તે કહેવત મુજબ લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. કોર્પોરેશનની ચૂંટણીના આડે હજી પોણા બે વર્ષનો પૂરો સમય છે. પ્રજા પાસેથી હમણા ‘મત’ની કોઈજ આવશ્યકતા નથી.
આવામાં કોર્પોરેશન તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરીના નામે વેપારીઓની હેરાનગતિ શરૂ કરી છે. ‘સમરથ કો ના દોષ ગુંસાઈ’ પંકિત મૂજબ જે લોકો હપ્તા આપે છે. અથવા મસકસ પાવર ધરાવે છે. તેની સામે ખૂદ તંત્ર જ દબાણમાં આવી જાય છે.
જો બારેમાસ ચાલુ રાખવામાં આવે અને એકપણ રાજમાર્ગ પર સામાન્ય બોર્ડ બેનરોના દબાણ ન હોય તો દબાણ હટાવ કામગીરી સારી છે. બે ચાર દિવસ માટે માત્ર દેખાડા પૂરતી કરાતી કામગીરી નાટકથી વિશેષ કશુ જ નથી.
“ખાખી” વર્દી મળતા દબાણ હટાવ ઈન્સ્પેકટરો પણ બેફામ બન્યાં
ખાખીના રંગમાં જાણે શું તાકાત હશે કે તેને ધારણ કરતાની સાથે જ વ્યકિતમાં રૂઆબ આવી જાય છે. થોડા વર્ષો પહેલા કોર્પોરેશનની દબાણ હટાવ શાખામાં ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને ખાખી વર્દી પહેરવાની છૂટ આપવામા આવી છે. હવે ખાખી ધારણ કરી નીકળતા દબાણ હટાવ ઈન્સ્પેકટરોનો રોફ પોલીસ ઈન્સ્પેકટર કરતા પણ વધી ગયો છે. સતત રૂઆબમાં ફરતા હોય છે. વેપારીઓ સાથે પણ તોછડાયથી વર્તન કરતા હોય છે. ખાખીનો નશો ચડયા બાદ દબાણ હટાવ શાખાના કર્મચારીઓ બેફામ બની ગયા છે.
વેપારીઓ સાથે ખરાખ વર્તનની ફરિયાદ મ્યુનિ. કમિશનર સુધી પણ પહોંચી છે!
દબાણ હટાવ કામગીરી દરમિયાન કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા વેપારીઓ સાથે ખૂબજ ખરાબ વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ પાસે ઘણા સમય પહેલા પહોચી હતી. પરંતુ ઉચ્ચ અધિકારીઓ પણ સ્ટાફની ભૂલને જાણે છાવરી રહ્યા હોય તેમ ફરિયાદ બાદ દબાણ હટાવ શાખાના કર્મચારીઓને સામાન્ય ઠપકો આપવાની પણ તસ્દી ન લેતા હવે સ્ટાફ બેફામ બની ગયો છે. હજી તેને છાવરવામાં આવશે તો કોર્પોરેશનની આબરૂનું ધોવાણ થતુ જ રહેશે.
ત્રિકોણ બાગથી જવાહર રોડ સુધીમાં 57 બોર્ડ બેનરો જપ્ત
આજે ત્રિકોણ બાગથી જિલ્લા પંચાયત ચોક અને ત્રિકોણ બાગથી જવાહાર રોડ ખાતે બે ટીમ દ્વારા દબાણ હટાવ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ત્રિકોણ બાગ, રામ ક્રુષ્ણનગર મેઈન રોડ, રેલ્વ જંકશન રોડ, વિવેકાનંદ ચોક, ડો.યાજ્ઞીક રોડ, બહુમાળી ભવન, ચૌધારી હાઈસ્કુલ, ભાવેશ મેડીકલ પાસે અને સિંધીયા ગેટ વિગેરે વિસ્તારમાંથી કુલ 57 બોર્ડ- બેનરો અને 26 પરચુરણ સામગ્રી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.